________________
જૈન યુગ
૧૮
નવેમ્બર ૧૯૫૮
રાહ જોઈ રહ્યું હતું; ભગવાનના દર્શન માટે ઝંખી રહ્યું હતું. એ મધુરી આશામાં ને આશામાં દિવસો વીતતા જતા હતા.
અને એક દિવસ એ આશાના છોડને સફળતાનાં પુષ્પો ખીલી ઊડ્યાં. રાજકાજમાં ગૂંથાયેલા રાજવીને એક દિવસ વનપાલે વધામણી આપીઃ “સ્વામી ! આપના રાજ્યમાં દશાર્ણટિ ગિરિ ઉપર શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા છે.”
રાજાનું અંતર આનંદથી નાચી ઉઠયું. એ ત્યાં રહ્યા રહ્યા ભગવાનને ભાવપૂર્વક વંદી રહ્યા. એમને લાગ્યું કે આજે તો મારે માગ્યા મેહ વરસ્યા! ભગવાન મહાવીર ત્યારે ચંપાનગરીથી વિહાર કરીને દશાર્ણદેશમાં પધાર્યા હતા.
રાજા દશાર્ણભદ્ર વિચારે છેઃ “જીવનના આ મહધન્ય અવસરે હું શું કરું ? સ્વામી તો ત્રિલોકના નાથ છે. એમનું સ્વાગત હું શી શી રીતે કરું ?”
રાજાના અંતરમાં ભક્તિનાં પૂર ઊમટયાં છે. એ પૂર ખાવ્યાં ખાળી શકાય એમ નથી. એ રાજમંત્રીને અને રાજકર્મચારીઓને સત્વર બોલાવે છે. એને થાય છે કે આવા પરમ આનંદના અવસરે આખી નગરી આનંદમાં તરબોળ બને તો કેવું સારું ? અને એ નિશ્ચય કરે છે ? “મારા રાજ્યની સર્વ પ્રજા અને શોભા સાથે હું આવતી કાલે પ્રાતઃકાળે ભગવાનને વંદના કરવા જઈશ.”
રાજાએ મંત્રીઓને સૂચના આપી : “મંત્રી રાજ, જેજે; પ્રભુના સ્વાગતમાં કશી વાતની ઊણપ, કશી વાતની ખામી કે કશી વાતની ખોડ ન રહે. આજે આવ્યો છે એવો અવસર વારેવારે આવતો નથી આજ તો આપણી જાતને અને આપણી સર્વ સંપત્તિને ધન્ય બનાવવાની ઘડી મળી છે. એટલે આપણુ રાજયની અને પ્રજાની સર્વ શોભા ત્યાં હાજર થાય અને આપણે એ મહાપ્રભુનું એવું સ્વાગત કરીએ કે એના મધુર સ્મરણોમાં આપણાં અંતર ચિરકાળ સુધી આનંદ અનુભવ્યા કરે. ભારે આનંદનો આ અવસર છે! ભારે આનંદથી એ ઊજવવાનો છે. સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહે એટલે આપણે કૃતાર્થ થયા.”
સૂર્યાસ્ત થયો અને આડી માત્ર રાત જ રહી. પણ અંતરની ઉત્સુકતા અને આનંદની હેલીમાં એ રાત જાણે અમાપ બની ગઈ! આનંદમગ્ન રાજાજીનું અંતર તો માત્ર એક જ ચિંતવન કરી રહ્યું છે: “ક્યારે પ્રાતઃકાળ
થાય અને ક્યારે સર્વ શોભા અને આઇબર સાથે હું પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થાઉં!”
રાત પણ વીતી ગઈ. પ્રભુદર્શને જવાનો મહોત્સવ સજજ થઈ ગયો છે. રાજ્યની તમામ સામગ્રી એમાં હાજર થઈ ગઈ છે. ગજદળ, હયદળ, રથદળ અને પાયદળ એ ચતુરંગી સેના ભારે ભભકભર્યો સાજ સજીને ત્યાં ખડી છે. રાજમંત્રીઓ, નગરશ્રેણીઓ, રાજરાણીઓ, નગરવધૂઓ અને પ્રજાજનો વૈભવશાળી વેષભૂષા સજીને આવી પહોંચ્યાં છે. જાણે ધરતીએ સ્વર્ગની શોભા ધારણ કરી છે! રાજમાર્ગો અબિલ-ગુલાલ અને પુષ્પોના પુજેથી મઘમઘી ઊઠ્યા છે. ગગનમંડળ ધજાપતાકા અને તોરણોથી દેદીપ્યમાન બની ગયું છે. વાજિંત્રોના મધુર નિનાદો ચારેકોર રેલાઈ રહ્યા છે.
મહોત્સવના પ્રયાણની ઘડી આવી ચૂકી અને બહુમૂલા અલંકારથી શોભાયમાન રાજહસ્તિ ઉપર આરૂઢ થઈને રાજા દશાર્ણભદ્ર આવી પહોંચ્યો. દેવોનેય દુર્લભ એવું એ દૃશ્ય હતું. જાણે કોઈ ચક્રવર્તી કે દેવરાજ ઇંદ્ર પોતે પોતાના સર્વ આઇબર સાથે વનક્રીડાએ સંચરતા હોય એવું ભવ્ય એ દશ્ય હતું!
આનંદની એક કિકિયારી કરીને રાજહસ્તિઓ પગ ઉપાડ્યો; અને જાણે આખા સમારંભમાં એક જ આત્મા હોય એમ આખી માનવમેદની તાલબદ્ધ રીતે આગળ વધવા લાગી. ડગલે ડગલે રાજા દશાર્ણભદ્રના આનંદમાં ભરતી આવવા લાગી એ મનમાં ઉચ્ચરે છેઃ “પ્રભુ, આજ હું કૃતકૃત્ય થયો; ધન્ય થયો !”
અને એ સ્વાગત મહોત્સવ આગળ ને આગળ વધવા લાગે છે. મહોત્સવનું આવું મનોહર, આવું વૈભવશાળી અને આવું દેદીપ્યમાન સ્વરૂપ નિહાળીને રાજાનો આનંદ અતિઆનંદમાં પરિણમતો જાય છે. અને એ આનંદના અતિરેકમાં ખુમારીથી વિચારે છે : “ભલા, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું આવું ભવ્ય અને દિવ્ય સ્વાગત કોઈએ કર્યું હશે ખરું? પ્રભુના ભક્ત તે મોટા મોટા રાજાઓ છે, પણ કોઈએ આવું સ્વાગત કર્યું હોય એ જાણ્યું નથી. ખરેખર, મેં આજ અદ્ભુત કામ કર્યું !”
જાણે કુંદન ઉપર કધિરનો ઢોળ ચડતો હોય એમ રાજાજીના આનંદ ઉપર ગર્વનો આછોપાતળો રંગ ચડવા લાગ્યો. એમને પોતાને જ પોતાની ભક્તિની અપૂર્વતા ભાસવા લાગી !