Book Title: Dharmacharanno Adhikar Kyare Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ધર્માચરણનો અધિકાર ક્યારે? - 255 પણ એવી રીતે જમાડનારને સ્વર્ગની ચિઠ્ઠી પણ લખી આપવાની વાત કરી. જમાડનારો સમજે છે કે હું તો ઉપવાસ કરી શકતો નથી, તો પછી જેઓ ઉપવાસ કરનારા છે તેમને સારી પેઠે જમાડીને શા માટે પુણ્યને હાંસલ ન કરું ? આ તો થઈ આગલા દિવસની સાંજના જમણની વાત; પણ વળી પારણામાંય ખાવાની પ્રથા પાડી અને પારણું કરાવનારને પણ પુણ્યનો પાર નહિ એમ કહેવાયું. આ પરિસ્થિતિમાં પેટમાં મળ વધે કે ઘટે? જૂના મળને સાફ કરવા જ્ઞાનીએ ઉપવાસનો ઉપાય બતાવ્યો, ત્યારે અનધિકારી લોકોએ વચ્ચે ઉપવાસ રાખીને આગળ-પાછળ ખાવાની–સ્વાદલું ભારે ખાવાની વિધિ શોધી કાઢી; આને પરિણામે ન પેટ સાફ થાય, અને મનની તો પછી વાત જ ક્યાં રહી? શાસ્ત્રકારો આવા ઉપવાસ વગેરે વ્રતોને વારંવાર કાયક્લેશરૂપ નકામાં કહે છે અને ત્યાં સુધી પણ કહે છે કે આવી નરી વિવેકહીન ક્રિયાઓ કશો જ લાભ આપી શકતી નથી. છતાં આપણે ખાઉધરા અને સ્વાદિયા લોકો તે વાતને લેશ પણ કાને ધરતા નથી અને જેવું ચાલે છે તેવું વિકારવાળું વર્તન ચલાવે જ રાખીએ છીએ. બૌદ્ધોમાં પણ આવી જ સ્થિતિ વર્તે છે. બુદ્ધ ભગવાને સાધુઓને માટે નિયમ કર્યો છે કે તેઓએ બપોરે ત્રીજે પહોરે ભોજન લેવાનું રાખવું અને એક જ વાર ખાવું. આજે તેને બદલે ભિક્ષુઓ બીજું જ વર્તન ચલાવી રહ્યા છે. તેઓ ખાય છે તો એક જ વાર, પણ સાંજે તમાકુના ડૂચા મોંમાં મારે છે–જેમ મૂળો ખાય તેમ તમાકુનાં મોટાં મોટાં પાન જ ચાવી જાય છે! ચાના પણ ઉકાળા પીએ છે, ચૂનો-પાન વગેરે પણ ખૂબ ખૂબ ખાય છે. આ પદ્ધતિ મેં કોલંબોમાં નજરે જોઈ છે. આ પરિસ્થિતિ હોવાથી ધર્મના અધિકાર માટે યોગ્યતા-અયોગ્યતાનો વિચાર જરૂર આવશ્યક છે અને અસ્થાને પણ નથી. - અખંડ આનંદ, જૂન - 1957 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4