________________
જૈન યુગ
પ્રભુને કેવી રીતે મળવું? તો પરમયોગી દેવચંદ્રજી કહે છે કે અનાદિ અતીતકાળથી ભાઈ, તારું શાંત— સ્વભાવમય ચૈતન્યમૂર્તિનું આત્મિક સુખ આવરાઈ ગયું છે. ભોગધર્મ જે તારો ક્ષયોપશમીભાવ છે તે કંઈક તો ન છૂટકે ભોગવવો જોઈ એ, પરંતુ સ્વરૂપની તૃષા વિના જે પરદ્રવ્યોના ભોગમાં તું રાચે છે એ તારી પરપરિણતિ અથવા સ્વાતંત્ર્ય-હાનિ છે. આથી તું ભોક્તા પરનો, કર્તા પરનો, દષ્ટા પરનો અને તારું રમણુ પણ પરદ્રવ્યને વિશે દેખાય છે. હવે કોઈ પૂછે કે શુદ્ધ દ્રવ્યધર્મી તે પરરૂપ કેમ થાય ? ભાઈ, પુદ્ગલ તરફ દિષ્ટ કરીને પોતાની વૈભાવિકરાક્તિના નિમિત્તે જીવમાં અશુદ્ધિની વિલક્ષણતા અનાદિકાળથી જણાય છે. તેથી જડ એટલે અચેતન અને ચલ એટલે નાશવંત એવી જગતની એંઠ આ પુદ્ગલરચના તેને અનુભવી તારે રાચવું ન ઘટે, અને શાંતિને શોધવા માટે તરસ્યા થવું જોઈએ. હંસ જેમ મોઢામાં માછલી પકડતો નથી તેમ હે ચેતન, તારે માટે આ પુદ્ગલાનંદીપણું ધટતું નથી.
શુદ્ધનિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત, આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત.
કર્યું...(૬) માટે અશુદ્ધિનું કારણ જે પરદ્રવ્યમાંથી તૃપ્તિ મેળવવાની તૃષ્ણા તેને હે ભવ્ય, તું હેય એટલે છોડવા યોગ્ય સમજ. અને ભાઈ, તું શુદ્ધતાનું નિમિત્ત એવા જે અરિહંત તેનું અવલંબન કરનાર બન. આત્માનો આશ્રય કરનાર અને ક્ષમા, નિર્લોભતા, સરળતા, મૃદુતા, નમ્રતા, સત્ય, તપ, સંયમ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા ગુણોમાં રાચનાર સાધકને તો ધ્યાન માટે કોઈ આદર્શ હોય તો એ વીતરાગ પરમાત્મા સ્વયં કે પછી તેમનું પ્રતીક છે.
જેમ જેમ જિન અવલંબને વધે સધે એકતાન હો મિત, તેમ તેમ આત્માલંબની લહે સ્વરૂપ નિદાન હો મિત.
કર્યું...(૭)
२०
સપ્ટેમ્બર ૧૯૫૯
તેમ કરતાં સાધક જે આપણો જીવ તે જિનવર દેવની તત્ત્વપ્રભુતા, સાચી સમૃદ્ધિ તેને નજરમાં રાખી તેમાં એકતાનતા વધારતો જાય અને સ્વ-સ્વરૂપને સાધતો જાય તેમ તેમ નક્કી તે પોતાનો સ્વાભાવિક શાંતરસનો સુખાસ્વાદ કરતો જાય છે. આ રીતે પોતાના હૃદયમાં રહેલ પરમાત્મસ્વરૂપને તે મળે છે.
સ્વસ્વરૂપ એકત્વતા, સાથે પૂર્ણાનંદ હો મિત, રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત. કર્યું...(૮)
જ્યારે આત્મા સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે સ્વતંત્ર અને અવ્યાબાધ આનંદને અનુભવે છે, પછી તે આત્મા પોતાનાં સમ્યગ્ એટલે હિતકર એવાં દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં રાચે છે અને પોતાના જ કલ્યાણગુણોને અનુભવે છે.
અભિનંદન અવલંબને પરમાનંદ વિલાસ હો મિત, દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત. કર્યું...(૯)
અભિનંદન ભગવાનનું અવલંબન કરવાથી નિર્મળ આનંદની સ્ફુરણા થાય છે, શરત એટલી કે પ્રભુની સેવના કરેલી ત્યારે ગણાય કે જ્યારે આ અનુભવ મેળવવા માટે વારંવાર જૂની પૌદ્ગલિક સુખશૈલિના ત્યાગનો અભ્યાસ કરવામાં આવે. આમ પ્રભુને પામવાની રીતિ ટૂંકમાં ઇંદ્રિયોનો અને મનનો વિષયાનંદમાંથી નિરોધ કરી તેમને પ્રભુગુણ ચિંતનમાં જોડવાં અને તે પ્રભુના ધ્યાનમાં એકાગ્ર થવું. આ ઉપાય વિશે ઉદ્યમવંત બનો, સાચેસાચ ભવ્યો, તમને પ્રિયતમ પરમાત્મા અભિનંદનનો મેળાપ તમારા અંતરમાં જ થશે. તમે જાતે જ અભિનંદન સ્વામીને તેમ જ સકલ અરિહંતસિદ્ધોને તેમના દ્રવ્યોથી અને ગુણોથી આવરણરહિતપણે નિહાળશો. હાલ તો આ પુદ્ગલપ્રીતિના છંદનું આવરણ તમે જાગૃત ખનીને તોડી નાખો.