________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરાજ્ય-સંગ્રામ પત્રિકા : આઝાદીના ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન
ચૌધરી દિલીપકુમાર સી.*
કોઈપણ દેશની આઝાદીની લડતમાં સફળતા મેળવવા માટે લોકજાગૃતિ એક મહત્ત્વનું પરિબળ હોય છે. આપણા દેશમાં પણ આઝાદીની વિભિન્ન લડતો દરમ્યાન લોકજાગૃતિ કેળવવા માટે વિવિધ ઉપાયો યોજવામાં આવેલા જોવા મળે છે. સભા સરઘસો અને પ્રભાતફેરીનું આયોજન, લોકસંપર્ક, દૈનિકો સામયિકો કે પુસ્તકોનું પ્રકાશન, તેમજ પત્રિકા-પ્રવૃત્તિ દ્વારા આપણે ત્યાં લોકજાગૃતિ કેળવવામાં આવતી હતી. આઝાદીની લડતો જ્યારે અંગ્રેજ સરકારના નિયંત્રણમાં ન રહેતી ત્યારે તે સ્વાભાવિક રીતે જ દમનનો કોરડો વીંઝતી. સભા સરઘસ પર પ્રતિબંધ, સંવેદનશીલ સાહિત્યની જપ્તી, તેમજ વાંધાજનક સંસ્થાઓ પર પ્રતિબંધ લાદવામાં આવતો. આવા સંજોગોમાં લોકસંપર્ક માટે, લોકજાગૃતિ માટે, તેમજ લડતના પ્રચાર-પ્રસાર માટે પ્રજાને ભૂગર્ભમાં રહી પત્રિકાપ્રવૃત્તિ ચલાવવી પડતી હતી. આમ સરકારે લડતને પ્રોત્સાહન આપતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હોય ત્યારે આવી ભૂગર્ભ પત્રિકા-પ્રવૃત્તિ ઘણી મહત્ત્વની પ્રવૃત્તિ બની રહેતી.
પત્રિકા-પ્રવૃત્તિ :
સરકારી પ્રતિબંધને કારણે લડતના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા સારુ, લોકોને સમયે સમયે લડતની વાકેફ કરવા સારું, લડતના આયોજન અને કાર્યક્રમની લોકોને જાણ કરવા સારુ, લડત પ્રત્યે લોકોનો ઉત્સાહ ટકાવી રાખવા સારુ, તેમજ લોકોને લડત પ્રત્યે જાગૃત કરવા સારુ, પત્રિકાનું પ્રકાશન થતું.
આઝાદીની લડતો દરમ્યાન ગુજરાતમાં પણ વિભિન્ન પત્રિકાઓ બહાર પડેલી જોવા મળે છે, જેમાં ‘સ્વરાજ સંગ્રામ પત્રિકા’, ‘ભારત સંગ્રામ પત્રિકા’, ‘ગુજરાત સત્યાગ્રહ સમાચાર પત્રિકા', ‘બારડોલી સત્યાગ્રહ પત્રિકા’, ‘ખેડા સત્યાગ્રહ પત્રિકા’, ‘બોરસદ સત્યાગ્રહ પત્રિકા, ‘માતર સત્યાગ્રહ પત્રિકા’, ‘ધર્મયુદ્ધ’, ‘પ્રજામત’, ‘ધોલેરા સત્યાગ્રહ પત્રિકા’, ‘કૅ ંગ્રેસ પત્રિકા’, ‘ચિનગારી’, ‘તણખા', ‘વિદ્યાર્થી પત્રિકા', ‘ઇન્કિલાબ’, ‘નરહરિભાઈની પત્રિકા’, ‘સોસાયટી સમાચાર પત્રિકા’, ‘આઝાદ ફોજ', ‘રાજદ્રોહ', ‘સાબરકાંઠા સમાચાર', ‘પડધમ’, ‘મહીકાંઠા’, ‘મ્યુનિસિપલ સમાચાર પત્રિકા', ઇત્યાદિ પત્રિકાઓનો સમાવેશ થાય છે. ગુજરાતની વિભિન્ન સ્વાતંત્ર્ય લડતો અંગે ઘણી મહત્ત્વપૂર્ણ વિગતો આ પત્રિકાઓમાં પડેલી જોવા મળે છે. આમ ભૂગર્ભ પત્રિકાઓ આપણા આઝાદીના ઇતિહાસનું આલેખન કરવા માટે એક મહત્ત્વનું સાધન બની રહે છે. નવી દિલ્હીમાં આવેલા આપણા રાષ્ટ્રીય અભિલેખાગારમાં, બૉમ્બે આર્કાઇવ્ઝમાં તેમજ ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતાની વિભિન્ન કચેરીઓમાં વી-ઓછી સંખ્યામાં "આવી ભૂગર્ભ પત્રિકાઓ સંગૃહીત થયેલી છે. ગુજરાત વિદ્યાપીઠના દફતર સંરક્ષણ એકમમાં આશરે ૨૦૦૦ જેટલી ભૂગર્ભ પત્રિકાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિભિન્ન કારણોસર આપણે આ પત્રિકા-સાહિત્યને બચાવી શક્યા નથી, ત્યારે જે કંઈ પત્રિકાઓ આજે વેરવિખેર હાલતમાં ગુજરાતમાં પડેલી છે તે આવી સંસ્થાઓમાં સંગ્રહિત થઈ સંશોધકોને ઉપયોગી થાય તે અત્યંત જરૂરી છે.
પત્રિકા માટેના સમાચાર કાર્યકરો દ્વારા, અખબારોની કચેરીઓ મારફતે અથવા અવર-જવર કરતા સંદેશવાહકો દ્વારા મેળવવામાં આવતા. પત્રિકાઓ લખવાની માહિતી મેળવવાની, છાપકામ કરવાની, તેનું વિતરણ કરવાની કામગીરી જે તે વ્યક્તિને સોંપી દેવામાં આવતી. છાપકામનાં યંત્રો જુદા જુદા ઠેકાણે રાખી રાત્રીના સમયે છાપકામ કરવામાં આવતું. યુવકો અને યુવતીઓ વહેલી સવારે તેને વહેંચી દેતાં આ બધી પ્રવૃત્તિઓ સરકારની ઇચ્છા વિરુદ્ધ થતી હોવાથી તેમાં ગુપ્તતા જાળવવી અત્યંત જરૂરી હતું અને તેથી જ તે ખૂબ જોખમી પ્રવૃત્તિ હતી.
*
અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૨૫
For Private and Personal Use Only