________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં એક ઢાળની પોળ આવેલી છે. આ પોળમાં પેસતાં જ ચઢાણવાળો ઢોળાવ ઘણો ઊંચો છે તેથી તેનું નામ ઢાળની પોળ પડ્યું છે. આકાશેઠ કરીને એક શાહુકારે એક સ્થળે કૂવો કરાવેલો. આથી એ પોળનું નામ પડ્યું આકાશેઠના કૂવાની પોળ, આમ જુદી જુદી પોળનાં નામ એ પોળમાં રહેતી જાણીતી વ્યક્તિ અથવા જાતિના સમૂહ કે એકસરખા વ્યવસાયને કારણે તેને લગતા નામોથી પોળો ઓળખાતી હતી. કેટલીક પોળો એ પોળની વિશેષતાને કારણે એ નામથી ઓળખાતી. દા.ત. ખિજડાની પોળમાં ખિજડાનું ઝાડ હતું એથી તે પોળ ખિજડાની પોળ તરીકે ઓળખાઈ. કાલુપુર જવાના રસ્તે લુહારોનો વસવાટ હતો અને ત્યાં લુહારોની ભઠ્ઠી આવેલી હતી એટલે તે ભઠ્ઠીની પોળ તરીકે ઓળખાય છે. અમદાવાદના રતનપોળ પાસે ઝવેરીઓની વસ્તી ઘણી મોટી હતી. અહીં અનેક જૈન મંદિરો છે. આ વિસ્તાર ઝવેરીવાડ તરીકે ઓળખાયો.
બાદશાહી સમયમાં શહેરની મધ્યમાં ટંકશાળ આવેલી હતી. આથી ત્યાંના વસવાટનું નામ પડ્યું ટંકશાળ પોળ. સારંગપુર દરવાજા ખાતે જતાં ડાબે હાથે સરવટનો વ્યવસાય કરતા મુસલમાનો વસવાટ કરતાં હતાં આથી આ વિસ્તાર સરખીવાડ તરીકે ઓળખાયો.
ગુજરાતમાં સલ્તનત અને મુઘલકાલ દરમિયાન પોળો સામાન્યપણે ઘણી પહોળી હતી. પરંતુ મરાઠાકાલમાં સ્વાર્થી સત્તાધારીઓએ નાની મોટી રકમ લઈને રસ્તાઓ સુધી લોકોનાં મકાનો આગળ કરવા દીધાં તો ક્યાંક ઓટલાઓ બહાર ખેંચવામાં આવ્યા. આથી પોળો નાની અને સાંકડી થઈ. પ્રાચીનકાળમાં બહારનાં આક્રમણો સામે પોળો ઘણી સલામત હતી. ભાઈચારો અને એકતાનું વાતાવરણ પોળના માહોલમાં વિશેષ જોવા મળે છે. એકબીજાના સુખદુઃખમાં અહીં ભાગીદારી અને સંપ વિશેષ જોવા મળે છે કારણ મકાનો અડોઅડ હતાં. વાટકી વ્યવહારમાં કે સારા-માઠાં પ્રસંગોએ સૌ એકબીજાની પડખે ઊભા રહેતા તેનું કારણ પોળનું વાતાવરણ હતું. સંપ અને એકતાનું પ્રતીક એટલે પોળ.
ભારતની સામાજિક વ્યવસ્થામાં ધાર્મિક ઉત્સવોનું વિશેષ પ્રાધાન્ય રહ્યું છે. કોઈ પણ ધાર્મિક ઉત્સવ પોળના વાતાવરણમાં સહિયારી જવાબદારી બની જાય છે. નાના-મોટા સૌ સાથે મળીને ધાર્મિક ઉત્સવો ઉજવે છે. પોળનો કોઈ પણ પ્રસંગ એ સહુની સહિયારી જવાબદારી બની જતો. પછી એ કોઈ એક પરિવારનો લગ્ન પ્રસંગ હોય કે મરણની ઘટના હોય. બધા એકબીજાની પડખે રહી કોઈ પણ પ્રશ્નનો નિકાલ લાવતા. પોળ આ રીતે આપણા સામાજિક ઉત્સવની સહિયારી જવાબદારીનું પ્રતીક છે.
બાદશાહી શહેરની પોળો g ૬૩
For Private and Personal Use Only