Book Title: Ashtapad Maha Tirth 01 Page 249 to 335
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 81
________________ Shri Ashtapad Maha Tirth કરવાથી જ અમારું પુત્રપણે સફળ થાઓ એમ ઇચ્છીએ છીએ, તેમ જ આપના પ્રસાદથી ઘરના આંગણાની જેમ સર્વ ભૂમિમાં હાથીની પેઠે સ્વચ્છેદે વિહાર કરવાને ઇચ્છીએ છીએ.” આવી પોતાના પુત્રોની માંગણી તેણે સ્વીકારી, કારણ કે મહાન પુરુષોની પાસે બીજાની પણ યાચના વ્યર્થ થતી નથી તો પોતાના પુત્રોની યાચના કેમ વ્યર્થ થાય? પછી પિતાને પ્રણામ કરી પોતાના નિવાસમાં આવી તેઓએ પ્રયાણના મંગળસૂચક દુંદુભિ વગડાવ્યા. તે વખતે પ્રયાણ સમયે જ ધીરપુરુષોને પણ ક્ષોભ પમાડે તેવો અશુભ ઉત્પાત તથા અશુભ શુકન તેમને થવા લાગ્યા. મોટા સર્પના કુળથી આકુળ એવા રસાતલના દ્વારની જેમ સૂર્યનું મંડળ સેંકડો કેતુના તારાથી આકુળ થયું, ચંદ્રના મંડળમાં વચ્ચે છિદ્ર જણાવા લાગ્યું. તેથી ચંદ્ર નવા કોતરેલા દંતના આકોટા જેવો દેખાવા લાગ્યો, વાયુથી જેમ લતા કંપે તેમ પૃથ્વી કંપવા લાગી. શિલાઓના કકડા જેવા કરાની વૃષ્ટિઓ થવા લાગી, સુકાઈ ગયેલા વાદળાના ચૂર્ણની જેવી રજોવૃષ્ટિ થવા લાગી, રોષ પામેલા શત્રુની જેવો મહાભયંકર વાયુ વાવા લાગ્યો, અશિવકારી શિયાલણી જમણી તરફ રહી બોલવા લાગી, જાણે તેઓની હરિફાઈ કરતા હોય તેમ ઘુવડ પક્ષી આક્રોશ કરવા લાગ્યા, જાણે ઊંચે પ્રકારે કાળચક્રથી ક્રીડા કરતા હોય તેમ આકાશમાં મંડળાકારે થઈ ચામાચીડીઆ ઊડવા લાગ્યાં, ઉનાળામાં જેમ નદીઓ નિર્જલ થઈ જાય તેમ સુગંધી મદવાળા હાથીઓ મદ રહિત થઈ ગયા અને રાફડામાંથી ભયંકર સર્પો નીકળે તેમ ખોંખારા કરતા ઘોડાના મુખમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આવા ઉત્પાત શુકનને તેઓએ ગણ્યા નહીં, કારણ કે તેવા ઉત્પાદાદિને જાણનાર પુરુષોને ભવિતવ્યતા જ પ્રમાણ હોય છે. તેઓએ સ્નાન કરીને પ્રયાણોચિત કૌતુકમંગળાદિ કર્યું અને પછી ચક્રવર્તીના સર્વ સૈન્ય સાથે તેઓ ત્યાંથી ચાલ્યા. મહારાજા સગરે સ્ત્રી-રત્ન સિવાય સર્વ રત્નો પુત્રોની સાથે મોકલ્યાં, કારણ પોતાનો આત્મા છે તે જ પુત્ર છે. સર્વ પુત્રો ત્યાંથી ચાલ્યા, તેમાં કેટલાક ઉત્તમ હાથી ઉપર બેઠા હતા, તેઓ દિપાળની જેવા જણાતા હતા. કેટલાક રેવંત અશ્વ કરતાં પણ વધારે સુંદર ઘોડાઓ ઉપર બેઠા હતા અને સૂર્યાદિક ગ્રહોની જેમ કેટલાક રથમાં બેઠા હતા. સર્વેએ મુગટ પહેર્યા હતા. તેથી તેઓ જાણે ઈંદ્રો હોય તેવા જણાતા હતા. તેમની છાતીઓ ઉપર હાર લટકતા હતા. તેથી જાણે નદીના પ્રવાહવાળા પર્વતો હોય તેવા જણાતા હતા, જાણે પૃથ્વી ઉપર આયુધધારી દેવતાઓ આવ્યા હોય તેમ તેઓના હાથમાં વિવિધ જાતનાં હથિયારો હતાં, વૃક્ષના ચિનવાળા જાણે વ્યંતરો હોય તેમ તેઓના મસ્તક ઉપર છત્રો હતાં, વેલંધર દેવતાઓથી સમુદ્રની જેમ આત્મરક્ષક પુરુષોથી તેઓ વીંટાઈ રહેલા હતા, ઊંચા હાથ કરીને ચારણભાટ તેમની સ્તુતિ કરતા હતા, ઘોડાની તીક્ષ્ણ ખરીઓથી પૃથ્વીને ખોદી નાખતા હતા, વાજિંત્રોના અવાજથી સર્વ દિશાઓને બહેરી કરી મૂકતા હતા, ઘણી ઊડેલી પૃથ્વીની રજથી સર્વ દિશાઓને આંધળી કરી મૂકતા હતા, વિચિત્ર ઉદ્યાનોમાં જાણે ઉદ્યાનદેવતા હોય, પર્વતોના શિખરોની ઉપર જાણે મનોહર પર્વતના અધિષ્ઠાયક દેવતા હોય અને નદીઓના કિનારા ઉપર જાણે નદીપુત્રો હોય તેમ સ્વેચ્છાએ ક્રીડા કરતા તેઓ આ ભરતભૂમિમાં સર્વ ઠેકાણે ભમવા લાગ્યા. ગામડાં, ખાણ, નગર, દ્રોણમુખ અને ખેડૂલોકોના નેહડામાં પણ તેઓ વિદ્યાધરની પેઠે જિનપૂજા કરતા હતા. ઘણા ભોગ ભોગવતા, ઘણું ધન આપતા, મિત્રજનને ખુશી કરતા, શત્રુઓનો નાશ કરતા, રસ્તામાં નિશાન પાડવામાં પોતાનું કુશળપણું બતાવવા, ભમતા અને પડતા શસ્ત્રો પકડી લેવામાં નિપુણતા દેખાડતા અને શસ્ત્રાશસ્ત્રીની વિચિત્ર પ્રકારની કથાઓ તથા મશ્કરીની કથાઓ વાહન ઉપર બેસી પોતાના સરખી વયના રાજાઓની સાથે કરતા તેઓ, અનુક્રમે જેના જોવા માત્રથી સુધા ને તૃષા મટી જાય તેવી ઔષધિવાળા અને પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. - 289 - - Sagar Chakravarti's sons

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87