________________
જૈન યુગ
એપ્રિલ ૧૯૫૯
બીજો ભાગ, બને પોતપોતાની રીતે અતી. પહેલાને ચૈતન્યનું ભાન ભૂતોમાંથી ધટાવવાનું તો બીજાને ભૌતિકતા યા બાહ્યતાનું ભાન ચૈતન્ય યા જ્ઞાનશક્તિમાંથી ઘટાવવાનું; પહેલા અદ્વૈતમાં અવિદ્યાની કલ્પના કરવી ન પડતી; જ્યારે બીજા અતમાં અવિદ્યાનો આશ્રય અનિવાર્ય હતો. વિજ્ઞાનવાદી બૌદ્ધ હોય કે કેવલાદતવાદી વેદાન્તી હોય, બન્નેને ઈન્દ્રિયગમ્ય બાહ્ય સૃષ્ટિના અનુભવની ઉપપત્તિ એકમાત્ર અવિદ્યા, અજ્ઞાન યા માયાશક્તિનો આશ્રય લઈને જ કરવી પડતી. અને એ અવિદ્યા નામનું તત્વ પણ કોઈ સ્વતંત્ર ન મનાતાં એક ચિરકાલીન વાસનારૂપે તેમ જ ચેતનના એક પાસા લેખે કલ્પાયું.
આત્મદષ્ટિની પ્રયોગસિદ્ધતા ચેતનતત્ત્વને લગતી ભારતીય પરંપરાઓની માન્યતાઓનો આ તો અતિસંક્ષેપ થયો. પણ અત્રે જે મુખ્ય વક્તવ્ય છે તે એ છે કે ચેતનવાદી દરેક પરંપરાના પુરસ્કર્તાઓમાં થોડા પણ પ્રામાણિક સાધકો પહેલેથી આજ લગી એવા થતા આવ્યા છે, કે જેમણે પોતપોતાની પરંપરાની આત્મદષ્ટિ સ્વીકારીને તેની સત્યતાનો અનુભવ કરવા પ્રયોગો કર્યા છે. તેઓ માત્ર કલ્પનામાં વિહર્યા નથી, પણ તે તે આત્મદષ્ટિની યથાર્થતાનો અનુભવ કરવા બહુ મથ્યા પણ છે. એટલે ભારતીય આત્મદષ્ટિની પરંપરાઓને માત્ર કલ્પનામૂલક કહી અવગણી શકાય તેમ નથી, કેમ કે એ કલ્પનાઓ પ્રયોગની કસોટીએ કોઈ ને કોઈ રૂપે ચડી છે. એ પ્રયોગની કસોટી તે જ યોગવિદ્યાને નામે પ્રસિદ્ધ છે. યોગવિદ્યાનું મુખ્ય ધ્યેય જ પહેલેથી એ રહ્યું છે કે સાધક પોતાના ચૈતન્યનો અનુભવ કરે.
આવો અનુભવ કરવાની પ્રયોગશાળા એ કાંઈ ભૌતિક પ્રયોગશાળા જેવી નથી હોતી, કે જેમાં દૂરદર્શક અને સૂક્ષ્મદર્શક યંત્રોની પૂરી સગવડ તેમ જ ગણિત આદિ વિદ્યાઓને બળે જ માત્ર આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે. એની પ્રયોગશાળા એ સાવ નિરાળી રચના છે. આવા પ્રયોગમાં જેણે જેણે ઝંપલાવ્યું તેઓએ પ્રથમ તો પોતાના મનને સ્થિર કરવા, શરીરને સમતોલ બનાવવા અને ચિંતનશીલ મનને વિદનરૂપથતા લેશોને નિવારવાની યોજના કરી, અને તે દ્વારા આત્માનુભવનું એક શાસ્ત્ર ધીરે ધીરે ખીલવ્યું. જે જે પ્રામાણિક સાધકો થયા તે બધાની આત્મદષ્ટિ ભલે નોખી નોખી હોય, છતાં એના
અનુભવપ્રયોગોનાં મુખ્ય અને સ્થિર પરિણામો સરખાં જ આવેલાં નોંધાયાં છે. સાધનાની પદ્ધતિ અને તેનાં ભિન્નભિન્ન અંગો ઉપર ભાર આપવાની બાબતમાં તેઓ ભલે જુદા પડતા હોય, પણ એ સાધના પ્રયોગનાં અંતિમ પરિણામો તેમ જ વચગાળાની વિકાસમુખી યા શુદ્ધિલક્ષી અવસ્થાઓમાં બધાનો જ અનુભવ એકસરખો નોંધાયેલો છે. તે ઉપરથી એમ કહી શકાય કે ભારતીય ચિંતકો
અને સાધકોએ ભલે ભૌતિક વિશ્વની બાબતમાં કલ્પનાવિહાર કર્યો હોય, પણ જીવ, આત્મા યા ચેતનતત્વની બાબતમાં એમણે માત્ર કલ્પનામાં રમણ નથી કર્યું, પણ પોતપોતાની કલ્પના યા Hypothesisને અનુસરી એ અધ્યાત્મતત્વને અનુભવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ આજેય ભારત એક આધ્યાત્મિક દેશ તરીકે જાણીતો છે. એની આ ખ્યાતિમાં જે કાંઈ પણ સત્ય હોય તો તે આત્મદષ્ટિ ઉપર પ્રયોગ કે યોગ કરવો એ છે.
યોગની સાધના કરતાં કરતાં તેને ઉપયોગી થઈ શકે અને સામાજિક જીવનમાં પણ સહાયક થઈ શકે એવાં કેટલાંય શાસ્ત્રો ખીલ્યાં છે. માનસશાસ્ત્ર એ મનની શક્તિઓ અને મનનાં કાર્યોને લગતું શાસ્ત્ર છે. શરીરની અને પ્રાણવહનની ગતિ-વિધિને નિયમમાં રાખે એવું એક હઠયોગશાસ્ત્ર પણ અસ્તિત્વમાં આવ્યું છે. મનની અને ચેતન્યની ગૂઢ શક્તિઓ કઈ રીતે ખીલે, એનાં આવરણ કઈ રીતે દૂર થાય, એને દર્શાવતું શાસ્ત્ર પણુ રચાયું છે. આવાં શાસ્ત્રો પણ પરંપરાભેદે જુદાં જુદાં છે. પણ બધાંયનો સૂર એક જ છે તેથી તે યોગવિદ્યાને નામે, ધ્યાન કે સમાધિને નામે પ્રસિદ્ધ હોય છતાં એ છેવટે તો ચેતનના સ્વાનુભવની પ્રયોગવિદ્યા જ છે.
પરમાત્મતત્વ તત્ત્વજ્ઞાનનો ત્રીજો વિષય છે પરમાત્મતત્વ. આ તત્ત્વ વિશે પણ તત્ત્વજ્ઞાનમાં અનેક પરંપરાઓ પ્રવર્તે છે. કોઈ ઈશ્વરતત્વને જીવાત્માઓથી અને ભૌતિક તત્ત્વથી સાવ નિરાળું અને સ્વતંત્ર કલ્પ છે; તો બીજા અનેક એવા છે, જે પરમાત્મતત્વને બાહ્ય વિશ્વ અને ચેતનતત્વ એ બેથી સાવ નિરાળું ન માનતાં તેમાં એકરસ યા ઓતપ્રોત હોય તેવું માને છે. અથવા એમ કહો કે ભૂત અને આત્મા એ બને પરમાત્મતત્વના જ અંશો યા આવિભવો છે. કોઈ પરમાત્મતત્વને સ્વતંત્ર ન માનતાં તમામ જીવાત્માઓમાં શક્તિરૂપે વિદ્યમાન માને છે અને એ જ શક્તિ વિસતાં જીવાત્માઓ જ પરમાત્મા બની રહે છે.