________________
જૈન યુગ
૧૩
ફેબ્રુઆરી ૧૯૫૯
નથી? હું ના સંત
વ્યક્તિત્વને પ્રગટ કરવા કરતાં અપ્રગટ રાખવામાં વધુ પ્રાપ્ત થાય એ આશયથી એ પૂ. મહાત્માએ પોતાના વ્યક્તિત્વ માટે અક્ષર સરખો પણ ન ઉચ્ચારેલ હોય તે બનવા યોગ્ય હતું.
ગોચરી વગેરે સાધુ યોગ્ય પ્રવૃત્તિ બાદ બપોર પછી જ્યારે વાચનાનો સમય થયો અને અન્ય શિષ્યાદિ સમુદાયે સાગરાચાર્ય પાસે વાચનાનો પ્રારંભ કર્યો ત્યારે પોતાના સાધુ મારફત સાગરાચાર્યે કાલકાચાર્ય ભગવંતને જણાવ્યું કે તમારે પણ આ સાધુઓની સાથે વાચનામાં બેસવું હોય તો સુખેથી આવો અને બેસો. એમ જણાવવામાં બાહ્ય દષ્ટિએ એ વૃદ્ધ સાધુને કોઈ જાતનો સંકોચ ન રહે એ આશય હોય. પણ અંતરંગ દષ્ટિએ “પોતાની વિદ્વત્તા સાથે આગમાદિ શાસ્ત્રોના અર્થોનું મને કેવું વિશિષ્ટ જ્ઞાન છે” એ બાબતથી આગન્તુક વૃદ્ધ સાધુને પરિચિત કરવાની અહંવૃત્તિ હતી.
કોઈપણ આત્માને વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થવો જેટલો દુષ્કર છે તેથી પણ તેને પચાવવો એ વધુ દુષ્કર છે. ગમે તેટલો વિશિષ્ટ બોધ હોય છતાં તેની પાછળ જે અંતઃકરણમાં અહંપણનું સ્થાન હોય તો એ સમ્યજ્ઞાની નથી, પણ જ્ઞાનજડ છે. ગમે તેટલી સુંદર ક્રિયા કરનાર સાધુ હોય, પણ ક્રિયાના રહસ્યનો જરા ય ખ્યાલ ન હોવા સાથે ક્રિયા તો અમારી જ ઊંચામાં ઊંચી, બીજા બધા ય તો ઠીક આ વૃત્તિ જે વર્તતી હોય તો એ સાધુ ક્રિયાજડ છે. ગમે તેટલી ઉગ્ર તપશ્ચર્યા થતી હોય પણ એની પાછળ ક્ષમાધર્મનો પ્રકાશ અમુક અંશે પણ ન પ્રગટ થાય અને આહારની લોલુપતા ટાળવાનું કિંવા ઈચ્છાનિરોધનું લક્ષ્ય ન રહે તો એ તપોજડ છે. જ્ઞાન, ક્રિયા કે તપ એ તો આત્માના શુદ્ધ ચૈતન્યને પ્રગટાવવાના પ્રબલ સાધનો છે. અને એ અપેક્ષાએ જ એ જ્ઞાન, ક્રિયા કે તપને ધર્મ તરીકે ગણવામાં આવેલ છે.
આચાર્યભગવંત કાલસૂરિને તો પોતાના પ્રશિષ્યની જે ખ્યાતિ સાંભળેલ તેની ખાત્રી કરવાની ઈચ્છા હતી જ, તેમાં આ તક મળી એટલે પોતાના દરજ્જાનો કાંઈ પણ વિચાર કર્યા સિવાય વાચના લેનાર સાધુઓની પંક્તિમાં પોતે પણ યોગ્ય સ્થળે બેસી ગયા, વાચના તો યદ્યપિ રોજે ચાલતી હતી. પરંતુ આજની વાચનામાં સાગરાચાર્યજી ખૂબ ખીલ્યા હતા. પંક્તિએ પંક્તિનું રહસ્ય વધુ ઊંડાણથી સમજાવતા હતા અને વચ્ચે વચ્ચે આગન્તુક વૃદ્ધ સાધુ સામે જોવા ઉપરાંત તેમને ઉદ્દેશીને
સાગરાચાર્ય સ્વયં કહેતા કે “કેમ? હું કહું છું તે બરાબર છે ને? ન સમજાય તો સુખેથી જણાવશો, પુનઃ સમજાવીશ. પ્રશ્ન કરવાની ઈચ્છા થાય તો તે માટે પણ સંકોચ ન કરશો.” આપણા આચાર્ય ભગવંત હૈયામાં બધું સમજવા છતાં મુખાકૃતિનું ગાંભીર્ય બરાબર ટકાવી રાખતા હતા. આમને આમ થોડા દિવસો પસાર થયા ત્યાં તો પોતાના ગુરુદેવ કાલકાચાર્ય ભગવંતની પાસે પહોંચવા નીકળેલો શ્રમણ સમુદાય પ્રામાનુગ્રામ વિહાર કરતો કરતો એ સ્થળે આવી પહોંચ્યો.
આવનાર શ્રમણ સંધે સાગરાચાર્યને તથા તેમના શિષ્યોને વંદનાદિ ઉચિત વિધિ સાચવ્યો, સાગરાચાર્ય અને તેમના સમુદાય તરફથી પણ તેમનું યોગ્ય બહુમાન કરવામાં આવ્યું. તેમજ “તમો કયા સંઘાડાના છો? તમારા ધર્માચાર્ય-ધર્મગુરુનું શું નામાભિધાન છે? તમને બધાય સુખશાંતિથી યમયાત્રામાં વિચરો છો ને?” વગેરે પરિપૃચ્છા પણ કરવામાં આવી.
શ્રમણ ધર્મનો એ આચાર છે કે પોતે જે ઉપાશ્રયાદિ સ્થળે રહેલા હોય ત્યાં સ્વસમુદાયના કે પરસમુદાયના સ્વગચ્છીય કે અન્ય છીય સંવિગ્ન સાધુ ભગવંતો પધારે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે તેમનો યોગ્ય સત્કાર કરે, સમાન મંડલીવાળા સાધુઓ હોય તો ગોચરી, પાણી વગેરે માટે પણ આવનાર સાધુઓને વિનંતી કરે અને ભિન્ન મંડેલીવાળા સાધુઓ હોય તો પણ ગોચરી વગેરે પ્રસંગે તેમની સાથે જાય અને શ્રાવકોનાં ઘર બતલાવે.
સાગરાચાર્ય અને તેમના સાધુઓ તરફથી સાધુઓનો યોગ્ય સત્કાર થતાં તેમણે પૂછેલા પ્રશ્નોનો તુરત જવાબ આપ્યો કે આપના જે દાદાગુરુજી કાલકાચાર્ય ભગવંત છે તે જ અમારા તારક પરમોપકારી ગુરુદેવ છે. દુઃખની ગતિમાંથી અમારો ઉદ્ધાર કરી અનુપમ સુખશાંતિના માર્ગે લઈ જનાર એ પરમોપકારી અમારા ગુરુ ભગવંત છે, એટલું જ નહીં પણ તેઓશ્રી તો અમારા પહેલાં અહીં આપની પાસે પહુંચી ગયાનું જાણ્યું છે. - સાગરાચાર્ય તુરત ઉભા થઈ ગયા અને બોલ્યા કે-શું એ મારા પરમગુરુ અહીં પધારેલા છે? અહીં થોડા દિવસો અગાઉ એક તેજસ્વી પ્રતિભાસંપન્ન વૃદ્ધ મુનિરાજ જરૂર પધાર્યા છે, તેઓ સાગરસમાં ગંભીર છે, ક્ષમાના નિધાન જેવા દેખાય છે, પોતાના આત્મધ્યાનમાં જ ઘણો ખરો સમય પસાર કરે છે; પણ એ પોતેજ કાલકાચાર્ય ભગવંત છે એ હું નથી જાણતો. એ કૃપાનિધાનના પવિત્ર