________________
આ બોલ પ્રતિ બને
..
- અકસ્માત
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
પુંડરીકિણી નગરી ધન અને ધર્મનું ધામ લેખાતી.
ત્યાં વેપારીઓ અનેક વસતા. એની બજારોમાં બધી ચીજો મળતી. દેવમંદિરો અને ધર્માચારો પણ ત્યાં અનેક હતાં અને કર્મશર માનવીઓનો પણ ત્યાં કોઈ તોટો ન હતો.
એ નગરીનો રાજા પુંડરીક જેવો ન્યાયી તેવો જ ધર્મમાં તત્પર. કોઈનું અણહકકનું એને ખપે નહીં; અને કોઈને અણહકકનું ખાવા દે નહીં. સમજદાર અને શાણો પણ એવો કે કજિયાને ઊગતાં જ ડામી દે; અને ભારે કટોકટીના વખતે પણ મનને સ્વસ્થ રાખે અને ક્રોધને તો કરવા જ ન દે. પ્રજા એને ધર્માત્મા તરીકે આદરમાન દેતી અને એની છાયામાં સુખશાંતિનો અનુભવ કરતી.
રાજાના નાના ભાઈનું નામ કંડરીક. એ પણ મોટાભાઈનું પડખું શોભાવે એવો. ભાઈની આજ્ઞા થાય તો માથું હલ કરવા પણ તૈયાર થઈ જાય. એનેય ધર્મ ઉપર ભારે પ્રેમ.
રાજા પુંડરીક તો ભારે દૂરદર્શી. નાના ભાઈનું હેત એ પારખતો હતો, અને રાજકારણમાં રાજસત્તા માટે ખેલાતા કાવાદાવા પણ એ જાણતો હતો. જ્યારે કોને કેવો સત્તાલોભ જાગી ઊઠે, અને એ માટે એ શુંનું શું કરી બેસે એ કેમ કહેવાય? એટલે એણે ભારે ડહાપણ દાખવ્યું: પોતાને ત્યાં પારણે પુત્ર મૂલે અને એ રાજ્યનો ઉત્તરાધિકારી બને, એની રાહ જોયા વગર, રાજા પુંડરીકે પોતાના નાના ભાઈ કંડરીકને જ યુવરાજ પદ આપી દીધું.
ભારે ધામધૂમ સાથે કંડરીકના યુવરાજ પદનો અભિક ઉત્સવ ઉજવવામાં આવ્યો.
પ્રજમાં પુંડરીક રાજાની વાહવાહ બોલાઈ રહી. એના નિર્મોહીપણાને સહુ અભિનંદી રહ્યા.
અને યુવરાજ કંડરીક? આમે એને મોટા ભાઈ ઉપર ભારે ભાવ હતો; તે દિવસથી તો જાણે એ મોટાભાઈનો દાસ જ બની ગયો; અને પડછાયાની જેમ એના પગલે પગલાને અનુસરવા લાગ્યો--જાણે એનો અંગરક્ષક જ ન હોય?
આવો શાણો રાજા અને આવો ભલો યુવરાજ; પછી પ્રજાને શું દુ:ખ હોય? આમ ને આમ કેટલાંક વર્ષ વીતી ગયાં.
એક દિવસની વાત છે. નગરના ઉદ્યાનમાં કોઈ જ્ઞાની ગુરુ પધાર્યા હતા. એમનો ધમપદેશ જાણે અંતરનાં દ્વાર ઉઘાડીને આત્માને જગાડી દેતો. એ ઉપદેશ રાજા પંડરીકના અંતરમાં વસી ગયો.
મધ્યરાત્રનો સમય હતો. રાજા પોતાના શયનાગારમાં પલંગ પર સૂતા હતા. જાણે વગર બોલ્ય વાસનાને જગાવી દે એવાં શૃંગાર ચિત્રો ચારેકોર શોભી રહ્યાં હતાં. માદક સુગંધીથી આખુંય વાતાવરણ ભરાઈ ગયું હતું. પણ આજે એમને વિલાસ, આરામ કે ઊંઘ હરામ બની ગયાં હતાં.
વિચારમગ્ન રાજાજી પલંગ ઉપરથી બેઠા થયા, અને આંટા મારવા લાગ્યા, જાણે પાંજરે પુરાયેલો કેસરી બેચેન બનીને ધૂમાબૂમ કરતો હતો. રાણી તો જોઈ જ રહી : આજે એમને આ શું થયું હતું?
રાજાજી વિચારતા હતા : રાજ્ય અને વૈભવ ઘણું વર્ષ ભોગવ્યાં; અને છતાંય જીવને તૃપ્તિ ક્યાં થાય છે? અને તૃપ્તિ કયારે થશે એનું પણ શું કહેવાય? તો સર્યું અતૃપ્તિના ઊંડા સાગરમાં ડૂબકી લગાવવાથી હવે તો એનો ત્યાગ જ કરવો ઘટે. ધર્મને પણ અવસર આપવો જ ઘટેને? અને યુવરાજ કંડરીક પણ હવે ક્યાં નાનો છે? હવે ભલે એ રાજયશ્રી ભોગવતો.
રાજા પુંડરીકનું મન સ્વસ્થ થયું, અને બાકીની રાત્રી એમણે સુખપૂર્વક નિર્ગમન કરી.