________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પછી કે દરમિયાનમાં ભગવાનલાલ નવાબના ભાયાત બાબી સુલતાન મહમ્મદ શેરખાનજીને ત્યાં વકીલાતના કામ અંગે નોકરીએ રહ્યા. એ સુલતાનનાં કેટલાંક ગામો સરકારે ખાલસા કરેલાં હતાં, તે સામે ભગવાનલાલે કૉર્ટમાં લડી, સદરહુ ગામે પાછાં અપાવવા મહેનત કરી. પાટણના હુલ્લડ તોફાનના કેસમાં મુસલમાનોની સામે હિંદુઓ તરફથી વાડિયા બેરિસ્ટર સામે વકીલ તરીકે કામગીરી કરી. આમ જૂનાગઢ (મુસ્લિમ રાજ્ય) સામે ભાગ લેવાથી સ્ટેટ વકીલાતની સનદ બંધ થઈ, પણ દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ દરમિયાનગીરી કરતાં તે પાછી મળી. આ પછી ભગવાનલાલે ખડિયા અને રાણપુર દરબારોના કામદાર બની, જૂનાગઢ આ દરબારોના પચાવી પાડેલા ગામગરાસ પાછા મેળવવા, જૂનાગઢ સામે લડ્યા, અને એ દરબારોને સારો એવો લાભ કરાવી આપ્યો. ભગવાનલાલ લખે છે કે “તેની સાથે ડિયા તથા રાણપુરનાં આઠ દસ ગામ ઇજારે રાખ્યાથી મને પણ સારો નફો મળ્યો. તેમાંથી ગુજરાતમાં સાણંદ સ્ટેશન પાસે એક વંશપરંપરાના ભોગવટાની જાગીર ખરીદ કરી. છપ્પનિયાથી એ જાગીરને અતોનાત નુકસાન થયું છે, પણ તે પછી પાછી સુધરતી આવે છે.’’
૨૧
અંતમાં ભગવાનલાલ લખે છે “મેં ગુજરાતનો ઇતિહાસ પણ લખ્યો હતો. તેની બે આવૃત્તિ ખપી ગઈ છે. ત્રીજીમાંની નકલો હજુ પડી છે. થોડા વખત ઉપર જ સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસનું ટૂંકું વૃત્તાંત જૂનાગઢના બાબી વંશના ઇતિહાસ સાથે છપાવ્યું છે, અને કાઠિયાવાડનાં બીજાં દેશી રાજ્યોના ઇતિહાસો પણ લખી રાખ્યા છે. પણ છપાવી બહાર પાડવા માટે અવકાશ અને સાધનોનો જોગ થયો નથી.’૨૨ એ પછી તેમણે પોતાની સહી કરી છે. ભગવાનલાલે બે વાર લગ્ન કર્યાં હતાં અને તેમનાથી થયેલા ચાર પુત્રો, જીવનવૃત્તાંત લખ્યું ત્યારે હયાત હતા એમ નોંધવામાં આવ્યું છે. ભગવાનલાલનું અવસાન તા. ૨-૪-૧૯૧૦ ના રોજ થયું.
ભગવાનલાલ આત્મવૃત્તાંતમાં જે બાબતો સ્પષ્ટ દેખાઈ આવે છે તેમાં દેશી રજવાડાંઓની જોરજુલમોની પદ્ધતિ, તેજસ્વી નીવડનાર વિદ્યાર્થીઓને અપાતાં પ્રોત્સાહન ઇનામો અને શિષ્યવૃત્તિઓ, જાહેરમાં લેવાતી પરીક્ષા પદ્ધતિ, રાજખટપટો ઇત્યાદિ ગણાવી શકાય. તેમની પોતાની કારકિર્દીમાં પણ વારંવાર વ્યવસાય બદલવાનો ક્રમ નોંધપાત્ર બની રહે છે : વિદ્યાપ્રેમી અને અભ્યાસવૃત્તિ રાખતા હોવા છતાં, તેમને દુકાનદાર બનવું પડ્યું, રૂની દલાલીનો ધંધો કર્યો, પત્રકારિત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું, વકીલાતનો અભ્યાસ અને વ્યવસાય કર્યો, સરન્યાયાધીશ બન્યા, ખેતીવાડીમાં રૂ-તંબાકુના પાક આધુનિક પદ્ધતિથી લીધા, અને આ બધાંની સાથે સાથે તેમણે ઇતિહાસ સંશોધન અને લેખન કરવા માટે અભિરુચિ કેળવી ગણનાપાત્ર ફાળો આપ્યો. અલબત્ત, તેમણે ઇતિહાસ અંગે કરેલું કાર્ય આવક મેળવવાના હેતુથી કર્યું હતું એમ પણ બતાવી શકાય, છતાં તેમની ઇતિહાસલેખનની પ્રવૃત્તિ આવકારદાયક તો બની રહે છે. બીજી જે બાબત ખાસ નોંધપાત્ર બની રહે છે તે ભગવાનલાલની વારંવાર અતિઝડપે વ્યવસાય બદલવાની રીત. આનું કારણ શું હોઈ શકે ? દેશી રાજ્યની કે ધંધાની ખટપટો તેમને વારંવાર નડતી હશે કે પોતાના સ્વભાવના કારણે આમ થયેલું જોવા મળે છે, તે તપાસનો વિષય બની રહે છે.
પાદટીપ
૧. જૂનાગઢમાં આ સમયે હમીદખાન બીજાનું શાસન ૧૮૪૦-૫૧ નું હતું. હમીદખાનને બદલે અહીં અહમદખાન લખાયું લાગે છે. ભગવાનલાલના સમયમાં અહમદખાન નામે કોઈ નવાબ થયેલા નથી.
૨. પ્રસ્તુત અંક, પૃ. ૯૩ કોલમ ૨
૩. લોંગનું નામ જુદી રીતે લખાયું છે. હકીકતમાં તે કર્નલ ડબલ્યુ. લેંગ હતા જે કાઠિયાવાડ પોલિટિકલ એજન્ટ તરીકે ૧૮૪૫ થી ૧૮૫૯ સુધી રહ્યા હતા.
૪. પૃ.૯૪ કોલમ ૧
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૭
For Private and Personal Use Only