________________
જૈન યુગ
સપ્ટેમ્બર ૧૯૫૯
દલભતાનો લાભ મેળવી શકે. એ માર્ગને વીસરી જવો એ પોતાના ધ્યેયને અને પોતાની જાતને વીસરી જવા બરાબર છે. અને જે પોતાની જાતને જ વીસરી બેસે એનામાં પછી પોતાપણું જ ક્યાં રહે ? પછી તો માનવદેહ નામમાત્રનો જ મળ્યો સમજવો; પછી તો, પિલા નીતિશાસ્ત્રકારે કહ્યું છે તેમ, માનવદેહધારી પશુ જ લેખાઈ જવાનું થાય! આમ ન બને એની ખબરદારી પ્રત્યેક માનવીએ સતત રાખવી ઘટે.
ધર્મનું પાલન કેવી રીતે થઈ શકે, એનો બહુ જ સહેલો માર્ગ દશવૈકાલિક સૂત્રકારે બતાવ્યો છે : અહિંસાનું પાલન કરો, સંયમની સાધના કરો અને તપનું આરાધન કરો ! ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મને મેળવવાનો એ જ માર્ગ છે.
અહિંસાને પરમ ધર્મ લેખવામાં આવે છે, એ બહુ જ જાણીતી વાત છે. અહિંસાનો મૂળ શબ્દાર્થ કોઈની હિંસા ન કરવી, કોઈને પ્રાણ ને લેવા, એ છે. પણ ક્રમે ક્રમે અહિંસાના અર્થમાં એવો વિકાસ થયો કે કોઈના દિલને જરા સરખું દૂભવવામાં પણ હિંસાનો દોષ મનાવા લાગ્યો; અને એનો સર્વોચ્ચ વિકાસ તો ત્યારે થયો કે
જ્યારે આપણું તીર્થનાયકે આપણને કોઈ પણ જીવની સાથે વેરભાવ ન રાખતાં, નાના–મોટાનો ભેદ કર્યા સિવાય જ, સર્વ જીવો સાથે મિત્રી બાંધવાનો આદેશ આપ્યો. અને મત્રીસબંધ એ તો દુનિયાના બધાય સંબંધોમાં, સ્વેચ્છાએ પસંદ કરેલો, ઊંચામાં ઊંચો અને પવિત્રમાં પવિત્ર સંબંધ છે; અને એને સાચવી રાખવા માટે માનવીએ પોતાનું માથું એટલે કે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર રહેવું પડે છે.
મિત્રને કાજે (સર્વ જીવોના ભલા માટે) પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની ભાવનામાં જ અહિંસાના વિધાયક કે રચનાત્મક પાસાનું દર્શન થાય છે, જે કરુણા અને મહાકરુણા રૂપે માનવજીવનમાં વ્યક્ત થાય છે. આનું આધ્યાત્મિક મૂલ્ય તો છે જ છે, પણ એ કરુણાનો વ્યવહારુ ઉપયોગ પણ બહુ મોટો છે. માણસ જે પોતાના જીવનનું અવલોકન કરે તો પણ એને આ વાત સહેલાઈથી સમજાય એવી છે. આપણને કોઈ ન દૂભવે કે ન હણે એટલા માત્રથી આપણું કામ ચાલતું નથી; જીવનમાં કોઈક સમય એવો પણ આવે છે, જ્યારે આપણું દુઃખ દૂર કરવામાં કોઈક આપણને સહાયક થાય, એમ પણ આપણે ઇચ્છીએ છીએ.
અહીં જ કરુણાની જરૂર ઊભી થાય છે. પછી તો એમાં જનસેવાનાં અનેક કાર્યોનો સમાવેશ થઈ જઈને કરુણાના કાર્યક્ષેત્રનો વિસ્તાર વધી જાય છે. આ રીતે કોઈના દુઃખના જરા પણ નિમિત્ત ન બનવું એનું નામ અહિંસા; અને સર્વના દુઃખને દૂર કરવામાં બની શકે તેટલે વધુ અંશે નિમિત્ત બનવું એનું નામ કરુણું. અહિંસાનો આદર્શ જીવનમાં પૂરી રીતે આ બે માર્ગે ઊતરીને જીવનને સાચું ધર્મપરાયણ બનાવે છે.
પ્રેમ, સ્નેહ, વત્સલતા એ પણ અહિંસાના જ અંશ છે, અને એનો સાક્ષાત્કાર માનવીએ પોતાના ઘર, કુટુંબ, ગામ અને એ રીતે આગળ વધતાં વધતાં સમગ્ર માનવજાત અને છેવટે સમસ્ત જીવસમૂહને પોતાની સાથે એકરૂપ બનાવીને કરવાનો છે. જ્યાં અહિંસાની પ્રતિષ્ઠા થાય ત્યાંથી વેરભાવ સમૂળગો દૂર થઈ જાય; કેવળ પ્રેમભાવ જ પ્રગટ થાય.
પણ અહિંસાનો સાક્ષાત્કાર કેવળ એનો વિચાર કરવાથી ન થઈ શકે. એ માટે તો માણસે અનેક રીતે અનેક પ્રયત્નો કરવા પડે. આ પ્રયત્નોનાં મુખ્ય સાધનો તે સંયમ અને તપ. આ બેમાં તો અનેક બાબતો સમાઈ જાય છે.
સંયમ એટલે મન, વચન અને કાયાને અને ઇન્દ્રિયોને કાબૂમાં લાવવાનો માર્ગ. મનની ચંચળતા અને ઈદ્રિયોની વિષયવાસના એવી તો પ્રબળ હોય છે કે એને નાથવા માટે ભારે મથામણ કરવી પડે છે; અને છતાં એ કાબૂમાં આવે તો આવે, અને નહીં તો વર્ષોનું કર્યુંકારવ્યું પળવારમાં ધૂળમાં મેળવી દે! સંયમ વગરનું સ્વૈરવિહારી અને સ્વછંદી જીવન તો પળે પળે હિંસાનું આચરણ જ કરતું હોય, એટલે પછી એ અહિંસાની સાધના ક્યાંથી કરી શકે?
એ જ રીતે આત્માના કુંદનને લેશો અને કષાયોના મળોથી વિશુદ્ધ બનાવવાનો માર્ગ તે તપ, તિતિક્ષા અને પરિષહ જ્યનો માર્ગ છે. જેમ જેમ માનવી, સમજણપૂર્વક કષ્ટ સહન કરે અને તપસ્યા કરે તેમ તેમ મનોબળ અને આત્મબળમાં અભિવૃદ્ધિ થતી જાય, અને તેથી છેવટે પોતાને નિમિત્તે કે કષાયોના આવેશને કારણે કોઈ પણ જીવને દુઃખ આપવાની વૃત્તિનું નિવારણ થઈને સૌનું કલ્યાણ થાય—એવી જ ધર્મની મંગલમય ભાવના વિલસી રહે.