Page #1
--------------------------------------------------------------------------
________________
૩૩. ધર્માચરણનો અધિકાર ક્યારે ?
આ મથાળું વાંચીને વાંચનારા જરૂર મૂંઝાશે અને એમ પૂછવા તત્પર થશે કે “વળી ધર્માચરણ માટે અધિકાર જોઈએ ? ધર્મ એ તો ઉત્તમ વસ્તુ છે. એટલે તે તો ગમે તે માણસ આચરી શકે. શું એને માટે વળી કોઈ વયમર્યાદા વા અમુક કોટિનો વિચાર કરવો જરૂરી ખરો ?”
કોઈ ઉત્તમ પ્રકારનું રસાયણ ખાવું હોય તો કોઈ પણ વૈદ્ય રોગીને તે એમ ને એમ નથી આપી દેતો. પ્રથમ તો તે માટે પેટની શુદ્ધિની જરૂર બતાવે છે અને તે ઉપરાંત એ રસાયણની જે પ્રતિક્રિયા થાય તેને સહન કરવાની વા રસાયણને પચાવવાની દરદીમાં શક્તિ છે કે કેમ, એ બધું જોઈ-તપાસી પછી જ વિશેષ પ્રકારના પથ્ય સાથે અને અમુક સમયે જ દરદીને રસાયણ ખાવાની છટ આપે છે. વૈદ્યની જે જે ભલામણો હોય તેમાંની એકને પણ ઉલ્લંઘવામાં આવે તો દરદીને એ રસાયણ ભારે હાનિ કરે છે; એટલું જ નહીં, પણ તેના પ્રાણ સુધ્ધાં હરી લે છે; અર્થાત્ શરીરની પરિસ્થિતિની યોગ્યતા મેળવ્યા વિના અત્યંત પોષક રસાયણ પણ કાતિલ ઝેરનું કામ કરે છે. એ જ સોમલ જીવ લઈ લે છે અને એ જ સોમલ ખૂબ શક્તિ આપે છે. જો આવી સ્થૂળ અને દશ્ય ક્રિયા માટે અધિકારની વિચારણા કરવી જરૂરી લેખાતી હોય, તો જેનો વિશેષ કરીને મન સાથે, માનસિક પરિસ્થિતિઓ સાથે ખાસ સંબંધ છે તેવા ધર્મનું આચરણ કોણ કરી શકે અને એને માટે કેવો માણસ અયોગ્ય મનાયએ બધું અવશ્ય વિચારણીય છે. આર્યશાસ્ત્રના પ્રણેતાઓએ આ બાબત વિચાર પણ બરાબર કર્યો છે જ. મનુસ્મૃતિમાં શ્રી મનુ કહે છે કે-“જે માણસ ધર્મને હણે છે તેનો નાશ ધર્મ જ કરે છે અને જે માણસ ધર્મને બરાબર પાળે છે, તેની રક્ષા પૂરી રીતે ધર્મ જ કરે છે. ધર્મ આપણો નાશ ન કરી નાખે એમ બરાબર સમજીને ધર્મને કોઈએ હણવો નહીં.”
આવાં જ વચન જૈન શાસ્ત્રમાં પણ છે, એ શાસ્ત્રકારો પોતાના
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્માચરણનો અધિકાર ક્યારે? - ૨૫૩ અનુભવની વાત સમજાવતાં કહે છે કે, “જેમ એક હથિયારને કોઈ ઊંધું પકડે તો તે હથિયાર તેને પકડનારનો જ વિનાશ કરે છે, તેમ ધર્મને ખરાબ રીતે પકડવામાં આવે, તો તે ધર્મ તેના આચરનારનો જ વિનાશ કરે છે.” મનુએ જે કહેલ છે કે ધર્મને હણવો નહીં, એનો અર્થ ધર્મને ખોટી રીતે સમજવો નહીં. ધર્મ જે રૂપમાં હોય તે જ રૂપે તેને સમજી લેવો અને પછી જેટલે અંશે બરાબર આચરી શકાય તેટલે અંશે ધીમે ધીમે આચરણમાં લાવવાનો અભ્યાસ પાડવો. તો જ ધર્મ જીવનની શુદ્ધિ કરે છે. અને એમ નહીં કરતાં ધર્મને વિપરીત રૂપે સમજી તેનું વિપરીત રીતે આચરણ કરવામાં આવે, તો એ ધર્મ વ્યક્તિનું વા સમાજનું નિકંદન કાઢી નાખે છે અને જેમ દાદરા ઉપર ચડનારો એક પગથિયું ચૂકે તો તેને ઠેઠ નીચે જ પટકાવું પડે છે, તેમ ધર્મને વિપરીત રીતે સમજીને તેનું વિશેષ કે થોડું પણ આચરણ કરવામાં આવે, તો તે ધર્મ આત્મશત્રુનું કામ કરે છે. આ વાત બે ચાર દાખલાથી સમજી શકાશે.
વૈદિક પરંપરામાં એકાદશીનું વ્રત કરવાનો રિવાજ છે. નિર્જલા એકાદશી કરવી એ ઉત્તમોત્તમ છે. તેમ કરવાથી ખાવાપીવાની ખટપટ રહેતી નથી. એથી બધો વખત આત્માના નિરીક્ષણમાં અને ઈશ્વરના ચિંતનમાં વિતાવી શકાય છે અને એ રીતે કરતાં મનમાં સારા સારા સંકલ્પો વા
ભાવનાઓ સ્થાન પામે છે અને તેની અસર સારી રીતે ટકી શકે છે. આમ નિર્જલા એકાદશી કરવાની અશક્તિ હોય તો તુલસીપત્ર ઉપર જેટલું અન્ન માય તેટલું જ ખાઈને વ્રત કરવું એવી પદ્ધતિ હોવાનું સંભળાય છે. એકાદશીનું વ્રત એ એક પ્રકારની ધાર્મિક ક્રિયા છે. એને બરાબર આચરનાર ધર્મ કરે છે એમ જરૂર કહી શકાય, અને એવો બરાબર આચરનારો ચિત્તની શાંતિના લાભને પણ જરૂર મેળવી શકે છે. આજકાલ આ પરિસ્થિતિ તદન ઊલટી થઈ ગઈ છે અને એટલી બધી ઊલટી થઈ ગઈ છે કે જેઓ વિચારકો અને વિવેકી લોકો છે, તેઓ ત્યાં સુધી કહેવા લાગ્યા છે, કે આ કરતાં દ્વાદશી જ સારી છે. દ્વાદશીને દિવસે માત્ર ત્રણ કે ચાર આનાથી આખો દિવસ ચલાવી શકાય છે અને એકાદશીને દિવસે તો રૂપિયા બે રૂપિયા વા તેથીય વધારે ખર્ચ થઈ જાય છે અને આખો વખત ખાતોખા જ ચાલે છે. કહેવાય ફલાહાર; પણ પેંડા, શીખંડ બધું જ ખાઈ શકાય; એટલું જ નહિ, શિંગોડાનો શીરો, સામાનો શીરો વગેરે વિવિધ વાનગીઓ બનાવવામાં જ બધો સમય વીતી જાય છે અને આત્માનું નિરીક્ષણ વા ઈશ્વરનું સ્મરણ ભાગ્યે
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૫૪ સંગીતિ
જ થાય છે. આ રીતની એકાદશી આત્માના બંધનરૂપ છે અને આવી ને આવી જ એકાદશીઓ લાખ વરસ કરવામાં આવે અને એમાં જરાય લક્ષ્યાનુકૂલ ફેરફાર ન કરવામાં આવે તો એ તદ્દન નકામી તો છે જ; પણ માણસના જીવનને વધારે બગાડી મૂકનારી નીવડે છે.
માણસની વૃત્તિ ખાવા તરફ છે અને તેમાંય ખાસ કરીને સ્વાદ તરફ વધારે છે. તેને સંયમમાં લાવવાના અને જીભ ઉપર જય મેળવવાના અભ્યાસ ખાતર તો જ્ઞાની અને અનુભવી વિવેકી પુરુષોએ એકાદશી જેવાં વ્રતની યોજના કરી છે. માણસ કંઈ એકદમ સંયમી કે જિતેંદ્રિય બની શકતો નથી; એ તો હળવે હળવે અભ્યાસ કરતો કરતો સંયમ કેળવી શકે છે. એ માટે જ મહિનામાં બે વાર વા એક વાર પોતાની શક્તિ મુજબ નિર્જલા એકાદશી કરવાની આપણને સૂચના મળી વા તુલસીપત્ર ઉપર માત્ર એટલો જ ફલાહાર કરવાની છૂટ મળી. તે છૂટને આપણે સ્વાદિયા લોકોએ એટલી બધી વિકૃત કરી નાખી છે કે તેમાં એકાદશીની ગંધ પણ રહી નથી; છતાં માણસ એકાદશી કર્યાનું અભિમાન માણે છે. આનું નામ ધર્મને હણવો કહેવાય વા ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કર્યો કહેવાય. જૈન લોકોમાં પણ એકાદશીની જ પેઠે ઉપવાસ વગેરે વ્રતો કરવાનું ફરમાન છે. આ ફરમાનને જે લોકો યોગ્ય રીતે નથી સમજ્યા તે લોકોએ ઉપવાસ કરવાનું તો ચાલું રાખ્યું; પણ ઉપવાસ કરવાની આગલી સાંજે પેટ ઠાંસીને ભરવાની રીત શોધી કાઢી; એટલું જ નહિ, પણ જે લોકોને ઉપવાસ કરવાનો હોય તેમને આગલી સાંજે ભારે સ્વાદીલું જમણ આપવાની પ્રથા પણ શરૂ કરી અને તેમાં પુણ્ય મળે છે એવી પણ વાત ચલાવી.
ખરી રીતે એકાદશીનું વ્રત વા ઉપવાસનું વ્રત એક બાહ્ય પ્રવૃત્તિ છે; તેનો સંબંધ શરીર-પૂરતો છે, મન સાથે તેનો સીધો સંબંધ નથી. એટલે એ કેવળ બાહ્ય તપ જ ગણાય. એકલું બાહ્ય તપ કરવાથી કોઈની મનઃશુદ્ધિ વા આત્મશુદ્ધિ થતી નથી, થઈ નથી અને થવાની પણ નથી એમ શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે. બાહ્ય તપ સાથે જ અંતરનું નિરીક્ષણ ચાલે અને ઈશ્વરનું ચિંતન થતું હોય તો સંભવ છે કે એ બાહ્ય તપ પણ મનની ઉપર થોડી ઘણી અસર કરે અને એ અસર દ્વારા મનુષ્ય ધીરે ધીરે શુદ્ધિ અને શાંતિ મેળવી શકે. પેટમાં મળ તો થોડો થોડો રહેતો જ હોય, તેને નિર્મળ કરવા ઉપવાસની ક્રિયાની યોજના કરવામાં આવી; તો સ્વાદિયા એવા આપણે લોકોએ આગલી સાંજે ઠાંસીને ખાવાની શોધ કરી દીધી; એટલું જ નહિ,
Page #4
--------------------------------------------------------------------------
________________ ધર્માચરણનો અધિકાર ક્યારે? - 255 પણ એવી રીતે જમાડનારને સ્વર્ગની ચિઠ્ઠી પણ લખી આપવાની વાત કરી. જમાડનારો સમજે છે કે હું તો ઉપવાસ કરી શકતો નથી, તો પછી જેઓ ઉપવાસ કરનારા છે તેમને સારી પેઠે જમાડીને શા માટે પુણ્યને હાંસલ ન કરું ? આ તો થઈ આગલા દિવસની સાંજના જમણની વાત; પણ વળી પારણામાંય ખાવાની પ્રથા પાડી અને પારણું કરાવનારને પણ પુણ્યનો પાર નહિ એમ કહેવાયું. આ પરિસ્થિતિમાં પેટમાં મળ વધે કે ઘટે? જૂના મળને સાફ કરવા જ્ઞાનીએ ઉપવાસનો ઉપાય બતાવ્યો, ત્યારે અનધિકારી લોકોએ વચ્ચે ઉપવાસ રાખીને આગળ-પાછળ ખાવાની–સ્વાદલું ભારે ખાવાની વિધિ શોધી કાઢી; આને પરિણામે ન પેટ સાફ થાય, અને મનની તો પછી વાત જ ક્યાં રહી? શાસ્ત્રકારો આવા ઉપવાસ વગેરે વ્રતોને વારંવાર કાયક્લેશરૂપ નકામાં કહે છે અને ત્યાં સુધી પણ કહે છે કે આવી નરી વિવેકહીન ક્રિયાઓ કશો જ લાભ આપી શકતી નથી. છતાં આપણે ખાઉધરા અને સ્વાદિયા લોકો તે વાતને લેશ પણ કાને ધરતા નથી અને જેવું ચાલે છે તેવું વિકારવાળું વર્તન ચલાવે જ રાખીએ છીએ. બૌદ્ધોમાં પણ આવી જ સ્થિતિ વર્તે છે. બુદ્ધ ભગવાને સાધુઓને માટે નિયમ કર્યો છે કે તેઓએ બપોરે ત્રીજે પહોરે ભોજન લેવાનું રાખવું અને એક જ વાર ખાવું. આજે તેને બદલે ભિક્ષુઓ બીજું જ વર્તન ચલાવી રહ્યા છે. તેઓ ખાય છે તો એક જ વાર, પણ સાંજે તમાકુના ડૂચા મોંમાં મારે છે–જેમ મૂળો ખાય તેમ તમાકુનાં મોટાં મોટાં પાન જ ચાવી જાય છે! ચાના પણ ઉકાળા પીએ છે, ચૂનો-પાન વગેરે પણ ખૂબ ખૂબ ખાય છે. આ પદ્ધતિ મેં કોલંબોમાં નજરે જોઈ છે. આ પરિસ્થિતિ હોવાથી ધર્મના અધિકાર માટે યોગ્યતા-અયોગ્યતાનો વિચાર જરૂર આવશ્યક છે અને અસ્થાને પણ નથી. - અખંડ આનંદ, જૂન - 1957