Book Title: Hemchandra Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ આચાર્ય હેમચંદ્ર બીજીવાર જ્યારે આચાર્ય દેવસૂરિ ધંધુકા આવ્યા ત્યારે પાહિનીને તેના દીકરા સાથે જોઈ તેઓએ પાહિનીને કહ્યું કે તારા આ અદ્વિતીય બુદ્ધિવાન દીકરાને મને આપી દે. તે મહાન ધર્મતારક બનશે. પાહિની પોતાના દીકરાને આપતાં અચકાતી હતી. આચાર્યએ તેને ખૂબ સમજાવી કે તે મહાન સાધુ થશે, અને જૈન પરંપરાને વધુ ઉવલ બનાવશે. સમાજના ઉત્થાન માટે પોતાના સ્વાર્થ અને પ્રેમનો ભોગ આપવા તેઓ તેને સમજાવે છે. અંતે પાહિની માની જાય છે, અને પોતાનો પુત્ર આચાર્યને સોપે છે. આચાર્ય તેને સાધુ બનાવે છે અને સોમચંદ્ર નામ આપે છે. સોમચંદ્ર પ્રખર બુદ્ધિશાળી હતો તેથી થોડા જ સમયમાં તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ અને બીજા કેટલાય વિષયોમાં વિદ્વત્તા પ્રાપ્ત કરી. સાથે સાથે સહનશીલતા, પવિત્રતા, સાદગી, નિર્મળ અને વિશુદ્ધ ચારિત્ર તથા ઉમદાપણું જેવા ગુણો પણ આપોઆપ આવી ગયા. એકવીસ વર્ષની નાની ઉંમરે આચાર્ય દેવસૂરિએ સોમચંદ્રને આચાર્ય પદવી આપી અને હેમચંદ્ર આચાર્ય નામ આપ્યું. ગુજરાતના રાજા સિદ્ધરાજના સહકારથી આચાર્ય હેમચંદ્રએ ઉમદા અને ઉચ્ચ પ્રકારના સંસ્કાર લોકોમાં સ્થાપિત કર્યા. સિદ્ધરાજના અવસાન પછી કુમારપાળ રાજા થયા. કુમારપાળ અને હેમચંદ્ર વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ કાયમ રહ્યો. આચાર્ય હેમચંદ્રએ સાત વર્ષ પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે કુમારપાળ ભાવિ રાજવી છે. હેમચંદ્રાચાર્યે એક વાર કુમારપાળનો જીવ પણ બચાવ્યો હતો. ત્યારથી કુમારપાળ તેમને ગુરુ ગણતા અને ઊંચું માન આપતા. કુમારપાળ હેમચંદ્રાચાર્યની સલાહ પ્રમાણે જ ચાલતા અને ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાત અહિંસા, શિક્ષણ અને સંસ્કારની બાબતમાં મહત્ત્વનું કેંદ્ર બન્યું. હેમચંદ્રાચાર્યે કદી પોતાના વિકાસ કે ભાવિની ચિંતા નહોતી કરી. તેઓ હંમેશા પ્રજાના કલ્યાણનો જ વિચાર કરતા. કેટલાક બ્રાહ્મણો હેમચંદ્રાચાર્યના રાજા પરના પ્રભાવથી ખૂબ જ ઈર્ષ્યા કરતા, અને જૈનધર્મને તથા હેમચંદ્રાચાર્યને પછાડવા પ્રયત્ન કરતા. તેઓ રાજા કુમારપાળને મળ્યા અને હેમચંદ્રાચાર્યની ટીકા કરતા કહ્યું. “તે બહુ અભિમાની છે અને હિંદુ દેવ-દેવતાને તે માનતા જ નથી.” રાજા કુમારપાળ પોતાના ગુરુ વિરુદ્ધની વાતો માનવા તૈયાર ન હતા. પોતાની વાતની ખાતરી કરાવવા તેમણે રાજા કુમારપાળને કહ્યું કે હેમચંદ્રાચાર્યને ભગવાન શંકરના મંદિરમાં બોલાવો. તેમને ખાતરી હતી કે હેમચંદ્રાચાર્ય શંકરના મંદિરમાં આવશે નહિ અને શંકરને માથું નમાવશે નહિ. જેવા હેમચંદ્રાચાર્ય આવ્યા કે તરત જ રાજા કુમારપાળે તેમને ભગવાન શંકરના મંદિરમાં પોતાની સાથે આવવા જણાવ્યું. હેમચંદ્રાચાર્યે બિલકુલ આનાકાની વગર રાજાની વાત સ્વીકારી લીધી. બ્રાહ્મણોને લાગ્યું કે હેમચંદ્રાચાર્યને અપમાનિત કરવાનો આપણો પ્રયત્ન સફળ થશે, પણ બધાંના આશ્ચર્ય વચ્ચે હેમચંદ્રાચાર્યે ભગવાન શિવને નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે ભવચક્રને જન્મ આપનાર રાગ અને દ્વેષનો નાશ કરનાર એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. પછી તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન હોય.” _ આચાર્ય હેમચંદ્રના આ ઉમદા કાર્યથી એ પૂરવાર થયું કે તેઓ ગમે તે ધર્મના પરમાત્માના ગુણોને પ્રણામ કરે છે. જૈનધર્મ બીજા ધર્મની સરખામણીમાં પોતાને શ્રેષ્ઠ નથી ગણાવતો પણ શાંતિપૂર્વકના સહ અસ્તિત્વમાં માને છે. આચાર્ય હેમચંદ્રના પ્રભાવથી રાજા કુમારપાળે જૈનધર્મ અંગીકાર કર્યો. હિંસા અને કોઈપણ પશુને મારવા પર પ્રતિબંધ મૂક્યો. જૈનધર્મમાં ચીંધેલા ઘણાં નિયમો અમલમાં મૂક્યા. કેવળ જૈનો જ નહિ પણ ગુજરાતની બીજી બધી પ્રજાને પણ શાકાહારી બનાવી. જૈન કથા સંગ્રહ S9Page Navigation
1 2 3