________________
જૈન યુગ
૩.
ડિસેમ્બર ૧૯૫૯
સ્વાગત સભ્યોના રૂા. ૧૦૧, ૫૧), ૩૧] અને ૧૧૩ના એમ ચાર વગોં નક્કી કર્યા છે.....એ તો નકકી સમજવું કે આપણે એક બહુ મોટી જવાબદારી માથે લીધી છે. આપણા પાસે વખત પણ ઓછો છે અને સાધનો પણ ભેગાં કરવાનાં છે. પ્રચારને માટે સેવાભાવી વ્યક્તિઓએ આગળ આવવું પડશે. સભામાં હાજર રહેલ કેટલાક ભાઈઓએ ડિસેમ્બર મહિનાથી સ્વાગત સમિતિના સભ્યો નોંધવા માટે પોતાની સેવાઓ આપવાનું વચન આપ્યું છે.....દિલ્હીમાં શ્રી સંઘના મુખ્ય કાર્યકર્તાઓ તથા સાધ્વી શીલવતીશ્રી અને વિદુષી મૃગાવતીશ્રી સાથે ભારે વાતચીત થઈ. આગ્રામાં આચાર્યપ્રવર શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી અને પૂ. ગણિશ્રી જનકવિજયજી સાથે મેં વિચાર-વિનિમય કર્યો. એમના મનમાં વહેલામાં વહેલી તકે પંજાબ પહોંચવાની ભાવના છે......અને સમસ્ત સંઘોને પૂરો સાથ આપવાનો ફરી આગ્રહ કરીએ છીએ.”
આ તો જાણે મહાસભાના મુખપત્રમાં અત્યારથી શરૂ થયેલ પ્રચારની વાત થઈ પણુ મહાસભાના કાર્યકર્તાઓને આટલેથી સંતોષ ન થતાં હિન્દી અને ઉર્દૂ લિપિમાં છપાયેલી મોટી પ્રચાર પત્રિકાઓ પણ પ્રચારકાર્યને વેગવતું બનાવવા તૈયાર કરાવી છે. એમાંની પહેલી પત્રિકામાં જે કહેવામાં આવ્યું છે, તેથી પણ પંજાબના ભાઈઓમાં આને માટે કેટલો ઉત્સાહ વ્યાપેલો છે અને એ માટે અત્યારથી જ કેવા કાર્યરત થઈ જવા માગે છે એનો કંઈક ખ્યાલ મળી શકે એમ છે. આમાં કહેવામાં આવ્યું છે કે –
પંજાબના જૈન સમાજની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા શ્રી આત્માનંદ જૈન મહાસભાએ અખિલ ભાર તીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું આગામી અધિવેશન પંજાબમાં ભરવાનું નિમંત્રણ આપ્યું હતું. આપને એ જાણીને આનંદ થશે કે કોન્ફરન્સની કાર્યવાહક સમિતિએ એનું આગામી અધિવેશન માર્ચ કે એપ્રિલમાં પંજાબમાં ભરવાનો નિશ્ચય કર્યો છે..... આ કામ માટે આપણે અત્યારથી જ કેડ બાંધીને તૈયાર થવું પડશે. પંજાબ જૈન સમાજને માટે ગૌરવરૂપ આ મહાન કાર્યને નિવિઘે પૂર પાડવાને માટે આર્થિક સહાય ઉપરાંત સેંકડો કાર્યકર્તાઓ અને ગણવેશધારી સ્વયંસેવકોની જરૂર પડશેઅમને એ જણાવતાં આનંદ થાય છે કે અંબાલા શ્રી સંઘે અધિવેશન પોતાને ત્યાં ભરવાનું નિમંત્રણ મહાસભાને મોકલી
આપ્યું છે. લુધિયાણા શ્રી સંઘની કાર્યવાહક સમિતિએ પણ લુધિયાણ માટે નિમંત્રણ આપ્યું છે. અંબાલાની શ્રી આત્માનંદ જૈન કોલેજ, આત્માનંદ જૈન હાઈસ્કૂલ, લુધિયાણાની શ્રી આત્મવલ્લભ વિદ્યાપીઠ, તેમ જ શેઠ ફૂલચંદભાઈ શામજી વગેરે બીજા મહાનુભાવોએ આ અધિવેશનને સફળ બનાવવા માટે પોતાની સેવાઓ મહાસભાને ચરણે ધરી દીધી છે.”
ક્યાંક ક્યાંક મૂળ વાતની પુનરુકિત હોવા છતાં ઉપરના ત્રણે ફકરા અમે અહીં એટલા માટે આપવા ઉચિત માન્યા છે કે એ ઉપરથી પંજાબના ઉત્સાહ અને એની તત્પરતાનો આપણને કંઈક ખ્યાલ આવી શકે, આ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે આપણને યજમાન તરીકે એક સુવ્યવસ્થિત સંસ્થા મળી છે. અને તેથી પંજાબના જૈન સંઘની એકરૂપતા અને એકદિલીનો આપણને ઘણો લાભ મળવાનો.
પણ આ અધિવેશનને સંપૂર્ણ સફળ બનાવવા માટે માત્ર ભાવનાશીલ અને શકિતશાળી યજમાન મળી રહે એટલું જ બસ નથી. સમાજને પ્રગતિને માર્ગે દોરવાનું ખરું કામ તો આપણા યજમાનો સાથે મળીને મહેમાનોએ કરી બતાવવાનું છે. અને એ કામ જ આ અધિવેશનને યશસ્વી, ઐતિહાસિક અને ચિરસ્મરણીય બનાવી શકવાનું છે.
એટલે કૉન્ફરન્સના બધા સભ્યોએ, ચાહકોએ અને સમાજે આ અધિવેશનને પૂર્ણ સફળતા મળે એ રીતે અત્યારથી જ કામે લાગવાની જરૂર છે એ વાત તરફ અમે સૌનું ભારપૂર્વક ધ્યાન દોરીએ છીએ.
જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સમાજ સમક્ષ નવા નવા પ્રશ્નો અને નવી નવી પરિસ્થિતિઓ ઊભાં થતાં જાય છે. સમયને કારણે કે બીજા કોઈ પણ કારણે જન્મતી વિષમ પરિસ્થિતિમાં સમાજને ટકાવી રાખવા અને પ્રગતિશીલ કરવા માટે તો કોન્ફરન્સ જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે; એટલે સમયની હાકલની સામે સમાજને જાગ્રત કરવામાં તેમજ એની પરિસ્થિતિને અનુરૂ૫ માર્ગદર્શન આપવામાં જ આવી સંસ્થાઓની ચરિતાર્થતા રહેલી છે અને એ માટે મોટામાં મોટી જરૂર સમાજને સંગઠિત બનાવવાની છે.
આ અધિવેશનને સંપૂર્ણ રીતે સફળ બનાવવા સૌ કોઈ અત્યારથી જ કામે લાગે એ જ અભ્યર્થના.