________________
જૈન યુગ
૧૭
ઑકટોબર ૧૯૫૯
પ્રથમ વાર લખી લેવામાં આવ્યાં હતાં. જૈન ઇતિહાસ માં આ એક મહાન ઘટના છે, અને આ પ્રકારની પરિપદોના સ્થાન તરીકે વલભીને પસંદ કરવામાં આવ્યું એ ઘણું સૂચક છે. આ છેલ્લી સંકલના પછી આગમો ઉપરનું લગભગ બધું જ ટીકાસાહિત્ય પશ્ચિમ ભારતમાં રચાયું છે. “નવાંગીવૃત્તિકાર' તરીકે પ્રખ્યાત અને આગમોના સર્વશ્રેષ્ઠ ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિએ (ઈ. સ. નો ૧૧ મો સેકો) પોતાની ટીકાઓની રચના દ્રોણાચાર્ય પ્રમુખ પંડિત પરિષદની સહાયથી ગુજરાતના તત્કાલીન
પાટનગર અણહિલવાડ પાટણમાં કરી હતી, અને એ કાર્ય પરંપરા એક અથવા બીજી રીતે ગુજરાતમાં લગભગ આજ સુધી ચાલુ રહી છે. આગમોનાં અધ્યયન, સંશોધન અને અર્થદર્શનની મહત્વની યોજનાઓ એ કાર્ય માટે મૌલિક સાધનસામગ્રીથી સમૃદ્ધ એવા આ પ્રદેશમાં હાથ ધરાય એ ઐતિહાસિક દૃષ્ટિએ પણ સમુચિત છે.
[ ક્રમશઃ]