SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૨૦૦૦ પ્રબુદ્ધ જીવન હંસ તો મહાકવિ કાલિદાસના મેઘને કેલાસનો રસ્તો દાખવતા, આડી હિમમાળને પરશુરામે વીંધેલા ક્રૌંચ પર્વતના બાકોરામાં થઈને વટાવી, પેલી બાજુ આરપાર નીકળી જનારા માનસ-વિહારી છે. અર્થાત્ ઉચ્ચોચ્ચ ઉડ્ડયનશીલ કલ્પનાએ, બન્ને વાહનો પર આસાનીથી સવારી કરી શકતી સરસ્વતીની માફક, સર્જકતા તેમ જ વિવેકશક્તિ એ બન્ને પ્રયોજવાં જોઈએ. ભારતીય સંસ્કૃતિની શ્રમણ પરંપરામાં પણ વૈદિક પરંપરાની માફક, સરસ્વતીની ઉપાસના સંસ્કૃતિના ઉગમકાળથી થતી આવી છે. આ અવસર્પિણીના ઉષ:કાળમાં ભગવાન ઋષભદેવની સૃષ્ટિના આધકર્તા તરીકે ગણના થાય છે. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને જમણા હાથે લિપિ શીખવાડી અને અક્ષર માતૃકાને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી. એ લિપિ બ્રાહ્મી લિપિ કહેવાઈ. અને બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. જૈન આગમોમાં ભગવતી સૂત્ર સહુથી પ્રાચીન ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે ‘નમો બંભીએ લિપિએ' નોંધાયું છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે. ઉપાસના સામાન્ય રીતે પુષ્પ, વંદન, સ્તવન અને ધ્યાનપૂજા એમ ચાર પ્રકારે થતી હોય છે અને તે ઉત્તરોત્તર વધુ ને વધુ લાભ દેનારી છે. તેમાં ધ્યાનપૂજા શ્રેષ્ઠ છે. તેના આલંબન અને નિરાલંબ ધ્યાન એ બે પ્રકાર છે. આલંબન ધ્યાનના આકૃતિધ્યાન અને અક્ષરધ્યાન એમ બે પ્રકારે છે. આકૃતિધ્યાનથી પ્રારંભ થાય પછી તેટલો જ આનંદ અક્ષર ધ્યાન દ્વારા આવે છે. આ બન્ને ધ્યાન જેવું જ અસરકારક વર્ણધ્યાન છે. તેમાં છેલ્લે જ્યોતિ ધામ-તેજોવલય-નું ધ્યાન કરવાનું આવે છે. તે પરમતત્ત્વ વિષયક હોય તો તે પરમાત્મ જ્યોતિ અને સરસ્વતી દેવીનું હોય તો તે સારસ્વત ધ્યાન કહેવાય છે. આજ રીતે આલંબન ધ્યાન પ્રણિધાન પણ બે પ્રકારે છે : સંભેદ પ્રાિધાન અને અભેદ પ્રણિધાન જેમાં ઈષ્ટ તત્ત્વનું સર્વત્ર દર્શન થાય તે સંભેદ પ્રાિધાન અને સ્વમાં ઈષ્ટ તત્ત્વનું દર્શન થાય, અનુભૂતિ થાય તે અભેદ પ્રાિધાન. મહાકવિઓ સિદ્ધસેન દિવાક૨, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને કવિ કાલિદાસ વગેરેને અભેદ પ્રણિધાન સિદ્ધ થયું હતું. જૈન ધર્મમાં તીર્થંકરોના પ્રવચન દ્વારા વહેતો થયેલો દેદીપ્યમાન અનંત ઉર્જાપ્રવાહ તે જ સારસ્વત મહ ;કે શ્રુતદેવતા છે. એ વાણીની જે સૂત્ર રૂપે ગૂંથી થઈ તે દ્વાદશાંગી. આ બન્નેના આરાધન માટે કાઉસગ્ગ થાય છે. જૈન ધર્મમાં કલ્લાાકંદમુ, સંસારદાવાનલ અને ભુવન દેવતાની સ્તુતિઓમાં સરસ્વતીના વર્ણન સાથે તે દેવી અમને હંમેશા સુખ આપનારી થાઓ એવી પ્રાર્થના કરવામાં આવી છે અને શ્રાવકોના છ આવશ્યકોમાંના એક પ્રતિક્રમણમાં પ્રતિદિન બોલાય છે તેમ જ પ્રાતઃમાંગલિક સ્મરણના સ્તોત્રો-સંતિક૨, તિજયપહુત્તિ અને બૃહચ્છાંતિ માં ષોડશ વિદ્યાદેવીઓના નામોલ્લેખ સહિત ‘રöતુ વો નિત્યં સ્વાહા’ કે ‘વિજ્જાદેવીઓ રકખંતુ' (વિદ્યાદેવીઓ અમારું રક્ષણ કરો) એવા પાઠ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. જ્ઞાનની ઉપાસનાનું અદકેરું મહત્ત્વ જ્ઞાનાતિચારમાં પા જોઈ શકાય. જ્ઞાનોપગરાપાટી, પોથી, ઠવી, નવકારવાળી વગેરે જ્ઞાનના ઉપકરણોની આશાતનથી બચવાનું જ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે. શ્રુત, શારદા, ભારતી, બ્રાહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, ત્રિપુરા આદિ ૧૦૮ નામો પ્રાપ્ત થાય છે. ભારતીદેવી સાહિત્ય, સંગીત, કલા, વિદ્યા અને જ્ઞાન આપનારી છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં કહેવાયું છે કે ભારતીદેવીના પ્રસાદથી જ્ઞાન મળે છે. તે સમ્યક્ જ્ઞાનથી તાત્ત્વિક માર્ગ મળે છે અને સમ્યક્ ક્રિયાની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન ક્રિયાથી સાધક કેવળજ્ઞાન (મોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો ૧૫ નિરપાય હેતુ સરસ્વતીની કૃપા થાય છે. જૈન ધર્મની કેવળજ્ઞાન પરિભાષાથી એવું સૂચિત થાય છે કે માત્ર જ્ઞાનની જ્યોતિ એ જ મોક્ષ અને એ સરસ્વતીની કૃપાથી ત્વરિત સિદ્ધ થાય છે. જૈન ધર્મમાં વાગીશ્વરીની ઉપાસના, સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, અષ્ટક, કલ્પ, પ્રાર્થના આદિની રચના દ્વારા પૂર્વકાળમાં અને વર્તમાનમાં સમયે સમયે થઈ છે. તેના ૧૦૮ નામોના જુદા જુદા સ્તોત્રો પણ રચાયા છે. સિરિપઉમસૂરિ, ચિરંતનાચાર્ય, બપ્પભટ્ટિસૂરિ, મુનિસુંદરસૂરિ, સાધ્વી શિવાર્યા, જિનપ્રભસૂરિ, વાચક્ર યશોવિજય આદિ પૂર્વસૂરિઓ અને વસ્તુપાલ મંત્રી આદિએ સરસ્વતીના સ્તોત્રોનું સર્જન કર્યું છે તેમ વૈદિક પરંપરાના બહ્મર્ષિ મુનિ, મહાકવિ કાલિદાસ, શંકરાચાર્ય, વાસુદેવાનંદસરસ્વતી, બૃહસ્પતિ, પૃથ્વીધરાચાર્ય, ભોજરાજા આદિએ પણ એવી રચનાઓ કરી છે. આવા બધા સ્તોત્રોનું પ્રાચીન હસ્તપ્રતો પરથી સંશોધન કરી, એનું એક સચિત્ર ગ્રંથરૂપે અવતરણકાર્ય મુનિ કુલચંદ્રવિજયજીએ કર્યું છે, જે અતિ આહ્લાદક અને આવકાર્ય છે. વર્તમાનકાળમાં શ્રુતદેવતાના આરાધકોમાં મુનિ જિનવિજયજી, આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજી, મુનિ જંબુવિજયજી, આચાર્ય શ્રી વિજયપ્રધુમ્નસૂરિ અને આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિ આદિ મુખ્ય છે તેમાં મુનિ કુલચંદ્રવિજયજીનું નામ ઉમેરાય છે. આ ગ્રંથમાં મૂળ સ્તવ, સ્તોત્ર, કલ્પ, છંદ, સ્તુતિ, ભક્તામર, પ્રાર્થના મૂળ ભાષામાં ઉપલબ્ધ છે સાથે એનો ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રાસાદિક અનુવાદ પણ આપવામાં આવ્યો છે. જુદી જુદી હસ્તપ્રતોમાં સરસ્વતીના ચિત્રો અને એની સ્થાપત્ય-શિલ્પ કૃતિઓની બહુરંગી તેમ જ શ્વેત-શ્યામ ૨૫૦ ઉપરાંત નયનાકર્ષક તસવીરો આપી, ગ્રંથને અમૂલ્ય પરિમાણ આપ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં મુનિ કુલચંદ્રવિજયજીએ રચેલ ‘સરસ્વતી અષ્ટકમ્’ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સધરા, ઝુલણા, શાર્દૂલવીક્રિડીત, મહાક્રાંતા, ભુજંગી, શિખરિણી એમ વિવિધ છંદોમાં રચેલી કવિતાઓનો સમાવેશ કર્યો છે. તે સર્વથા ઉચિત છે. તેમાં છંદ જણાવવાને બદલે પ્રચલિત કવિતાનો રાગ દર્શાવ્યો છે. એથી લોકોને ત્વરિત એનો બોધ થાય. પરંતુ આ બધી પ્રચલિત કવિતા હંમેશા લોકભોગ્ય રહેતી નથી. એટલે સૂચન કરવાનું મન થાય છે કે કવિતાના પ્રારંભમાં પ્રચલિત કાવ્યનો રાગ એમ ભલે જણાવવામાં આવે, પણ એની સાથે છંદ પણ દર્શાવાય એ વધુ હિતાવહ છે, કારણ કે પિંગળશાસ્ત્ર પ્રમાણમાં લાંબા સમય સુધી જળવાય એવી શક્યતા છે. જે સરસ્વતીની તસવીરો પ્રગટ થઈ છે તે તસ્વીરોના મૂળ સ્તોત્ર આપવામાં આવ્યા હોત કે સ્થાપત્યશિલ્પની તસવીરોમાં જે તે સ્થાપત્ય-શિલ્પના સ્થળ અને કાળની વિગતો આપવામાં આવી હોત તો વધુ ઉપયોગી થાત. આવા સરસ્વતી દેવીની સાધના માટે મંત્ર વિભાગમાં સામાન્ય વિધિ, સાધના શુદ્ધિ, સાધના કરતાં પહેલાં પૂર્વ સેવારૂપ ક્રિયા, સરસ્વતી દેવીની આરતી, ૮૫ જેટલાં મહામંત્રો, વેદોમાં સરસ્વતી દેવીના મંત્રો, ૧૫ જેટલાં યંત્રો અને પરિશિષ્ટ વિભાગમાં પણ મંત્ર અને પૂજનવિધિ આપવામાં આવી છે. આવાં સરસ્વતી દેવીની ઉપાસના, સાધના કે આરાધના પ્રત્યેક જૈનને ગળથૂથીમાં મળે છે ત્યારે પૂર્વસૂરિઓ અને વર્તમાનકાળના સર્જકોએ રચેલ વાગીશ્વરીની સ્તુતિ, સ્તવ, કલ્પ, છંદાદિનું સંશોધનસંપાદન-સંકલન કરી, એકી સાથે પ્રસ્તુત કરવામાં મુનિ શ્રી કુલચંદ્રવિજયજીએ પ્રત્યેક જૈન અને સામાન્યજન પર ઉપકાર કર્યો છે. ܀܀܀
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy