________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. કેશવલાલ હિંમતરાય કામદાર
ગોંડલના પ્રસિદ્ધ કામદાર કુટુંબમાં એપ્રિલ, ૧૮૯૧માં એમનો જન્મ થયેલો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી, પૂનાની ફર્ગ્યુસન કૅલેજમાંથી સને ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ. ડિગ્રી પ્રથમ વર્ગમાં પાસ કરી અને એ જ કૅલેજમાં ફેલોશિપ મેળવી બહુમાન પ્રાપ્ત કર્યું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો લઈને એમ.એ.ની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા ૧૯૧૬માં પાસ કરી કોલેજ અભ્યાસ દરમિયાન શ્રી કામદારને ઉત્તમ અધ્યાપકોનો સહવાસ સાંપડ્યો હતો. જેમાં સર્વશ્રી પ્રો. મહાદેવ મલ્હાર જોશી, પ્રો. હોડીવાળા, આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, પ્રો. હરિભાઉ લિયે, પ્રો. વામન ગોવિંદ કાળ વગેરેને ગણાવી શકાય. સુરતમાં એક વર્ષ શિક્ષણકાર્ય કરીને સને ૧૯૧૯થી વડોદરાને તેમણે કાર્યક્ષેત્ર બતાવ્યું. તેઓ એ સમયે ‘ઉશનસ', ‘અભ્યાસી', ગૂર્જરરાષ્ટ્ર વગેરે તખલ્લુસોથી ગુજરાત-સૌરાષ્ટ્રનાં અગ્રગણ્ય માસિકોમાં ઇતિહાસ, સાહિત્ય, રાજકારણ, સહકાર, અર્થશાસ્ત્ર વગેરે વિષયો પર લેખો લખતા હતા. તેમનો લેખ “માનવ જીવનનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન' સને ૧૯૧૩માં “વસન્ત'માં પ્રગટ થયેલો, “કૌમુદી’ અને ‘પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થતી તેમની લેખમાળા સરસ્વતીચંદ્રનું રાજકારણ’ અભ્યાસીઓમાં લોકપ્રિય બની હતી. “સ્વાધ્યાય” ના બે ખંડોમાં સંકલિત થયેલા તેમના લેખો તેમની બહુશ્રુત પ્રતિભાની ઝાંખી કરાવે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખાયેલા અને પ્રસિદ્ધ થયેલા તેમના લેખોની સંખ્યા આશરે ૩૦૦ જેટલી છે. ભારતીય ઇતિહાસ વિશે તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકો આજે પણ યુનિવર્સિટીઓમાં સંદર્ભગ્રંથો તરીકે સ્વીકારાય છે જેમાં ‘સર્વે ઓફ ઇન્ડિયન હિસ્ટરી ૧૭૫૭૧૮૫૮', પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ૧૭૫૭-૧૯૨૦’, ‘હિસ્ટરી ઓફ મુઘલ રૂલ ઇન ઇન્ડિયા’ મુખ્ય ગણાવી શકાય. ભારતનો ઇતિહાસ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વ્યવસ્થિત રીતે લખનાર પ્રો. કામદાર હતા. ગુજરાતની મુખ્ય યુનિવર્સિટીઓની ઇતિહાસ વિષયની અભ્યાસમિતિઓમાં સભ્યપદે રહીને તેમણે ગુજરાતમાં ઇતિહાસનો અભ્યાસક્રમ ઘડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સૌરાષ્ટ્ર અને જૂના મુંબઈ રાજ્યની અનેક સરકારી સમિતિઓ ઉપર સક્રિય રહીને તેમણે પોતાના વિચારો નીડરતાથી વ્યક્ત કર્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સેવા શાળાકીય ઇતિહાસના પરામર્શ તરીકેની છે. તેમણે ગુજરાતી પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય તરીકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે તૈયાર કરાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં નોંધપાત્ર સુધારા સૂચવ્યા હતા.
પ્રો. કામદારનું વિદ્યાપ ઘણું તેજસ્વી હતું જેનો પ્રકાશ તેમના વર્ગોમાં પડતો હતો. તેમના અધ્યાપકીય ગુણ એ હતો કે તૈયારી કર્યા વિના તેઓ કદી વર્ગમાં જતા નહીં. પોતાને જે વિષય પર બોલવાનું હોય તેની વ્યવસ્થિત નોંધ સ્વાધ્યાય કરતાં કરતાં રાખતા અને વિદ્યાર્થીઓને તેનો આસ્વાદ કરાવતા. ભારતીય ઇતિહાસના કોઈ રાજા-મહારાજાની કે પ્રસંગની વાત કરતાં કરતાં તેઓ તેને આનુષંગિક બીજા વિષયોની વાત કહીને આજના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરતા. ભારતીય ઇતિહાસની ઘણી કડીબદ્ધ વિગતો તેઓને કંઠસ્થ હતી. તેમની વિશેષતા એ હતી કે પુરાવા કે આધાર વિનાની વિગતો તેઓ કદી રજૂ કરતા નહીં. તેમનો આ ગુણ તેમની સાથેની વાતચીતમાં પણ સ્પષ્ટ તરી આવતો હતો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે ઇતિહાસના અભ્યાસીએ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજયશાસ્ત્ર અને સમકાલીન સાહિત્યનો પણ અભ્યાસ જીવંત રાખવો જોઈએ કેમકે આવા અભ્યાસ વિના ઇતિહાસનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે નહીં.
ભારતની અને ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. ગુજરાતની કેટલીક જૈન સંસ્થાઓની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધો હતો. ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપનામાં પણ તેમનો હિસ્સો ઘણો મોટો હતો. ગુજરાતના સળંગ ઇતિહાસ આલેખનની સૌ પ્રથમ ભૂમિકા તેમણે રજૂ કરી હતી. ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે ૧૯૬૪-૬૫ અને ૧૯૬૫-૬૬ એમ વર્ષ તેમણે સેવાઓ આપી હતી.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2003 • ૧૫૫
For Private and Personal Use Only