________________
જેની ભાષા સમૃધ્ધ, તેનું ભવિષ્ય સમૃધ્ધ
ગીતાબેન વરૂણ
“જેવી સંસ્કૃતિ તેવી ભાષા ભાષા કરમાય ત્યારે જીવન કરમાય, જેમ ભાષા સમૃધ્ધ તેમ જીવન સમૃધ્ધ'' ભાષા એ માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એ અભિવ્યક્તિનું એક પ્રબળ અને કાર્યક્ષમ માધ્યમ છે. પચરંગી મુંબઈ શહેરમાં દરેક વ્યક્તિ અવનવી રીતે આર્થિક ઉપાર્જન કરતો હોય છે, તેમજ તે માટે નવી તકોને શોધતો હોય છે. માતૃભાષાને એનું પોતાનું રૂપ અને માધુર્ય હોય છે એની વિશિષ્ટતા અને એનું વ્યક્તિત્વ હોય છે, એનું અર્થસ્વરૂપ હોય છે. ગુજરાતી ભાષાના કૌશલ્ય દ્વારા, સર્જનાત્મક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં રહેલી આર્થિક ઉપાર્જનની શક્યતાઓ પર પ્રકાશ પાડવાનો હેતુ અહીં છે.
સૌપ્રથમ ભાષા જો સમૃધ્ધ હોય તો સાહિત્યિક અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્ર ઉત્તમ કાર્ય કરી શકાય છે. સર્જનાત્મક ક્ષેત્રે ભાષાના કૌશલને વિકસાવી વ્યક્તિ કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, નાટ્યલેખક, વિવેચક, સંશોધક, ભાષાશાસ્ત્રી, અનુવાદક, સંશોધક, સંપાદક તરીકે પોતાની પ્રવૃત્તિ કરી શકે છે. સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બંને છે. સાહિત્યમાં ભાષાનું જે સામર્થ્ય છે તેના વડે કેટલાક શબ્દસ્વામીઓએ ભાષાને ગુલાબની પાંખડી કરતા પણ વધુ કોમળ, મોગરાના પુષ્પ કરતા પણ વધુ પવિત્ર અને સુવાસિત, પવનની લહેર કરતા પણ વધુ સંવેદનશીલ બનાવી છે તો ક્યારેક ભયંકર મેઘગર્જના કરતા પણ વધારે ધ્રુજાવનાર, વીજળીના ચમકારા કરતા પણ વધુ તેજસ્વી બનાવે છે.
ફાધર વાલેસના મત પ્રમાણે,
“શબ્દ એ શક્તિનો પિંડ છે. શબ્દ પોતાની સાથે આખી ભૂમિકા, સંસ્કૃતિ, વારસો, સંસ્કારો ખેંચી લાવે અને અમુક છાપ પાડી શકે, અમુક વાતાવરણ ઉભું કરી શકે, અમુક કર્યો કરાવી શકે.''
આમ સર્જક ભાષાને શબ્દ વડે સતત વિકસાવતો રહે છે. સાહિત્યની જેમ પત્રકારત્વનો ઉદગમ ભાષાની અભિવ્યક્તિ રૂપે થાય છે. આ ક્ષેત્ર વ્યવસાયિક છે. તેમજ આર્થિક ઉપાર્જનની અહીં ભરપૂર તક રહેલી છે. આજે માહિતી પ્રાપ્ત કરવાના અનેક માધ્યમો હોવા છતાં સમાચારપત્રો લોકપ્રિય માધ્યમ બની રહ્યા છે એ તેનું જીવંત ઉદાહરણ છે. પત્રકારત્વ ક્ષેત્રે સમાચારપત્રો અને સામાયિકો ઉત્તમ કામગિરી કરી રહ્યા છે. પત્રકાર માટે ભાષા સાધન છે. તેનામાં ભાષા પ્રત્યે સભાનતા છે. જેના દ્વારા તે બનાવની અસરકારક રજૂઆત કરતો હોય છે. પત્રકારને ભાષાની દ્રષ્ટિએ ઘણીવાર પડકાર ઝીલવાના હોય છે. માનવી અવકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઉતર્યો એ ઘટના અને એના
૨૪
રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દ સામર્થ્ય કસોટીએ ચડે છે ત્યારે તેનામાં રહેલી ભાષાની સર્જકતા એની મદદે આવે છે. સમાચારપત્રો પ્રજામાનસ પર તત્કાળ અસર કરતા હોય છે. પત્રકારત્વનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તંત્રી, સંપાદક, પત્રકાર, સંવાદદાતા, કટારલેખક, ટાઈપિસ્ટ, પ્રૂફરીડર આ બધા ભાષાની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા હોય છે તેમજ દરેકનું પોતાનું આગવું મહત્વ છે.
આજના સમયમાં વેબ જગતે ભાષા માટે એક નવું જ વિશ્વ ઉભું કર્યું છે. આ ક્ષેત્ર ઘણું ખરું સાહિત્યિક તેમજ વ્યવસાયિક પણ છે. શરૂઆતમાં ગુજરાતી ભાષા માટે વેબજગત સામાન્યજન સુધી નહોતું પહોંચી શક્યું પરંતુ તમામ સમસ્યાઓના કાયમી ઉકેલરૂપે યુનિકોડ' નો જન્મ થતા, તેના આગમનથી વેબજગતની તમામ પ્રાદેશિક ભાષાઓનો સુવર્ણયુગ આરંભ થયો. જેના પરિણામે આજે લોકો ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ, ઈમેઈલ અને ચેટમાં લખી શકે છે. વેબજગતમાં વેબસાઈટ અને બ્લોગમાં ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ જે કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાતી ભાષાની આશરે ૧૦૦ થી વધુ વેબસાઈટ્સ છે જ્યાં રોજેરોજ કવિતાઓ લેખ પ્રકાશિત થતા રહે છે જેને સરળતાથી વાંચી શકાય છે. કોઈપણ વ્યક્તિ સરળતાથી અહીં પોતાની રચના મૂકી શકે એવી સગવડ વેબસાઈટમાં આપવામાં આવે છે. આ વેબસાઈટ પર લોકગીત, ગઝલો, ભજનો સહિત અનેક ઉત્તમ રચનાઓ સંગીત સાથે માણી શકાય છે.
readgujarati.com, tahuko.com, layastaro.com. aksharnaad.com, gujaratilexicon.com, bhagvadgo mandal.com, jhaverchandmeghani.com વગેરે ગુજરાતી ભાષાની જાણીતી વેબસાઈટ્સ છે.
ગુજરાતી લેક્સિકોન. કૉમની વાત કરીએ તો આ વેબસાઈટ પર આશરે ૨૫ લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ છે જે ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા તેમજ ગુજરાતી જોડણી તપાસવાની સુવિધા આપે છે તેવી જ રીતે 'ભગવદગોમંડળ' વેબસાઈટ પર ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાનો ઉત્તમ ખજાનો છે. સાહિત્યનો અભ્યાસ ન કર્યો હોય એવો વર્ગ પણ ભાષાના સાધન વડે અહીં ઉત્તમ કામ કરી રહ્યો છે. આ વેબસાઈટ ૫૨ નિઃશુલ્ક ઈ-પુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકાય છે. અક્ષરનાદ.કૉમ વેબસાઈટમાં નિઃશુલ્ક ઈ-પુસ્તકોની ડાઉનલોડ સંખ્યા ૧૫ લાખથી વધુ છે. ગુજરાતી ભાષા દ્વારા આ વેબસાઈટ પર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેની નોંધ સામયિકો, સમાચારપત્રો, રેડિયો અને ટી.વી. ચેનલોએ પણ લીધી છે. ઉદા.
ઓક્ટોબર - ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક