SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદેશમાં ઘૂમેલા. એ અરસામાં વલ્લભવિદ્યાનગર આકાર લઈ રહ્યું હતું. શ્રી પંડ્યા ત્યાં ઇન્સ્ટિટયૂટ ઓવ આર્કિયોલોજીના ડિરેક્ટર તરીકે નિમાયા. જે વિદ્યાનગરમાં કલા-પુરાતતત્ત્વનું સંગ્રહ સ્થાન ઊભું કર્યું. ૧૯૬૦માં આ સંગ્રહસ્થાન અને પુરાતત્વ વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીનો એક વિભાગ બનતાં તેઓ તેના વડા બન્યા. ૧૯૬૯માં નિવૃત્ત થયા પછી એમણે વિદ્યાનગરમાં જ નિવાસ રાખેલો. ત્યાં રહીને એમણે ખેડા જિલ્લો અને આસપાસના પ્રદેશોમાંથી મધ્ય ગુજરાતના ઇતિહાસની ઘણી ઉપયોગી માહિતી એકઠી કરી હતી. ખંભાત નજીક નગરા ગામેથી એમણે શોધેલ પૂરા કદની બ્રહ્માની આરસ-પ્રતિમા ચારુતર વિદ્યામંડળનું પ્રતીક બની ગઇ. “ભૂતકાળની શોધમાં', “ગુજરાતની પ્રાચીન નગરીઓ” તથા “જળ પ્રલય પૂર્વેનું ગુજરાત' એ એમની લેખમાળાઓ સારી લોકપ્રિય બની હતી. આ ઉપરાંત પાટણના સહસ્ત્રલિંગ તળાવ, નર્મદા ખીણમાં પાષાણયુગના આદિમાનવના વસવાટ, માહિષ્મતી(મહેશ્વર)માં સિંધુ સંસ્કૃતિની સમકાલીન એવી તામ્રયુગીન નગર સંસ્કૃતિના અવશેષોની શોધ તથા તેના અનુસંધાને નમાવર, નાગદા અને પ્રકાશાની આર્યસંસ્કૃતિની પ્રાચીન નગરીઓની દિકલ્ય તામ્રપાષાણ સંસ્કૃતિની શોધ એ એમનાં નોંધનીય સંશોધનો હતાં. લાટ પ્રદેશના મધ્યકાલીન કેટલાક રાજયવંશોના શિલાલેખો, સાતપુડા પર્વતમાંની ડુમખળ નગરીના અવશેષો, કડિયાડુંગરની ગુફાઓ, જયસિંહ સિદ્ધરાજના સિક્કાઓ, પંજાબમાં હસ્તિનાપુરના અવશેષો, અયોધ્યાના પ્રાચીન ટીંબાઓ, વૈદિક સરસ્વતીના પ્રવાહ માર્ગની શોધ તથા એ વિસ્તારની સંસ્કૃતિ અંગે સંશોધન, પ્રાચીન કાયાવરોહણ અંગેના એમના સંશોધનો નોંધપાત્ર છે. ભારતભરની પુરાતત્ત્વ પરિષદો, ઇતિહાસ પરિષદો, શિબિરો વગેરેમાં તેઓ ભાગ લેતા. ભારતીય ઇતિહાસ-સંશોધનમાં એમણે વિવિધ જ્ઞાન-શાખાઓનો સમન્વય સાધેલો. એમણે આર્થિક અને સામાજિક ઈતિહાસ પણ સાંકળી બતાવ્યો. સંત પ્રાણનાથ, જત જસવંત જેવા મધ્યકાલીન કવિઓને તેઓ પ્રકાશમાં લાવેલા. ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂસ્તર, ભૂગોળ, ખનિજો , ઉદ્યોગો વગેરે પર અસંખ્ય લેખો લખીને એમણે ગુજરાતની અસ્મિતાનો પરિચય કરાવેલો. ૧૯૫૧થી મુંબઈ રાજયના, ને ગુજરાત રાજય રચાતાં એના પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના તેઓ છેક સુધી સભ્ય રહ્યા હતા. આમ પુરાતત્ત્વ અને ઇતિહાસ તથા એને સંલગ્ન વિષયો માટે એમણે કૅલેજની કોઈ ડિગ્રી નહોતી મેળવી, છતાં પ્રબળ પુરુષાર્થ ખેડીને જે આગવું ને વિસ્તૃત કાર્ય કરી બતાવ્યું હતું એનું મહત્ત્વ ડૉ. સાંકળિયાથી માંડી શ્રી શંભુપ્રસાદ દેસાઈ સુધીના એ ક્ષેત્રના અનેક નામી વિદ્વાનોએ આપેલી અંજલિઓ પરથી સમજી શકાય છે. પોતાની રીતે જ જીવન જીવવામાં અને સમજવામાં તેઓ માનતા. જીવનના અનેક કડવા મીઠા અનુભવો અને ઈતિહાસના અભ્યાસમાંથી એમણે “ઇતિહાસનું તત્ત્વજ્ઞાન” વિકસાવેલું. પોતાના રસના વિષયમાં આપબળે ઊંડા ઊતરી, આગવાં સંશોધનો કરી એમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો અને સંખ્યાબંધ લેખો દ્વારા પુરાતત્ત્વના ક્ષેત્રે વ્યાપક કામગીરી બતાવવાનું એક પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. પ્રબળ જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાયેલી એમની નિરીક્ષા અને પરીક્ષાથી ચકાસાયેલું બહુવિધ જ્ઞાન પુરાતત્ત્વ, ભૂસ્તર, ઇતિહાસ, ભૂગોળ, પુરાલિપિશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, લોકજીવનની ખાસિયતો અને લાક્ષણિકતાઓ વગેરે અનેક દિશામાં વ્યાપ્ત હતું. જે કઈ એમણે જોયું જાણ્યું એ બધું એમણે લેખન દ્વારા રજૂ કર્યું. એકલે પંડે એમણે ગુજરાતને લગતો જે માહિતીબંડાર સંચિત કરેલો એવો ભાગ્યે જ કોઈએ કર્યો છે. આપ કર્મે વિકસેલી આવી બહુમુખી અને પ્રેરક પ્રતિભા ગણીગાંઠી જ હોય છે. શ્રી પંડ્યા એક એવા પ્રતિભાવંત હતા. ગુજરાતનું આગવું વ્યક્તિત્વ નિર્દેશીને મુંબઈ રાજયથી અલગ તેનું સ્વતંત્ર રાજય બનવામાં એમણે જે ફાળો આપ્યો છે એ તો ગુજરાત કદી ભૂલી ન શકે. ૧૮ જુલાઈ, ૧૯૭૫ના રોજ શ્રી અમૃતવસંત પંડ્યાનું અવસાન થવાથી ગુજરાત એક બહુમુખી પ્રતિભા ગુમાવી. પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ - ૫૭ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy