________________
૪
પ્રબુદ્ધ જીવન
ગંદકી થાય છે. ગમે તેવી સારી વસ્તુને પાણી બગાડી નાખે છે. ગંદકી અને રોગચાળો પાણીથી સવિશેષ થાય છે.
સરખી સપાટીએ રહેવું એ પણ પાણીનો એક મોટામાં મોટો સદ્ગુણ છે. (Water seeks its own level) જળ સ્વક્ષેત્રે સમાન થઇને રહે છે. ત્યાં કોઇ ઊંચનીચપણું કે ભેદભાવ નથી. જળનો આ બોધ ગ્રહણ કરવા જેવો છે. એકસરખી સપાટીએ રહેવાના, સમાનતાની ભાવનાના એના આ સદ્ગુણને લીધે જ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતોમાં તે સહાયભૂત બને છે. મોટા મોટા બંધોના બાંધકામમાં આ સપાટી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇજિપ્તના પિરામિડોમાં કેવી વિશાળકાય શિલાઓ એકબીજા ઉપર ગોઠવવામાં આવી છે ! છેક તળિયે અને પાયામાં એક છેડાથી બીજા છેડામાં, સામસામી સપાટીમાં થોડોક ફરક પડે તો શિલાઓનું સમતોલપણું ન રહે. એની ઊંચીનીચી જમીનમાં ચાર હજાર વર્ષ પહેલાં વૈજ્ઞાનિક સાધનો વિના તેઓ તળિયાની સપાટી એકસરખી કેવી રીતે કરી શક્યા હશે? વર્તમાન વૈજ્ઞાનિક સાધનો દ્વારા નિશ્ચિત થાય, અડધા ફૂટનો પણ ફરક ન પડે એવી સપાટી ત્યાં જોવા મળે છે. એમ કહેવાય છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં, તેઓએ પિરામિડ માટેની જગ્યાની ચારે બાજુ ખાઇ ખોદી નાખી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું. જમીન ભલે ઊંચી નીચી હોય, પાણીની સપાટી તો ચારે બાજુ એકસરખી જ હોય. એ સપાટીના આધારે પાયાના પથ્થરો ગોઠવવાનું નક્કી થયું. એટલે વિશાળ પથ્થરોવાળી આખી આકૃતિ સમતોલ બની ગઇ. આમ, વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પાણીનો માનવજાત ઉપર ઓછો ઉપકાર નથી. તબીબી વિજ્ઞાને પણ પાણીના તત્ત્વોનું પૃથક્કરણ કરીને ઘણાં તારણો કાઢ્યાં છે.
પાણીમાં માણસને, લાકડાને, વજનદાર જહાજોને તરતાં રાખવાનો સ્વભાવ છે અને ડૂબાડી દેવાનો પણ સ્વભાવ છે. પાણીમાં કચરો પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે અને કચરો પોતાના ઉપર કે કિનારે મૂકી દેવાનો પણ ગુણ છે.પાણી જીવતા માણસને ડૂબાડે છે અને મડદાંને તરતું રાખે છે. પાણી સ્વભાવે શીતળ છે, પણ ગરમ થઇને ઉકળે છે ત્યારે માણસને દઝાડી પણ શકે છે. ઉકળતા પાણી વડે ચૂલો ઓલવી શકાય છે, આગ બૂઝવી શકાય છે. પાણીમાં પોતાનામાં અગ્નિને-ઉષ્ણતાને ધારણ કરવાની શક્તિ છે. પાણી ઉષ્ણતાની સપાટી વટાવી હાથમાં પણ ન પકડી શકાય એવી સૂક્ષ્મ વરાળ બની અદશ્ય થઇ શકે છે અને શીતળતાની સપાટી વટાવી હાથ-પગમાં ચાંદા પાડી શકે એવા સ્થૂલ હિમ કે બરફનું રૂપ ધારણ કરી શકે છે. વાદળાનું પાણી લખોટા જેવા કરાનું રૂપ લઇને ખુલ્લામાં ચાલતા માણસ કે પશુને માથામાં સતત ધડ ધડ વાગીને ઇજા પહોંચાડીને મૃત્યુ સુધી લઇ જઇ શકે છે.
જળમાં એક એવો સૂક્ષ્મ મોહક ગુણ છે કે જે ક્યારેક કોઇકમાં ઉન્માદ પ્રગટાવે છે. નાનાં બાળકોમાં જળનું આકર્ષણ ઘણું હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક ભાઇએ મને કહ્યું હતું કે એમની ચારેક વર્ષની દીકરીને નળ ચાલુ કરીને પોતાનો હાથ નળ નીચે ધરી રાખવાનું જાણે વ્યસન થઇ ગયું છે. નળ બંધ કરી એનો હાથ લઇ લઇએ તો ચીસાચીસ કરી મૂકે છે. જેમ ભેંસોને પાણીમાંથી બહાર કાઢવાનું અઘરું છે તેમ નદી, તળાવ કે તરણહોજમાં રમતાં બાળકોને પણ બહાર કાઢવાનું અઘરું છે. કેટલાક માણસોને વહેતી નદીના કિનારે જ રહેવું પ્રિય લાગે છે, કોઇકને ઘૂઘવાતા સમુદ્રના કિનારે ગમે છે, તો કોઇકને શાન્ત સરોવ૨નો કાંઠો વધુ પસંદ પડે છે. અંગ્રેજ કવિ શેલીને પાણીનું એટલું બધું ગાંડપણ હતું કે તે કલાકોના કલાકો સુધી પાણીને નિહાળતો બેસી રહેતો. પાછળથી એની આ વાત એટલી ઉત્કટ બની ગયેલી કે એણે સંકલ્પ કર્યો કે પોતે પાણી સાથે એકરૂપ
તા. ૧૬-૬-૨૦૦૦
થઇ જવા માટે ‘જળસમાધિ' લેવી એટલે કે ડૂબીને મરી જવું. એટલા માટે એ તરવાનું શીખ્યો નહિ અને છેવટે યુવાન વયે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો.
જૂના સમયની દંતકથા છે કે એક સાધુકવિને મહાસાગર ઉપર મહાકાવ્ય લખવાનું મન થયું. તેઓ રાત-દિવસ સાગરનું જ ચિંતન કરવા લાગ્યા. તે એટલી બધી હદ સુધી કે રાતદિવસ સાગરના વિશાળ જળરાશિનો વિચાર કરતાં કરતાં એમણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી. આટલા બધા પાણીનું શું થશે ? ક્યારે એ ખૂટશે ? એમ કરતાં કરતાં એમના પેટનું પાણી વધી ગયું. જલોદરનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં મટ્યું નહિ. પરંતુ કોક કુશળ વૈદે કારણ શોધી કાઢ્યું. એણે માનસિક ઉપાય અજમાવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! મહાસાગરનું ચિંતન ઘણું કર્યું. હવે મહાસાગરને તળિયે અનાદિ કાળથી વડવાનલ રહેલો છે. તે પાણીનું શોષણ કરે છે. તો વડવાનલ પર મહાકાવ્ય લખો.’ સાધુને વિચાર ગમી ગયો. રાત-દિવસ તેઓ હવે વડવાનલનું ચિંતન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં શરીરનું પાણી શોષાવા લાગ્યું. એમનો જલોદરનો રોગ મટતાં વૈદે એમને બીજી વ્યવહારુ વાતો પર વાળી દીધા. આપણે ત્યાં અગસ્ત્ય મુનિની વાત છે કે એમને એટલી બધી તરસ લાગેલી કે ઘણું બધું પાણી પી જવાનો એમને ભાવ થયો. એમણે અંજલિમાં સમુદ્રનું પાણી લીધું અને પીતા ગયા, પીતા ગયા. એમ કરતાં એટલું બધું પાણી પી ગયા કે છેવટે આખો સમુદ્ર શોષાઇ ગયો, સૂકાઈ ગયો. પછી લઘુશંકા પણ એટલી જ કરી.
શીતલતા, સ્વચ્છતા, શુચિતા, પારદર્શકતા, રંગવિહીનતા, પવિત્રતા, ઇત્યાદિ કેટકેટલા ગુણો જલમાં છે. જલ પૃથ્વી પરનું અમૃત છે. નવજીવન આપવાની એનામાં શક્તિ છે. એની અંતિ સરળતા અને અતિ સુલભતાનો ગેરલાભ ઉઠાવવાનું આપણે ક્યારે છોડીશું ? આપણને શુદ્ધ અને પવિત્ર રાખનાર જલને શુદ્ધ અને પવિત્ર રાખવાનું આપણે ક્યારે શીખીશું ? જલદેલતા વરુણની સાચી સ્તુતિ-આરાધના કરતાં આપણને ક્યારે આવડશે ?
–રમણલાલ ચી. શાહ
સંયુક્ત અંક
પ્રબુદ્ધ જીવનનો જુલાઈ અને ઓગસ્ટનો અંક સંયુક્ત અંક તરીકે ૧૬મી ઓગસ્ટ ૨૦૦૦ના રોજ પ્રકાશિત થશે તેની નોંધ લેવા વાચકોને વિનંતી.
ઘુ તંત્રી
ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તિસંગીતનો કાર્યકમ
સંઘના ઉપક્રમે, સંઘના ભક્તિસંગીતના વર્ગની બહેનો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તિસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં સર્વેને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
સ્થળ : પરમાનંદ કાપડિયા હોલ (સંઘનું કાર્યાલય) સમય : બુધવાર તા. ૧૯-૭-૨૦૦૦, સાંજે ૫થી ૬.
પુષ્પા પરીખ સંયોજક
નિરુબહેન શાહ ધનવંત શાહ
મંત્રીઓ