Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 235
________________ ભાવપૂજા કે જ૫ જેવાં અનુષ્ઠાનોનું ધ્યાનમાર્ગમાં સહાયભૂત થાય તેવું યથાર્થ માર્ગદર્શન ભાગ્યે જ જોવા મળે છે. અત્યારે અનેક પ્રકારનાં અનુષ્ઠાનો થાય છે ખરાં, પણ તેમાં ધામધૂમ અને બાહ્ય ક્રિયાનું પ્રાધાન્ય જ સવિશેષ જોવા મળે છે અને આત્માર્થ આદિ મૂળ પ્રયોજન ગૌણ થતું જોવા મળે છે. વળી યોગ અને ધ્યાન જેવા ક્ષેત્રમાં પશ્ચિમની હવાના કંઈક પ્રવેશથી કે અન્ય વિપરીત પ્રવાહોના કારણોથી સમાધિદશાની કલ્પનાઓમાં ન્યૂનતા અને ભ્રામકતા પ્રવેશ પામતાં જણાય છે. સમાધિદશામાં વ્યવહાર અને સંસાર નભી શકે છે તેવી માન્યતા પ્રચારમાં આવવાથી કેટલોક ભ્રમ પેદા થયો જણાય છે. ભારતભૂમિના માનવો મહદ્અંશે ભાવનાશીલ છે, ત્યાગનો મહિમા જાણે છે, અને તેવાં સ્થાનોમાં જવા પ્રેરાય છે. સત્ય માર્ગની અને તેવાં સ્થાનોની દુર્લભતા હોવાથી મનુષ્યો આછોપાતળાં સ્થાનોમાં કોઈ વાર ભૂલા પડે છે. છતાં સાચા સાધકને જિજ્ઞાસાને અનુરૂપ સતુસાધનો મળવાની હજી આ ભૂમિ પર શકયતાઓ છે. જ્ઞાનીઓના કથનમાં કે શાસ્ત્રોની પ્રરૂપણામાં દોષ નથી પણ જીવની સમજફેરથી અસત્ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. માટે સાધકે ભળતાં સ્થાનોમાં કુતૂહલવશ કે અન્ય પ્રલોભનથી આકર્ષાઈને માર્ગભેદ થવા ન દેવો. સમાધિદશા કે સમ્યક્દષ્ટિ એ આત્માના શુદ્ધસ્વરૂપનું સંચરણ છે, કૈવલ્યદશાનું, પૂર્ણજ્ઞાનદશાનું અને મુક્તિનું દ્વાર છે. તે ભવ્યાત્માઓ! સદ્ગુરુદેવના અનુગ્રહ વડે આ માર્ગમાં પ્રવેશ પામી દુઃખથી સર્વથા મુક્ત થાઓ આવી જ્ઞાનીઓની મંગળમય વાણી આપણા સૌના જીવનનો મંત્ર બની રહો. લેખક સ્વયં અલ્પજ્ઞ છે, અને પૂર્વાચાર્યો અને અર્વાચીનના વિરલ મહાત્માઓના, બહુશ્રુતજનોના ગ્રંથોના આધારે આ લેખન થયું છે. તેમાં લેખકની કોઈ વિશેષતા નથી. સંભવ છે કે આ લેખનમાં ઘણી ક્ષતિઓ રહી છે તે માટે વિદ્વજ્જનો ક્ષમા કરે અને સુધારે. સર્વત્ર શાંતિ વિસ્તરો. ૨૧૬

Loading...

Page Navigation
1 ... 233 234 235 236