________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૫૦
આ માટેનો ખર્ચ પ્રથમ દૃષ્ટિએ આપણને કદાચ આપણા ગજા ઉપરાંતનો લાગે; પણ જે આ માટે આપણે કૃતનિશ્ચય બનીએ તો આ ખર્ચ એવું તો નથી જ કે એ આપણે ન જ ઉપાડી શકીએ. જે આ માટે આપણી પ્રબળ ઈચ્છા હોય તો માર્ગ જરૂર મળી રહે. વળી આ પુરાતન અવશેષો એ કેવળ ભગ્ન પાષાણુખંડો નથી, પણ એનું ઐતિહાસિક અને કળાના વિકાસક્રમની દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે, એ વાત જો આપણે સમજી શકીએ તો સંગ્રહસ્થાનનું મહત્વ સમજાતાં વાર ન લાગે.
આ માટે વિચાર કરવાનું બીજું કારણ એ છે કે અત્યારે પુરાતન અવશેષો અને ખાસ કરીને પ્રાચીન ગ્રંથોનું સંરક્ષણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શોધાઈ છે, અને હજુ પણ એ દિશામાં નવી નવી શોધો થઈ રહી છે. એટલે ખાસ કરીને આપણા જ્ઞાનભંડારોનું એવી રીતે સંરક્ષણ કરવાની જોગવાઈ કરીને એ ગ્રંથોને દીર્ઘજીવી અને સુરક્ષિત બનાવવા જોઈએ.
કલાની અભિવૃદ્ધિની દષ્ટિએ વિચારીએ તો અત્યારે પણ આપણે ત્યાં નવાં નવાં દેવમંદિરો કે જ્ઞાનમંદિરો ઊભાં થતાં જ રહે છે; પુસ્તકો પણ છપાતાં રહે છે. આમાં એક વાત લાગે છે કે એ બધામાં ચિરંજીવી અને ચિત્તાકર્ષક કલાનું તત્ત્વ જોઈએ તેટલા પ્રમાણમાં ભાગ્યે જ જોવા મળે છે; આમ છતાં કોઈ કોઈ સ્થાપત્યો કળાનો સમાદર કરતાં પણ લાગે છે.
પણ અત્યારે જે ખાસ કરવા જેવું છે તે તો આપણી કલાસંપત્તિને લોકપ્રિય બનાવવાની દષ્ટિએ જ. એટલે હવે એનો જ વિચાર કરીએ.
અમને પોતાને એમ લાગે છે કે આપણી કળાસંપત્તિ કલાકોવિદોમાં અને વિદ્વાનોમાં તો અમુક અંશે–કદાચ ઠીકઠીક પ્રમાણમાં–જાણીતી અને પ્રિય બની છે; પરંતુ એને જોઈએ તેટલા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડવી બાકી છે. અને આમ થવા માટે સામાન્ય જનસમૂહ નહીં, પણ આપણે પોતે જ જવાબદાર છીએ.
આવી ઉત્તમ કળાસંપત્તિને જોવાની, સમજવાની અને એનું મૂલ્યાંકન કરવાની સામગ્રી જેટલા વિપુલ પ્રમાણમાં જનતા પાસે પહોંચવી જોઈએ તેટલા પ્રમાણમાં આપણે લોકભોગ્ય રૂપમાં પહોંચાડી શક્યા નથી. જે આ બધી સામગ્રી એને યથાર્થ રૂપમાં જાહેર થતી રહી હોત તો આજે જૈનકળાની કીર્તિ ખૂબ વિસ્તરી હોત એટલું જ નહીં, એના જિજ્ઞાસુઓ અને અભ્યાસી- ઓની સંખ્યામાં પણ વધારો થયો હોત.
આપણા જ્ઞાનભંડારોમાં સેંકડો હસ્તપ્રતો સચિત્ર અને સુશોભનોથી યુક્ત છે. એમાંથી કેટલીક તો સોનેરી કે રૂપેરી હસ્તાક્ષરોમાં લખાયેલી છે. આમાંની કેટલીક પ્રતોનાં ચિત્ર આપણે ત્યાં કોઈ કોઈ સ્થળેથી પ્રગટ થયાં છે, અને એટલા માત્રથી પણ જૈનકળાનું ઊંચું મૂલ્ય અંકાયું છે, તો પણ હજી આવાં અસંખ્ય ચિત્રો કે સુશોભનો પ્રકાશનની રાહ જોઈ રહ્યાં છે. આવાં પ્રકાશનો જેમ સુંદર હોય તેમ એ સસ્તાં હોવાં પણ જરૂરી છે. અને આવું કામ કોઈ એક વ્યક્તિ નહીં પણ એક સંસ્થા જ કરી શકે. જે આ કામ માટે અમુક લાખ રૂપિયા પણ ખર્ચ કરવામાં આવે તો પણ તે ઉગી નીકળવાના જ.
આ ભવ્ય અને મનમોહક સ્થાપત્યોથી શોભતાં આપણાં દેવસ્થાનો કે તીર્થસ્થાનો પ્રત્યે આપણી પૂર્ણ ભક્તિ હોવા છતાં એનાં તાદશ દર્શન જનતા ઘેર બેઠાં કરી શકે અને એની ધર્મભાવનાનિષિત કલાસંપતિનો આનંદ અનુભવી શકે, એવી સામગ્રી આપણે હજી નહીં જેવી જ પીરસી શક્યા છીએ. રાણકપુર, આબુ, તારંગા, શત્રુંજય, જેસલમેર એવાં અનેક દેવસ્થાનો કે તીર્થસ્થાનો કલાની સંપત્તિથી ઊભરાતાં હોવા છતાં એ બધાંના ચિત્રસંગ્રહો આપણે ક્યાં તૈયાર કરી શક્યા છીએ? આજે તો આ માટે પુષ્કળ સામગ્રી સુલભ છે. અજન્તા કે એવાં બીજા કલાધામોમાં મોટા મોટા ચિત્રસંપુટો જોઈને આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ. આપણે દરેક તીર્થસ્થાનોનાં આવા જ ચિત્રસંપુટો તૈયાર કરવાની જરૂર છે. અને આ કામનો બોજ કોઈ પણ એક સંસ્થા ઉપર નાખવાને બદલે જે તે તે સ્થાનનો વહીવટ કરતી સંસ્થા એ કામ ઉપાડી લે તો બહુ જ સહજ રીતે એ કામ થઈ શકે. આ માટે પૈસાની અગવડ પડે એમ અમને મુદ્દલ લાગતું નથી. ડો. બર્જેસ જેવા વિદેશી કલાપારખુએ શત્રુંજયનું જે વિશાળ આલબમ પ્રગટ કર્યું હતું તે આપણને આવા કાર્યમાં માર્ગદર્શક થઈ શકે એમ છે. આ કામ કરવામાં જૈન કળાની સાથોસાથ જૈન સંઘ અને ધર્મની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. અને જૈનોની કળાસંપત્તિ વિશે લોકપ્રિય બને.
જૈનકળાની સાચવણીની દષ્ટિએ જેમ સંગ્રહસ્થાનો ઉપયોગી છે તેમ એને લોકપ્રિય બનાવવાની દૃષ્ટિએ પણ ખાસ ઉપયોગી થઈ શકે એમ છે. ધર્મપ્રભાવન જેવા આ કાર્ય તરફ જૈનસંઘ સત્વર વિશેષ ધ્યાન આપે એ જ અભ્યર્થના.