________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રો.કોમિસારિતે પોતાના બધા ગ્રંથોમાં રાજકીય ઇતિહાસ ઉપર વધુ ઝોક આપ્યો છે એવા તેમના વલણથી તેઓ સભાન છે એવું સ્પષ્ટ થાય છે. તેમણે પોતે જ સ્વીકારેલું છે. કોઈપણ ઇતિહાસનો અભ્યાસ જે તે સમયમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ અને સિદ્ધિઓના સર્વેક્ષણ વગર સંપૂર્ણ બનતો નથી. પરંતુ તેઓ એક સ્પષ્ટતા કદાચ તેમના સંભવિત ટીકાકારો માટે એવી કરે છે કે ભારત જેવા દેશમાં જયાં સાધનસામગ્રીનો અભાવ હોય અને અભ્યાસમાં અવરોધો અને મર્યાદાઓ લદાઈ હોય તેવા સંજોગોમાં સારું ઇતિહાસલેખન કેવું થઈ શકે ? અને કેવી રીતે થઈ શકે ? અલબત્ત, લેખકે ગુજરાતના સંબંધકર્તા સમયની પુરાવશેષીય સામગ્રી મહત્ત્વની ગણીને તેનો પૂરતો સમાવેશ તેમના લેખનમાં કર્યો છે એ નોંધવું જોઈએ.
પ્રો.કોમિસારિત એક જગ્યાએ તુલનાત્મક દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. ઈ.સ.ની ૧૩મી સદીના અંતે દિલ્હી સલ્તનતે ગુજરાતના રજપૂત રાજયને જીતી લઈ તેનું સલ્તનત સાથે જોડાણ કર્યું અને અકબરે ઈ.સ. ૧૫૭૨-૭૩માં બે ચઢાઈ કર્યા બાદ ગુજરાત જીતી લઈ મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતનું જોડાણ કર્યું. તેની સરખામણી મરાઠાઓએ ગુજરાતમાં પોતાની સત્તા ફેલાવી અને જે કાંઈ ગુજરાતમાં પ્રાપ્ત કર્યું તેનું સ્વરૂપ જુદું હતું. લગભગ ચાલીસ વર્ષ
- ૧૭૧૯ થી ૧૭૫૮) મરાઠાઓની ઉત્તરોતર ચડિયાતા સ્વરૂપની વધતી ગયેલી ઘસણખોરી, જેમાં તેમણે લોકો પર લાદેલા ખંડણી હક્કો અને તેમની પાસેથી ચોથ તથા સરદેશમુખી માટે ધાકધમકીથી નાણાં કઢાવવા (Blackmail) અપનાવેલી પ્રકિયા છેવટે તેમની રાજકીય સર્વોપરિતા સ્થાપવામાં પરિણમી. આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે.
ઔરંગઝેબના અવસાન પછી ગુજરાતમાં મુઘલ સત્તાનો અસ્ત થયો તેની વિસ્તૃત માહિતી અથવા નોંધ અપ્રાપ્ય હોવાથી, તે માટેનો મુખ્ય ફારસી આધાર સ્ત્રોત ‘મિરાતે અહમદી' છે. તેમાં લગભગ અડધા ભાગમાં ચાલીસેક વર્ષનો ઇતિહાસ આવે છે. તેના લેખક અલી મોહમ્મદખાન અથવા તેના પિતા આ સમયના બનાવોના સમકાલીન હોવાથી બધા બનાવોની વિગતવાર માહિતી નોંધી શક્યા અથવા તો તેમણે બીજાઓ કે જેમણે બનાવો કે પ્રસંગોમાં ભાગ લીધો હતો કે હાજર હતા તેમની પાસેથી તે સાંભળી હતી ! અલી મોહમ્મદેખાન પોતે ગુજરાતના શાહી દરબારમાં દીવાનપદે હતો (૧૭૪૬ થી ૧૭૫૮). તેથી તેને માટે પ્રાંતના સરકારી દફતરો મેળવવાનું, તે જોવાનું અને તેનો ઉપયોગ લેખનમાં કરવાનું સરળ હતું, એમ પ્રો. કોમિસારિત માને છે. આમ તેમણે તેમના બીજા ગ્રંથના લેખનકામમાં આવાં દૃષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખ્યાં હતાં.
લેખકનો ત્રીજો ગ્રંથ જેને મરાઠાકાલ (ઈ.સ.૧૭૫૮ થી ૧૮૧૮) કહ્યો છે તે અંગે તેમની પોતાની લખેલી પ્રસ્તાવના ન હોવાથી તેમની કાર્ય-પદ્ધતિ અને આધાર સામગ્રી માટે ટીકાટિપ્પણ કરવાનું અધૂરું છે. પણ ગ્રંથમાં નિરૂપાયેલા વિષયો પરથી તારવણી કાઢી શકાય તેમ છે.
પ્રો.કોમિસારિયેતે આ ગ્રંથમાં પણ “મિરાતે અહમદી' માંથી સુરત જે મુઘલ સમયમાં સામ્રાજયનું દરિયાઈ વેપારી મથક બન્યું હતું અને મક્કા જનારા માટે પ્રસ્થાન-કેન્દ્ર કે બંદર બન્યું હતું કે ‘બંદર-ઇ-મુબારક' અને બાબ-અલ-હજ' જેવાં સમ્માનનીય બિરુદો મળ્યાં હતાં, તેને માટે આધાર લીધો છે. 'મિરાતે અહમદી'માં સુરતનો ૧૭મી સદીનો આખો અને ૧૮ મી સદીના પૂર્વાર્ધનો રાજકીય બનાવોનો ઇતિહાસ આવરી લેવાયો હોવાથી લેખકે તેનાં અન્ય પાસાંઓનો પૂરો સમાવેશ આ ગ્રંથમાં કર્યો છે. આ સિવાય જે પાસાંઓ આવરી લેવાયાં છે તેનો ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે તેથી પુનરુકિત કરવાની જરૂર નથી.
મરાઠાઓના સમયમાં ગુજરાતમાં શહેરીકરણ અને તેની ઊલટી ક્રિયા તથા સમગ્ર પ્રક્રિયાની સમસ્યાનો સંશોધનાત્મક અભ્યાસ આપણા સમયમાં થઈ રહ્યો છે. તેના અભ્યાસીઓ અને સંશોધકો માટે આ ત્રીજો ગ્રંથ પ્રત્યા નહિ પણ પરોક્ષ રીતે ઉપયોગી અને માર્ગદર્શક નીવડી શકે તેમ છે. સામાન્ય વાચકને માટે તો ગુજરાતમાં રાજકીય પરિવર્તન અને ચડતી-પડતીનું સુંદર ચિત્ર આપે છે.
પથિક • વૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૩ • ૪૮
For Private and Personal Use Only