________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
હતું કે આ ભંડારનું આજના અર્થની પરિભાષામાં મૂલ્ય ન થાય; એ અમૂલ્ય છે. પરિગ્રહ છોડીને દાન કરવું એ વિરલ છે. યતિશ્રીમાં પરિગ્રહ છોડવાની જો આધ્યાત્મિક દષ્ટિ ન હોત તો આજનો આ પ્રસંગ ઊભો જ ન થાત. અર્વાચીન પરિસ્થિતિને લક્ષમાં રાખતાં આ જ્ઞાનધન સાર્વજનિક થાય એ હકીકત અતિ મહત્વની છે; આ ભંડાર અમને મળ્યો કે બીજાને મળત તે મહત્ત્વનું નથી. અખંડ જ્ઞાનાર્જનપ્રવૃત્તિ વિના દેશની ઉન્નતિ થઈ શકે નહિ. આજનો આ જ્ઞાન ભંડાર પ્રદાનવિધિનો પ્રસંગ એ એક મહત્ત્વની રાષ્ટ્રીય ઘટના છે. વ્યક્તિગત સંગ્રહો જાહેર જનતાના ઉપયોગમાં ન આવે; એનું સંરક્ષણ કે સંવર્ધન પણ ન થાય એ સૂચવી ડૉ. સાંડેસરાએ પ્રેમાનંદની બાબતમાં પ્રચલિત બનેલ દંતકથાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પ્રેમાનંદનાં પુસ્તકોની પ્રતોના વારસા માટે તેમના વંશજોએ ટુકડા કરી વહેંચી લીધા હતા. જ્યારે વિદ્યામઠો અને ઉપાશ્રયોમાં આ પ્રકારનું સાહિત્યધન સચવાઈ રહ્યું તેનો યશ એ જૈન પરંપરાને છે. એ પરંપરામાં નવી પરંપરા ઊભી કરનારાઓમાં અગ્રણીઓ યતિશ્રી હેમચન્દ્રજી અને મુનિશ્રી પુણ્યવિજયજી છે. એમના અગ્રગામિત્વ માટે તેમને માત્ર ધન્યવાદ શી રીતે અપાય? તેમને તો વિંદના જ ઘટે.
અંતમાં યતિશ્રી સાથેની મુલાકાતના પ્રસંગનો ઉલ્લેખ કરતાં ડૉ. સાંડેસરાએ કહ્યું હતું કે આ હસ્તપ્રતો લેવા માટે મારા બીજા સહયોગીઓ સાથે હું યતિશ્રીના ઉપાશ્રયે ગયો ત્યારે મને માનસિક વ્યથા થઈ. “જે ઉપાશ્રયમાં અનેક વિદ્વાનો અભ્યાસ કરતા હશે,
જ્યાં જ્ઞાનોપાર્જનની અવિરત પ્રવૃત્તિ થતી હશે, વિદ્વત્તાની પરંપરા ચાલુ રહી હશે એ સ્થળેથી આ સમૃદ્ધિ બીજે જઈ રહી છે એ પ્રસંગ મારા હૃદયને ઉત્કટ રીતે સ્પર્શી ગયો. હું ગદ્ગદ્ થઈ ગયો, પણ યતિથીના મુખ ઉપર સ્વસ્થતા અને શાંતિ હતાં, જે એમના યતિપણાને મૂર્તિમંત કરતાં હતાં.” પરંતુ આ કાર્ય એક વિશેષ ઉમદા કાર્ય હતું અને તેની ખાત્રી આપતાં તેમણે જણાવ્યું કે “આ સંગ્રહનું અમે સંગોપન અને સાચવણી કરીશું. દેશવિદેશ અભ્યાસીઓને
એનો ઉપયોગ કરવાની સરળતા અને સગવડ કરી આપીશું તથા અમારાં આર્થિક સાધનોની મર્યાદામાં રહીને એમાંની મહત્ત્વની કૃતિઓનું સંપાદન અને પ્રકાશન કરીશું. અને એ રીતે આજના આ ભંડાર પ્રદાન-ગ્રહણ વિધિને ઉજજવળ બનાવીશું.”
ત્યાર પછી પ્રા. ગોવિંદલાલ ભટ્ટ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કરી એ પ્રસંગની મહત્તાનું ખ્યાન આપ્યું હતું. આ બધાં પ્રવચનોનો જવાબ આપતાં યતિશ્રીએ કહ્યું કેઃ “આ સંગ્રહ એના મૂળસ્થાન વડોદરામાં રહે એમાં જ ઔચિત્ય હતું. પ્રાચ્યવિદ્યા મંદિર એને માટે અધિકારી સંસ્થા છે એની મારા અંતરે સાક્ષી પૂરી; પરિણામે આજનો આ પ્રસંગે ઉપસ્થિત થયો. આ ઉત્સવ મારો નથી, આ જ્ઞાનભંડારનો છે. જ્ઞાનનો છે. મારા માનસિક સમાધાન માટે. નિમિત્તરૂપ બની, મેં આ જ્ઞાન ભંડાર અધિકારી સંસ્થાને આપ્યો છે; એનો યથાર્થ ઉપયોય થતો રહે એટલે આ પ્રસંગની કૃતાર્થતા સિદ્ધ થઈકહેવાય.”
વિશેષમાં યતિથીએ ભારતીય જ્ઞાનપરંપરા અને તેમાં જૈન સાધુઓ અને યતિઓએ આપેલા ફાળાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, “ અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓની જેમ, દક્ષિણ ભારતની પ્રાચીન દ્રવિડકાળની ભાષાઓમાંથી વિકસેલી તામીલ, તેલુગુ, મલયાલમ, કર્ણાટકી જેવી અર્વાચીન ભાષાઓને એના ઉદ્દગમકાળમાં વિકસાવવામાં અને તેમાં સાહિત્યસર્જનની પ્રવૃત્તિ કરી તેમને સમૃદ્ધ કરવામાં પણ જૈનાચાર્યોનો નોંધપાત્ર ફાળો છે. પૂર્વાચાર્યના પરિશ્રમથી સુલભ બનેલાં જ્ઞાનનાં સાધનો આજે પણ વિપુલ પ્રમાણમાં છે; એવાં સાધનો તો ઘણાંય છે, પણ સાધના ક્યાં છે?” એવો પ્રશ્ન મૂકી પૂજ્ય યતિશ્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
છેવટે સમારંભના પ્રમુખ ડૉ. જ્યોતીન્દ્ર મહેતાએ આવો અમૂલ્ય સંગ્રહ ભેટ આપી એક નવીન પ્રાણાલિકા પાડવા બદલ ધન્યવાદ આપતાં એવી આશા અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે યુનિવર્સિટીને અપાયેલા આ જ્ઞાનભંડારનો સંશોધકો સારો ઉપયોગ કરી એમાં રહેલા અમૂલ્ય જ્ઞાનરાશિને પ્રકાશમાં લાવશે.” પછી ડૉ. મહેતાએ જ્ઞાનભંડાર અને પ્રદર્શનને ખુલ્લાં મુકાયેલાં જાહેર કર્યા હતાં.