________________
અષ્ટમ પલ્લવ
૨૦૭
પામી નહોતી. પતિ ઉપર અત્યંત રાગી તમારી સ્ત્રીએ તેની હાંસી કરી, મર્મવચન કહ્યાં, તેથી આર્તરૌદ્રધ્યાનવડે મરણ પામીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી આયુ પૂર્ણ થયે નીકળીને સંસારમાં પરિભ્રમણ કરતાં બ્રાહ્મણી થઈ. તે ભવમાં બાળવિધવા થવાથી તે તાપસી થઈ અને ચિરકાળ તપ કરી મરણ પામીને કામાક્ષી રાણી થઈ. પૂર્વભવના તમારી ઉપરના રાગથી આ ભવમાં પણ તમારી ઉપર અનુરાગ જાગ્યો. તેણે ભોગ માટે ઘણી પ્રાર્થના કરવા છતાં આ ભવમાં જ મુક્તિગામી એવા તમે શીલને ખંડિત કર્યું નહીં.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને ચંદ્રોદય રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વિશેષ વૈરાગ્યવાનું થઈ ગુરુમહારાજને નમીને તે પોતાને સ્થાને આવ્યા. એકદિવસ શુભભાવના ભાવતા રાજાએ ચિંતવ્યું કે-હું દેવવિમાન જેવું ઉત્તુંગ જિનચૈત્ય બંધાવું. જે મનુષ્ય અપરિમિતદ્રવ્યવડે જિનમંદિર બંધાવે તે ભવસમુદ્રમાંથી પોતાના આત્માને ઉદ્ધારે છે. ત્યારબાદ ચંદ્રોદય રાજાએ વાસ્તુવિદ્યામાં ઘણા કુશળ અને ગુણવડે વિશ્વકર્મા જેવા પ્રખ્યાત શિલ્પીઓને બોલાવ્યા. શુભમુહૂર્ત શુદ્ધભૂપીઠ ઉપર સારા ગ્રહોની દૃષ્ટિએ સ્થિર લગ્ન રાજાએ ખાતમુહૂર્ત કરીને તેની ઉપર ઉન્નત પીઠ બંધાવી. ત્યારબાદ તેની ઉપર અર્ધ કોસ પહોળું, એક કોસ લાંબુ, એક કોસ ઊંચું અને ચાર ધારવાળું સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું. તેની ફરતી મૂળ જિનભુવન જેવી શ્રેણિબદ્ધ ૭૨ દેવકુલિકા કરી. તે જિનપ્રસાદ પૃથ્વી પર સૈલોક્યવિજય નામથી પ્રસિદ્ધ થયો. તે જિનપ્રાસાદમાં સુવર્ણ, રૂપ્ય અને રત્નમય નૂતન જિનપ્રતિમાઓ ભરાવી. શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી અને મૂળનાયક તરીકે શ્રી આદિનાથપ્રભુના બિંબને ચંદ્રોદય રાજાએ સ્થાપિત કર્યા. તે જિનમંદિરમાં ભૂત ભાવી અને વર્તમાન–ત્રણે કાળના તીર્થકરોની તેમજ મહાવિદેહમાં વિચરતા વિહરમાન જિનોની પ્રતિમા સ્થાપિત કરી. શાશ્વતા ચાર જિનબિંબો પણ સ્થાપન કર્યા અને યક્ષયક્ષિણીઓની પ્રતિમાઓ પણ સ્થાપી. ઉત્તમ પ્રકારનું સાધર્મિકવાત્સલ્ય કરીને સર્વ સંઘને વસ્ત્રાદિકની પહેરામણી કરી મહાન ઉત્સવ કર્યો. આ પ્રમાણે કરવા દ્વારા ચંદ્રોદય રાજાએ પોતાના મનુષ્યજન્મને સફળ કર્યું અને પોતાનું ઉજવળ નામ ચંદ્રમંડળમાં નિશ્ચલ રહે તેમ કર્યું. ઇત્યાદિ અનેક પ્રકારના ધર્મકાર્યો કરીને રાજાએ જૈનશાસનને દીપાવ્યું. સર્વ જીવોપર કરુણાભાવ રાખી અભયદાન આપ્યું.
એકદિવસ સ્વનિર્મિત જિનમંદિરની સમીપની પૌષધશાળામાં સ્થિર મનવાળા રાજા પૌષધ ગ્રહણ કરીને બેઠા. તે વખતે ભવનો નાશ કરનારી શુભ ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા. “પ્રાણીઓને પ્રાપ્ત થયેલ આ ધન, યૌવન, રાજ્ય વગેરે અસ્થિર છે. જન્મ જરા અને મૃત્યરૂપી મહાદુઃખવડે પીડિત થયેલા જીવોને આ ચાર ગતિરૂપ સંસારમાં કોઈ પણ શરણભૂત નથી. આ ભવરૂપ વિષમ નાટકમાં અનેક યોનિને ગ્રહણ કરતો અને અનેક યોનિને ત્યજતો આ જીવ વિચિત્ર રૂપ ધારણ કરી નાટકીઆની જેમ નાટક કર્યા કરે છે. હું એકલો છું, મારું કોઈ નથી, પ્રાણી એકલો ઉત્પન્ન થાય છે, એકલો મરણ પામે છે, એક મારો આત્મા કે જે જ્ઞાન-દર્શન સંયુક્ત છે તે જ શાશ્વત છે, બાકીના બધા બાહ્ય ભાવો છે અને તે સર્વે સંયોગલક્ષણવાળા છે.” આ પ્રમાણે બારે ભાવનાને ભાવતાં તેમને જગતના ભાવોને પ્રકાશિત કરનારું અવધિજ્ઞાન * ઉત્પન્ન થયું. તેથી રાજા સંસારની અસારતા વિશેષ પ્રકારે સમજવા લાગ્યા. બીજે દિવસે પ્રભાતે