________________
જ્ઞાન ભંડારો ની સમૃદ્ધિ
પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ
RI નયનુ વીતરાઃ | માનનીય વિદ્વાન સજજનો વિદુષી માતાઓ અને બહેનો!
આપ સૌએ મને જે સ્થાનેથી બોલવાની ફરજ પાડી છે તે સ્થાનેથી ઘણા વિદ્વાનોએ આપણને ઘણી ઘણી રીતે માર્ગદર્શન આપ્યું છે. એટલે મારા વક્તવ્યમાં પુનરુક્તિ આવે કે કાંઈ નવીન સૂચન ન જણાય તો આપ સૌ ક્ષન્તવ્ય ગણશો. આપ સૌએ મને જે સ્થાનેથી બોલવા ઊભો કર્યો છે, એ સ્થાન ઘણી જવાબદારીવાળું છે એનો મને સંપૂર્ણ ખ્યાલ છે, એથી આવા જવાબદારી ભર્યા સ્થાનેથી બોલવામાં એક રીતે ખરા સ્વરૂપમાં ક્ષોભ થાય એ સ્વાભાવિક છે. એમ છતાં આપ સૌએ વિશ્વાસપૂર્વક મારા ઉપર જે જવાબદારી મૂકી છે તે માટે યોગ્ય કરવા હું જરૂર યથાશકિત પ્રયત્ન કરીશ.
સામાન્ય રીતે વિભાગીય પ્રમુખ છેલ્લા અધિવેશનથી ચાલુ અધિવેશન દરમિયાન બહાર પડેલી છે તે વિષયની નવીન કૃતિઓનું સિંહાવલોકન કરે છે; પરંતુ મેં આને બદલે મારા અધ્યયનના વિશિષ્ટ વિષયની રજૂઆત કરવાનું પસંદ કર્યું છે અને એની અંદર યથાવકાશ આવી કેટલીક કૃતિઓનો દષ્ટાન્ત રૂપે ઉલ્લેખ કરવા ધાર્યું છે.
સાહિત્યસંશોધન અને જ્ઞાનભંડારોનું અવલોકન એ મારું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ કાર્ય હું, મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને દાદાગુર પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજશ્રીજીની છાયામાં લગભગ મારી સત્તર વર્ષની વયથી કરતો આવ્યો છું. મારા પૂજ્ય ગુરુ-દાદાગુરુ ઓની દષ્ટિ વ્યાપક હતી, એટલે એ પૂજ્ય ગુરુયુગલના એ ગુણના વારસાનો અંશ મને બાળપણથી મળ્યો હોઈ. મેં મારા ગ્રંથસંશોધન અંગે જ્ઞાનભંડારોના
અવલોકનને પરિણામે મને જે રફુરણા થઈ છે તેને આપ સૌ સમક્ષ રજૂ કરું છું.
હું જૈન સાધુ હોઈ, જ્ઞાનભંડારોનું અવલોકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલોકનમાં આવતી જૈનેતર નાની કે મોટી કોઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા સેવી નથી.
આજ સુધી મેં જે જ્ઞાનભંડારો જોયા છે તેમાંથી કેટલાક જ્ઞાનભંડારોને બાદ કરીને બાકીના જોયેલા બધાય જ્ઞાનભંડારો કવેતાંબર મૂર્તિપૂજક જૈન જ્ઞાનભંડારો જ છે. એટલે આપ સૌ સમક્ષ મારા વક્તવ્યમાં હું જે રજૂઆત કરીશ તે બધી મુખ્યત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રીસંઘ કે જૈન મુનિવરોના અધિકારમાં રહેલા જ્ઞાનસંગ્રહોને લક્ષીને જ કરીશ. એમ છતાં આપ સૌ ખાતરી રાખશો કે આ રજૂઆત એકદેશીય નહિ જ હોય. એનું કારણ એ છે કે કવેતાંબરમૂર્તિપૂજક જૈનાચાર્યો અને જૈન મુનિઓએ ઉપદેશ દ્વારા જે જ્ઞાનભંડારો ઊભા ક્ય-કરાવ્યા છે તેમાં તેમણે માત્ર પ્રાકૃત-સંસ્કૃતાદિ જૈન કૃતિઓ જ નહિ, પણ સર્વ ભાષા અને સર્વ વિષયની જૈન-જૈનેતર કૃતિઓનો સંગ્રહ કર્યો-કરાવ્યો છે. આ જ કારણને લીધે જૈન જ્ઞાનભંડારો ભારતીય અને વિદેશીય વિદ્વાનોના અધ્યયનનું કેન્દ્ર બની શક્યા છે. આપ સૌને જાણીને આનંદ થશે, કે આપણા દેશમાં અને પશ્ચિમના દેશોમાં જે અનેક વિષયોને લગતું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે તેમાંના સંખ્યાબંધ ગ્રંથોની પ્રાચીન અને મૌલિક હસ્તપ્રતિઓ જૈન જ્ઞાનભંડારોમાંથી જ ઉપલબ્ધ થઈ છે. આજે ભારતમાં આટલા અને આ દૃષ્ટિએ વ્યાપક અને સમૃદ્ધ આવા જ્ઞાનભંડારો બીજે ક્યાંય જોવા નહિ મળે.
પાટણ, ખંભાત, જેસલમેર, આદિના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહો તો જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર
• વીસમું ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન ઑકટોબર, ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું તે પ્રસંગનું ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું પ્રવચન.
૧૧