________________
जैन युग
વર્ષ ૨
૧ નવેમ્બર ૧૯૫૮
અંક ૧
અર્થ-સાગરમાં જેમ મારી
उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः।
न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ અર્થ–સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ હે નાથ ! તારામાં સર્વ દષ્ટિઓ સમાય છે. પણ જેમ પૃથક્ પૃથક્ સરિતાઓમાં સાગર નથી દેખાતો તેમ પૃથક્ પૃથફ દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી.
-श्री सिद्धसेन दिवाकर
દ્વિતીય વર્ષની ઉષાએ
જેન યુગનું પુનઃ પ્રકાશન શરૂ કર્યાને છેલ્લા
આ અંકે એક વર્ષ પૂરું થયું, અને આ અંકથી એના બીજા વર્ષનો પ્રારંભ થાય છે. તે પ્રસંગે આ માસિકને માટે જે જે મહાનુભાવોએ લેખ કે ચિત્ર-સામગ્રી મોકલીને અમને સક્રિય સહાય અને સહકાર આપ્યો છે તેમનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; સાથે સાથે આ પત્રના ગ્રાહક મિત્રો, શુભેચ્છકો અને જાહેર ખબર આપનાર બંધુઓ પ્રત્યે પણ અમારી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
જૈન ધર્મનાં વિવિધ અંગો—જેવાં કે ધર્મ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, ઇતિહાસ, કળા, સાહિત્ય વગેરે–નો વ્યાપક, તલસ્પર્શી, તુલનાત્મક અને ઐતિહાસિક પરિચય આપી શકે એવા સામયિકની ખામી સૌ કોઈને લાગ્યા જ કરે છે. આ કાર્ય જેટલું શ્રમસાધ્ય અને ખર્ચાળ છે, એટલું જ એ ઉપયોગી અને મહત્વનું છે.
એક રીતે વિચાર કરીએ તો પુસ્તકોના પ્રકાર કરતાં સામયિકનો પ્રકાર જુદો જ પડે છે. બન્ને છે તો અમુક પ્રકારનાં લખાણો દ્વારા અમુક પ્રકારની માહિતી પૂરી પાડનારાં સાહિત્યિક સાધનો; છતાં બન્નેની રૂપરેખા અને પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર રહેલો છે.
અત્યારના સમયમાં ઈતિહાસ, તત્વજ્ઞાન, કળા, સાહિત્ય કે ધર્મસંસ્કૃતિ જેવા વિષયોનું કેવળ આંતર પ્રાંતીય, આંતર જાતીય કે આંતર ધાર્મિક ધોરણે જ નહીં,
પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણે પણ જે ખેડાણ થઈ રહ્યું છે તેને લઈને નવી નવી બાબતો પ્રકાશમાં આવવા લાગી છે. જે બાબતો એક કાળે ગૂઢ કે કોયડારૂપ લાગતી હતી તે આજે સ્પષ્ટ અને નિશ્ચિત રીતે પ્રગટ થવા લાગી છે, અને જે અર્થ કે જે ઉકેલો આપણે પહેલાં નક્કી માની લીધાં હતા એમાં પણ ફેરફાર કે પરિમાર્જન કરવું જરૂરી થઈ પડયું છે. આ સ્થિતિમાં કોઈ પણ અણખેડાયેલા કે અર્ધખેડાયેલા વિષય સંબંધી ગ્રંથ તૈયાર કરવામાં આવે તે પહેલાં એ વિષયને લગતી બાબતો અંગે ચર્ચાવિચારણા કરવામાં આવે એ બહુ જરૂરી છે. આ દૃષ્ટિએ વિચારતાં વિવિધ વિષયોને લગતી લેખનસામગ્રીથી સમૃદ્ધ એવાં સામયિકો (અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, દ્વિમાસિકો, ત્રિમાસિકો કે અર્ધવાર્ષિકો) આ કાર્ય બહુ જ સારી રીતે કરી શકે, એમાં શક નથી.
મતલબ કે કોઈ પણ વિષયનું પુસ્તક તૈયાર કરવામાં, તે વિષયને લગતી વિવિધ માહિતી તેમજ એ વિષયને લગતા વિચારણીય મુદ્દાઓ રજૂ કરતાં સામયિકો એ પુસ્તકને વિશેષ આધારભૂત, વિશેષ આદરણીય અને વિશેષ માહિતી પૂર્ણ બનાવવામાં બહુ અગત્યનો ફાળો આપી શકે. કદાચ એમ કહી શકાય કે પુસ્તક તૈયાર કરવાની કાચી સામગ્રી વિપુલ પ્રમાણમાં આવાં સામયિકો પણ પૂરી પાડી શકે. આ દષ્ટિએ વિચારતાં આપણી પાસે એક ઉચ્ચકોટિનું સામયિક હોય એ ખાસ જરૂરનું છે.