________________
સપ્ટેમ્બર ૧૯૫૯
જૈન યુગ
કોઈ પશુના જીવન જેવું ધ્યેય વગરનું, વિકાસ વગરનું અને જડ જેવું બની જાય.
બધા ધર્મોનાં શાસ્ત્રોમાં, ઠેર ઠેર, માનવજીવનની શ્રેષ્ઠતાનું ગાન કરવામાં આવ્યું છે, અને માનવજીવનથી ચઢિયાતું બીજું કોઈ જીવન નથી એમ કહેવામાં આવ્યું છે. આત્મા કે ચૈતન્યશક્તિનો પરમોચ્ચ કોટીનો વિકાસ સાધવાની શક્યતા જે દેહ દ્વારા દર્શાવવામાં આવી છે તે છે માનવદેહ. આ માનવદેહને મેળવીને કંઈક આત્માઓ જીવનવિકાસની વિવિધ ઉચ્ચ કોટીએ પહોંચી શક્યા છે. આ વિકાસમાં જેમ અનેક ભૌતિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે, તેમ અનેક આધ્યાત્મિક સિદ્ધિઓનો પણ સમાવેશ થાય છે.
ભૌતિક સિદ્ધિઓ હાંસલ કરવામાં માનવી કેટલી બધી સફળતા મેળવી શકે છે, એ વાત તો આજે વિજ્ઞાનની એકથી એક ચડી જાય એવી, અને ક્ષણભર તો આપણને ભારે અચંબામાં નાખી દે એવી અસંખ્ય શોધો ઉપરથી સહેજે સમજી શકાય એમ છે. જાણે એ એક એક શોધ માનવીની ભૌતિક સિદ્ધિને હસ્તગત કરવાની તાકાતની સાખ પૂરે છે. આ ભૌતિક સિદ્ધિઓ સરવાળે માનવજાતને સુખ-શાન્તિ આપવામાં કેટલે અંશે સફળ થાય છે, અને એ ભૌતિક સિદ્ધિઓ મેળવવાના પ્રમાણાતીત ઉત્સાહમાં કરવામાં આવતી, વિશ્વવ્યવસ્થાની આધારશિલારૂપ કુદરતનાં મૂળ તત્ત્વોની વધારે પડતી છેડતીનું પરિણામ છેવટે કેવું ખતરનાક આવશે, એ વળી બીજી વાત છે; અને અહીં એના ગુણદોષની વિચારણા ઉદ્દિષ્ટ નથી. અહીં તો માત્ર એટલું જ જાણવું બસ થઈ રહેશે કે માનવી પોતાની શક્તિના બળે ભારે જબરી ભૌતિક સિદ્ધિને મેળવી શકે છે, મેળવી શક્યો છે.
અને આધ્યાત્મિક સિદ્ધિનો વિચાર કરીએ તો અતિ પ્રાચીનમાં પ્રાચીન કાળથી લઈને તે છેક આપણા સમય સુધી જાણે એ માર્ગના પ્રવાસીઓની અખંડ કતાર જ લાગી ગઈ છે. કોઈક યુગમાં એ કડી ઉપર ભારે ભીડ જામી ગયેલી દેખાય છે, અને જનસમાજમાં એ માર્ગે કોણ વધુ આગળ વધે છે, એની જાણે હોડ થતી હોય એમ લાગે છે; તો વળી કોઈક યુગ એવો પણ આવે છે, જ્યારે એ કેડીના પ્રવાસીઓના જૂથમાં ઘટાડો થઈ જતો લાગે છે. આમ ભલે અધ્યાત્મમાર્ગના સાધકોની ક્યારેક ભારે ભીડ જામતી હોય અને ક્યારેક એ ભીડમાં કંઈક
ઓટનાં દર્શન થતાં હોય, છતાં એ માર્ગ અખલિત રીતે ચાલતો જ રહે છે એટલું એ તો ખરું જ.
તેમાંય ભારતવર્ષને તો ધર્મપ્રાણ દેશ લેખવામાં આવે છે, એટલે અહીં તો અજ્ઞાની, અલ્પજ્ઞાની કે અંધશ્રદ્ધાળુ લેખાતા સામાન્યમાં સામાન્ય જનસમૂહથી માંડીને તે જ્ઞાની, વિદ્વાન કે મહાજ્ઞાની લેખાતા જનસમૂહ સુધીનાં જુદાં જુદાં સ્તરોના માનવીઓ સુધી પણ કોઈ ને કોઈ પ્રકારે અધ્યાત્મમાર્ગનું અનુસરણ કરવાની તાલાવેલી જોવા મળે છે. બહુ વિગતોમાં કે બહુ ઝીણવટમાં ઊતર્યા વગર સામાન્ય અવલોકનને આધારે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે દુનિયાના બધા દેશોની પ્રજાઓમાં એક યા બીજે રૂપે આ તાલાવેલી રહેલી છે. ભલે પછી એની કક્ષા અને એના આકારમાં ફેર હોય; એના મૂળભૂત હેતુમાં પણ કદાચ ફેર હોય.
અલબત્ત, અધ્યાત્મમાર્ગના સાધકોની કક્ષામાં, દરેકની શક્તિ, વૃત્તિ અને સાધનાની ઉત્કટતાના તફાવતને કારણે, એકસરખાપણું ન જ રહે એ સ્વાભાવિક છે: કોઈની સાધના સામાન્ય કોટીની હોય, કોઈની મધ્યમ કોટીની અને કોઈની ઉચ્ચ કોટીની. ઇતિહાસકાળ પૂર્વેના અતિપ્રાચીન કાળ જેટલે ન જઈએ અને ઇતિહાસયુગનું જ અવલોકન કરીએ તો એમાં પણ એવી અનેક વ્યક્તિઓ સમયે સમયે થયેલી આપણને મળી જ આવે છે કે જેમણે પોતાની સાધનાનું તેલ પૂરીને આધ્યાત્મિક સાધનાની આ જ્યોતને સદા કાળ ઝળહળતી રાખી છે; અને સાથે સાથે પોતાના આત્માને પણ અજવાળ્યો છે.
એમાં અનેક ધર્મસ્થાપકો, ધર્મશાસ્ત્રોના રચયિતાઓ, મહાયોગીઓ, યોગીઓ અને સાધુસંતો જેવા અનેક નાના-મોટા સાધકોની એક અખંડ વણઝાર જાણે વણથંભી ચાલી જતી હોય અને માનવસમૂહોને જીવનવિકાસના એ માર્ગે આગળ વધવાની હાકલ કરતી હોય અને પ્રેરણા આપતી હોય એમ લાગે છે. એ હાકલને અને પ્રેરણાને હૈયામાં ઝીલીને એ અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓના કાફલામાં જોડાઈ જવું એ જ માનવજીવનનું ઉચ્ચમાં ઉચ્ચ ધ્યેય હોઈ શકે; માનવજીવનને ચરિતાર્થ કરવાનો ઉપાય પણ એ જ છે.
આ અધ્યાત્મનો માર્ગ એ જ ધર્મનો માર્ગ; એ માર્ગે જ માનવી સાચો માનવી બને અને પોતાના જીવનની