Book Title: Gautamswami Gandhara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ગણધર ગૌતમસ્વામી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. ભગવાન મહાવીરે જણાવ્યું, “હે ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કોઇકને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહિ. ગૌતમસ્વામી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા, અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી. ૧૫OO વનવાસી સંન્યાસીઓને ખીર ખવડાવવી - બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા તીર્થકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તળેટીમાં ૧૫OO વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી ન હતી. પરંતુ ગૌતમસ્વામી પાસે ધ્યાન અને તપના કારણે આત્માની અનેક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પ્રગટ થયેલી હતી, તેને લબ્ધિ કહેવામાં આવે છે. તે શક્તિ વડે સૂર્યના કિરણોની સહાય લઈને સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમસ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો, અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમસ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ કેટલાએ દિવસથી ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાં પોતાના માટે વહોરીને લાવેલ ખીરમાં પોતાની લબ્ધિથી હાથનો અંગૂઠો મૂકીને સહુને ભરપેટ ખીર ખવડાવી. બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમસ્વામીને અક્ષીણમહાનસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતાં સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન - સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહિ મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા, તેમાંથી નવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, મારા બધા શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તો મને કેમ નહિ? ભગવાન મહાવીરે કહ્યું કે, “મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. તમે સંસારના તમામ પ્રકારના રાગદ્વેષમાંથી તો મુક્ત થયા છો પણ કેવળજ્ઞાન પામવા માટે તમારે તમારા ગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પણ છોડવો પડશે. એક દિવસ પોતાનો નિર્વાણ કાળ નજીક જાણી ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મલ્યા. ગૌતમસ્વામી આઘાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?’ ગૌતમસ્વામીના આંસુ રોકાતા નથી, તે વિચારે છે કે ભગવાન મહાવીર આ દુનિયામાંથી ચાલ્યા ગયા એટલે હવે મને કેવળજ્ઞાન તો નહિ જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કે કોઈ અમર તો છે જ નહિ. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે ભગવાન મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? ભગવાન મહાવીર પ્રત્યેનો તમામ રાગ સાપ જેમ કાંચળીને ઉતારે તેમ ઉતારી દીધો. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ સમયે તેમની ઉંમર ૮૦ વર્ષની હતી. તેઓશ્રી ઇસવી સન પૂર્વે પ૧૫ માં ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. 39. જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4