________________
મા તા કે મા નુ ની ? શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
અમરતાનાં પાન કરીને કાળપ્રવાહમાં અવિચલ ઊભેલી એક પુરાતન છતાં નિત્યનૂતન કથા સાંભળીએ. વસંતઋતુના વાયરા વાયા, અને વેરાન ધરતી હસી ઊડી. પાનખરમાં હાડપિંજર બનેલો પલાશ કેસરિયા વાઘા સજીને કોડીલા વરરાજાની જેમ શોભી રહ્યો.
વેલે વેલે ફૂલો આવ્યાં. વૃક્ષે વૃક્ષે ફળ આવ્યાં. વનરાજી માનવીનાં મનને મસ્ત બનાવી રહી.
આંબો આમ્રમંજરીઓનાં તોરણ ધારણ કરીને વસંતનાં વધામણાં કરી રહ્યો.
મંજરીના સ્વાદે કોકિલના ગળાને મોકળું બનાવી દીધું. એના પંચમ સ્વરની જાણે આભમાં સરિતા રેલાવા લાગી.
વસંત આવે ને ધરતીના શણગાર જોઈ નેત્રો ધન્ય બની જાય. વસંત આવે ને કોમલના મધુર ટહુકારથી કાન કતકૃત્ય બની જાય. વસંત આવે ને માનવીના અંતરમાં વૌવનના અશ્વો થનગનવા લાગે.
તગરા નગરીના વ્યવહારિયા દત્ત શ્રેણી અને ભદ્રા શેઠાણીનાં અંતરમાં એક દિવસ આવા જ ભાવનાના અશ્વો દોડી રહ્યા.
પણ એ અશ્વો રંગ-રાગ, વૈભવ-વિલાસ કે ભોગ- શૃંગારના ન હતા; એમાં તો તપ, ત્યાગ અને સંયમનો વિલક્ષણ થનગનાટ જાગી ગયો હતો.
દુનિયાને તો એ થનગનાટ સાવ અજાણ્યો હતો, અનોખો હતો–અરે એને મન તો આવો થનગનાટ એ સાચો થનગનાટ જ ન હતો !
સુખ અને વૈભવભર્યું જીવન માણતાં દત્ત અને ભદ્રા હજી યૌવનનો માર્ગ વટાવી ન ગયાં ત્યાં તો ધમપદેશની અમર વસંતના અનોખા વાયરા એમનાં અંતરને સ્પર્શી ગયા.
એ વાયરાએ એમનાં અંતરમાં કંઈ કંઈ ફૂલો ખીલવી દીધાં. એ ફૂલો હતાં ત્યાગનાં, તપનાં, સંયમનાં, તિતિક્ષાનાં, વૈરાગ્યનાં.
અને એ ફૂલડાંની ફોરમે એમના અંતરમાં ધર્મમાર્ગના પ્રયાણના અશ્વોને થનગનાવી મૂક્યા.
પતિ-પત્ની વિચારતાં હતાં. આટઆટલાં સુખ વૈભવ માપ્યાં, છતાં મનને સંતોષ ન થયો; હવે પછી પણ, ગમે તેટલા વૈભવ-વિલાસ માણીશું, છતાં એને સંતોષ થશે, અને એ દિશામાંથી એ પોતાનું મુખ આનંદપૂર્વક ફેરવી લેશે, એની ખાતરી પણ ક્યાં છે? તો પછી પાતાળ કૂવા જેવા મનને ભરભર કરવાથી શો લાભ? સર્યું આ ભવવિલાસથી, અને સર્યું આ ધન-સંપત્તિથી!
એ સંપત્તિ કદી કોઈની થઈ નથી કે કોઈની સાથે ગઈ નથી! તો પછી એની પાછળ જ આખી જિંદગી શા માટે ખરચી દેવી ? કંઈક એવું કાર્ય ન કરવું કે જે આ જિંદગીના સંકેલાયા પછી પણ સાથે આવે ?
અને પતિ-પત્નીએ એક દિવસ સંસારને તજીને વૈરાગ્યના ચરણ સેવવાનો સંકલ્પ કર્યો.
પણ એ સંકલ્પને પાર પાડવામાં એક મોટો અંતરાય હતો. એમનો એકનો એક પુત્ર અહંજક હજી સા બાળ હતો.
કાળજાની કોર જેવા, આવા લાડકવાયા પુત્રને બાલ વયે તજવી કોણ માબાપ તૈયાર થાય? વાત્સલ્યનાં બંધનોને દૂર કરવાં એ સહેલું નથી.
આમ માતાપિતા ભારે વિમાસણમાં પડી ગયાં, એક બાજુ વૈરાગ્યનો સાદ ગાજી રહ્યો હતો; બીજી બાજુ વાત્સલ્યનો નાદ ઘોરી રહ્યો હતો. અને વૈરાગ્ય અને વાત્સલ્ય પતિ-પત્નીના અંતરમાં ભારે મનોમંથન જગવી રહ્યાં હતાં.
એમાંય ભદ્રા માતાની સ્થિતિ તો કથી કથાય એવી ન હતી. એને થતું: આવા ફૂલ જેવા બાળકને કોને ભરોસે તજી દેવો ? આટઆટલી સંપત્તિ કોને સોંપવી? અને સંપત્તિની લાલચે એનું જતન કરવાનું વચન આપનાર પણ છેવટે છેતરી નહીં બેસે એની શી ખાતરી?
૧૭