Book Title: Gersappana Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ ગેરસપ્પાનાં જિનમંદિરો શાલ્મલિ, અને અન્ય વર્ગનાં કેટલાંયે વૃક્ષોની એ ઘનઘોર હારમાળાઓમાં લક્કડખોદ, તમરાં, વનવાગોળ અને અનેક અજાણ્યાં પંખીઓના વચ્ચે વચ્ચે થતા શબ્દ સિવાય બીજો રવ સંભળાતો નહોતો. કોઈ માણસ નજરે પડ્યું નહીં પણ કેડો સાફ હતો. ઊંચે વૃક્ષોને મથાળે તેજીલો તડકો વરતાતો હતો. એનું અજવાળું ડાળીઓ અને પાનના ઘટાંબર સોસરવું ગળાઈને નીચે કેડા પર પથરાતું હતું. સંસ્થિર હવા જંગલી ફૂલોનો પરિમલ, શેવાળ, લીલ ફૂગ, અને ગરમાટભર્યા ભેજની મિશ્રિત ગંધથી વ્યાપ્ત હતી. પા'એક ગાઉ આમ આગળ વધ્યા નહીં હોઈએ ત્યાં એક સાદા પશ્ચિમાભિમુખ મંદિરનું ખંડિયેર જોવા મળ્યું. એની આજે તો માત્ર કોરી ભીંતડીઓ જ ઊભી છે. મોઢા આગળ ખુલ્લા થઈ ગયેલ ગર્ભગૃહમાં એક કાળા પથ્થરની વિજયનગર કાળની પણ સુડોળ, પદ્માસન વાળેલી સપરિકર જિનપ્રતિમા પોતાના મૂળ સ્થાને હજી પણ વિરાજિત છે. (ચિત્ર ૯) પ્રતિમા જિન નેમિનાથની હોવાનું નોંધાયું છે.) અહીંથી દક્ષિણ તરફ થોડું તીરછું જતાં આવું જ એક બીજું પણ પૂર્વ તરફ મુખવાળું ખંડિયેર અને પ્રતિમા જોયાં. જિન પાર્શ્વનાથની નાગફણા-ઘટા નીચે સંસ્થિત, પ્રશમરસ દીપ્ત શ્યામલ સુંદર જ્ઞાસન પ્રતિમા વિજયનગર યુગમાંયે પ્રભાપૂર્ણ પ્રતિમાઓ બનતી હોવાની પ્રતીતિ કરાવી ગઈ (ચિત્ર ૧૦). સૂરજ ઢળતો જતો હતો અને અમારું લક્ષ તું ચતુર્મુખ મંદિરની શોધમાં. નાવિક ભોમિયાએ સાનથી સમજાવ્યું કે આગળ ઉપર છે, હવે દૂર નથી. છેવટે જંગલ વચ્ચોવચ્ચ કોરાણ આવ્યું, અને તેમાં મધ્યભાગે જેની શોધ કરતા હતા તે ચોમુખ દેહરું આવી રહેલું દીઠું (ચિત્ર ૨.) દેવાલય મોટું હોવા ઉપરાંત ચોબાર અને ચોકોરથી એક સરખું છે (જુઓ તળદર્શન : ચિત્ર ૧). એનું શિખર તો વર્ષો પૂર્વે નષ્ટ થઈ ચૂક્યું છે પણ નીચેનો બધો જ ભાગ સારી સ્થિતિમાં જળવાયેલો છે. મંદિરના દિદાર પણ ફરી એક વાર વનાવરણથી ઘેરાયેલા કંબોડિયાનાં દેવળોનું સ્મરણ કરાવી ગયા (ચિત્ર ૩, ૪). ચૌમુખ જિનાલયનું અધિષ્ઠાન વિજયનગર શૈલી અનુસાર ગજપીઠ, ધારાવૃત્ત કુમુદ, અને કપોતાદિ ઘાટ-અલંકારથી શોભિત છે; પણ ખરી ખૂબી તો એના ભીતરી ભાગમાં છે. ચારે દિશાએ એકસરખા મુખમંડપ અને તેમાં ઈલોરાની ગુફાની યાદ દેવડાવે તેવા સફાઈદાર ઘડાઈના દળદાર-પહેલદાર સ્તંભો (ચિત્ર ૬), ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુ દ્વારપાલો ઉપરાંત ઘાટીલા દેવકોષ્ઠો (ચિત્ર ૭), સાદાં પણ સોહતાં વિશાળ કમલાંકનની છત (ચિત્ર ૫), અને સ્વચ્છ પ્રશાંત વાતાવરણમાં ગર્ભગૃહની માલિકોર ચતુર્દિશામાં એક એક વિશાળકાય પદ્માસનસ્થ જિનપ્રતિમાની ઉપસ્થિતિ (ચિત્ર ૮). ઉપરથી વનટવીના અનેરા એકાંત વચ્ચે “અનેકાંત”નો નિઃશબ્દ ધ્વનિ સંભળાઈ રહેતો લાગ્યો. અલંકારલીલા માટે મશહૂર મંદિરો તો અનેક જોયાં છે, પણ નિરાભરણાવસ્થાની ગરિમાનું અવિખ્યાત છતાંયે ઊર્જસ્વી દષ્ટાંત તો આ એક જોવા મળ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6