________________
જેન યુગ
નવેમ્બર ૧૯૫૮
જેને સંસ્કૃતિનો સામાન્ય જનસમૂહને પરિચય કરાવે એવું લોકપ્રિય માસિક બને અને એ હેતુ લક્ષ્યમાં રાખી અમે ગયા વર્ષ દરમ્યાન યથાશક્ય સામગ્રી રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.
અમારો આ પ્રયત્ન કેટલો અલ્પ અને અધુરો છે, અને આપણે જે આદર્શ કાર્ય કરવા ધારીએ છીએ તે કેટલું મોટું અને મુશ્કેલ છે એ ખ્યાલ બહાર નથી. પરંતુ અમારી શક્તિ, મર્યાદા અને સાધન-સામગ્રીનો વિચાર કરતાં અમારાથી બની શક્યું તેટલે અંશે અમે એ દિશામાં પ્રયાણ શરૂ કર્યું છે.
કોઈ પણ સામયિકની જીવાદોરી છે એનો ગ્રાહકવર્ગ. ગ્રાહકો એની આર્થિક ચિંતાને દૂર કરીને એને ચિરંજીવી અને ચિત્તાકર્ષક બનાવવાની બધી અનુકૂળતા કરી આપે છે. અને કોઈ પણ સામયિકની આંતરિક સમદ્ધિ છે એનો લેખકવર્ગ. લેખકવર્ગ જેટલો સમદ્ધ અને વિવિધતાલક્ષી તેટલું જ તે સામયિક વધારે સમૃદ્ધ બનીને
જનતાની સમક્ષ રસપૂર્ણ સામગ્રી રજૂ કરી શકવાનું.
અમારે અહીં કબૂલ કરવું જોઈએ કે “જૈનયુગ” અત્યારે તો ગ્રાહકવર્ગ અને લેખકવર્ગ, એ બન્ને દૃષ્ટિએ જોઈએ તેટલું સબળ નથી. આ દિશામાં અમારા પ્રયાસો તો ચાલુ જ છે, પણ એ પ્રયાસોને સફળ બનાવવા એ શ્રીસંઘના અને વિદ્વાનોના હાથની વાત છે.
બીજા વર્ષના આરંભ સમયે સમાજના સજજનો અને વિદ્વાનો પાસેથી અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે “જેનયુગ” આર્થિક રીતે નચિંત બને એટલી એની ગ્રાહસંખ્યા થાય; અને
જૈનયુગ” અમારી ઉમેદપ્રમાણે વિવિધ પ્રકારની રસપૂર્ણ વાચન તેમજ ચિત્રકલા સામગ્રી પીરસી શકે એવું સમૃદ્ધ માસિક બને.
“જૈનયુગ'ને એક ઉચ્ચ કોટિનું સામયિક બનાવવાના અમારા મનોરથોને સફળ બનાવવામાં અમને સૌનો સક્રિય સાથ અને સહકાર પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના!