________________
જૈન યુગ
ફેબ્રુઆરી ૧૯૫૯
આપણને મળે છે; અને આવાં સર્જનો કેવળ પ્રાચીન કાળનાં જ મળે છે એવું પણ નથી; જેમ દરેક સકે આવાં સર્જનો થતાં રહ્યાં છે, તેમ આધુનિક યુગમાં પણ એવાં સર્જનો એટલા જ પ્રમાણમાં થઈ રહ્યાં છે. અલબત્ત, એ સર્જનો ઉપર સમયના વારાફેરાની અસર થયા વગર રહેતી નથી.
ભારતવર્ષનાં આવાં કલાસર્જનોમાં અદ્ભુત ગુફામંદિરો, ભવ્ય ગિરિમંદિરો, સમતળ ભૂમિ ઉપર રચાયેલાં દિવ્ય દેવમંદિરો કે ધર્માચારોથી લઈને તે સુંદર પ્રતિભાઓ, મનોહર શિલ્પ, સજીવ કોરણી, સુરેખ ભિત્તિચિત્રો કે હસ્તલિખિત ગ્રંથોમાંનાં વ્યક્તિચિત્રો, પ્રસંગચિત્રો કે રંગરેખાથી ઓપતાં મનોરમ નાજુક સુશોભનો વગેરેનો સમાવેશ થાય છે. આવાં બધાં કલાસર્જનો જોઈને એ કલાના સર્જક કલાકારો, એના પુરસ્કર્તાઓ અને એ બધાનું જતન કરનારાઓ પ્રત્યે અંતરમાં આદર, બહુમાન અને પ્રશંસાની લાગણી જનમ્યા વગર રહેતી નથી.
જૈન કલા એ ભારતીય કલાનો જ એક અગત્યનો વિભાગ છે, અને એમાં ઉપર દર્શાવેલ ગુફામંદિરોથી લઈને તે હસ્તપોથીઓમાંનાં સુશોભન સુધીનાં બધાંય અંગો સારી રીતે ખેડાયેલાં છે, અને અમુક અંશે અત્યારે પણ એનું ખેડાણ થઈ રહ્યું છે.
જૈન કલા એ કોઈ સાવ સ્વતંત્ર કે તક્ત નિરાળી કલા નહીં, પણ જૈનસંઘો કે જૈન ગૃહસ્થોના પ્રોત્સાહનથી વિકસેલી એમના આશ્રયે પોષાયેલી અને અમુક અંશે જૈનધર્મના આદર્શને રજૂ કરતી કલા, એવો એનો અર્થ સમજવો જોઈએ. અલબત્ત, ધાર્મિક આદર્શની અભિવ્યક્તિની દષ્ટિએ એમાં બીજી ભારતીય કળાઓની દષ્ટિએ અમુક વિશેષતા કે અમુક જુદા પણું તો છે જ, અને એ રહેવાનું પણ ખરું; પણ એટલા તફાવત માત્રથી અને તન રવતંત્ર કે નિરાળી માની લેવાની જરૂર નથી. ત્રિવેણી સંગમની જેમ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણ સંસ્કૃતિમાં વહીને છેવટે એક વિશિષ્ટ રૂપમાં વહેતી ભારતીય સંસ્કૃતિનો જ એ એક પ્રવાહ છે; અને એ રીતે જ એનું વિશેષ ગૌરવ અને મહત્ત્વ છે.
અત્યારે જૈનાશ્રિત કળાના જે નાનામોટા અનેક નમૂના ઉપલબ્ધ છે એ ઉપરથી એટલું તો નિઃશંક રીતે કહી શકાય એમ છે કે જૈન સંઘોએ છેક જુના સમયથી કળાની અભિવૃદ્ધિમાં પોતાનો પૂરેપૂરો હિસ્સો આપો
છે; અને એનું જતન કરવામાં પણ એટલી જ જાગૃતિ દાખવી છે. કળાના ખજાના સમાં દેવમંદિરો અને જ્ઞાનભંડારોની સાચવણી જૈનોએ જે કર્તવ્યબુદ્ધિ અને ધર્મબુદ્ધિથી કરી છે, એ આદર્શ લેખી શકાય એવી છે.
કુદરતી કારણોને લઈને કે માનવસર્જિત મુસીબતોને કારણે અનેક દેવમંદિરો કે અનેક જ્ઞાનભંડાર કાળનો કોળિયો બની ગયાં છે કે જીર્ણ-શીર્ણ પણ થઈ ગયાં છે; અને એમાં અમુક અંશે આપણી ઉપેક્ષાવૃત્તિ પણ કારણભૂત છે, એ વાતનો ઈન્કાર થઈ શકે એમ નથી. આમ છતાં, એ કાળપ્રવાહમાંથી જે કલાસંપત્તિ ઊગરી ગઈ છે તે પણ કંઈ ઓછી કે ઓછા મૂલ્યવાળી નથી. કેટલીક કલાકૃતિઓ તો અદ્ભુત અને બેનમૂન કહી શકાય એવી ઉચ્ચ કોટિની છે.
એટલે અત્યારે જૈનોની પાસે જે કલાસંપત્તિ છે, તે કોઈ પણ સમાજને ગૌરવ અપાવે એવી મહત્વની છે; અને તેથી એના તરફ આપણું શું કર્તવ્ય છે એનો થોડોક વિચાર કરવાની જરૂર છે.
અમારી સમજ પ્રમાણે આ માટે ત્રણ રીતે વિચાર અને કામ કરવાની આવશ્યકતા છે : એ કલાસપત્તિની સાચવણી કરવી, એમાં અભિવૃદ્ધિ કરવી, અને એને વિશેષ લોકપ્રિય બનાવવી..
અમુક અંશે તો આપણે આપણી ધાર્મિક કલાસંપત્તિની સાચવણી કરીએ જ છીએ; આમ છતાં આ માટે વિશેષ વિચાર કરવા જેવો અમને બે કારણોને લીધે લાગે છે. એક તો દેશના કેટલાક પ્રદેશોમાં આપણાં અનેક વિશાળ અને ભવ્ય મંદિરો ભગ્ન અને જીર્ણશીર્ણ હાલતમાં પડ્યાં છે. અરે, કેટલાંક સ્થાપત્યો તો એવાં સ્થળોએ અને એવી બિસ્માર હાલતમાં પડ્યાં છે કે એની આપણને કશી અથવા તો જોઈએ તેટલી માહિતી જ નથી. વળી કેટલીક ઈમારતોના ભગ્ન અવશેષો એવા તો સુંદર હોય છે કે જે જોનારનું તરત જ મન હરી લે. પણ ન તો આપણે એ ઉપેક્ષિત મંદિરોની સંભાળ રાખી શકીએ છીએ, કે ન તો એ સુંદર અવશેષોને સાચવી શકીએ છીએ. આવાં સ્થાનો કે અવશેષોનું જતન બે રીતે જ થઈ શકે. એક તો એ કે તે તે પ્રદેશના જૈન સંધો આ માટે દત્તચિત્ત અને પ્રયત્નશીલ રહે, અને એક કે બે–ચાર મધ્યસ્થ સંસ્થાઓ એ બધા ઉપર નજર રાખે. બીજી વાત છે જુદા જુદા પ્રદેશોમાં થઈને પાંચ-સાત સંગ્રહસ્થાનો ઊભાં કરવાની.