________________
તા. ૧૬-૬-૨૦૦૦
વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઇઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ઘરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે.
પ્રબુદ્ધ જીવન
જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયારું આવે છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં, પાણીથી ભરેલાં માટલાં–બેડાં હારબંધ જોવા મળે. ઉનાળામાં દસપંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંકુ એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાના નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિંતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઇ છે, આધુનિક સાધનોને લીધે રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું છે એ ઈષ્ટ પણ છે, પણ બોધપાઠનું વિસ્મરણ થાય છે એ ઈષ્ટ નથી.
કૂવા, સરોવર કે નળ દ્વારા મળતું પાણી ફિલ્ટર કર્યા વગર પીવું નહિ એવી સભાનતા દુનિયામાં વધતી જાય છે. સમગ્ર અમેરિકામાં, કેનેડામાં તથા અન્ય કેટલાક દેશોમાં કોઈ ઘરે પાણીનાં માટલાં હોતાં નથી. સીધું નળમાંથી જ પી શકાય એવું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ચોવીસ કલાક ત્યાં મળે છે. પરંતુ બીજા કેટલાયે દેશોમાં પાણીના શુદ્ધિકરણની યોજના એટલી સક્ષમ નથી કે નિશ્ચિતપણે નળનું પાણી ગટગટાવી શકાય. કેટલાયે રોગો પાણીના બેક્ટેરિયા દ્વારા થાય છે. એટલે હવે આખી દુનિયામાં ‘મિનરલ વોટર'નો પ્રચાર ચાલ્યો છે.
મનુષ્યને જલ પૂરું પાડવાની કુદરતે જાણે જવાબદારી લીધી હોય તેમ ઓછોવત્તો વરસાદ બધે જ પડતો રહે છે. સમુદ્રનું પાણી વાદળાં રૂપે જમીન પર વરસે છે અને વધારાનું પાણી પાછું સમુદ્રમાં ચાલ્યું જાય છે. પાણીની બાબતમાં મનુષ્યની સંગ્રહવૃત્તિનો પ્રકૃતિએ ક્યારેય વિરોધ કર્યો નથી. જળસંચય માટે જમીન ખોદીને તળાવો કરવાની પદ્ધતિ પુરાણકાળથી ચાલી આવે છે. વર્ષાના પાણીથી કે ઓગળેલા બરફથી વહેતી નદીઓમાંથી નહેર કાઢવાની અને એ રીતે પાણીને સાચવી રાખવાની પ્રથા પણ સગર રાજા અને ભગીરથ રાજાના અતિપ્રાચીન કાળમાં આપણને લઇ જાય છે, એટલે જ ગંગાના એક પ્રવાહને આપણે ભાગીરથી કહીએ છીએ.
માનવજાતે પ્રાગૈતિહાસિક કાળથી કૂવાની શોધ કરેલી છે. સમુદ્ર કિનારા પાસે થોડા ફૂટના ખોદાણથી પાણી નીકળતા છીછરા કૂવાથી માંડીને ચાલીસ-પચાસ કે તેથી વધારે ફૂટ ઊંડું ખોદીને પાણી કઢાતાં થતા ઊંડા કૂવા સુધીના અનેક પ્રકારના કૂવા, વાવ ઈત્યાદિ માનવજાત બનાવતી આવી છે. કૂવો ખોદવામાં વાર લાગે એટલે જ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. કૂવો ઊંડો હોય ને બોખ ફાટેલી, કાણાંવાળી હોય તો ઉપર આવતાં સુધીમાં બધું પાણી ખલાસ થઇ જાય, મહેનત નકામી જાય. કૂવો ઉદાર છે એટલે જલદાન આપે છે, પરંતુ તે પાત્ર અનુસાર (વાસણમાં માય તેટલું) દાન આપે છે. એટલે એ વિવેકી છે એમ કહેવાય છે. બધા જ કૂવામાંથી પીવાલાયક મીઠું પાણી ન નીકળે, કોઇમાંથી ખારું તો કોઇમાંથી મોળું પાણી પણ નીકળે. એટલે જ જ્યાં જ્યાં મીઠું પાણી નીકળે ત્યાં ત્યાં ગામો વસતાં રહ્યાં છે.
જૂના વખતમાં કોઈના પર વેર લેવું હોય તો એના પીવાના પાણીને અભડાવી દેવાતું. કિલ્લામાં માણસો સુરક્ષિત હોય, પણ દુશ્મનો જ્યારે કિલ્લા પર આક્રમણ કરે ત્યારે બહાર અથવા અંદર જઇને એના જળાશયોમાં માંસના-ગોમાંસના ટુકડા નાંખે. એથી પાણી અભડાય અને કોઇ પીએ નહિ. પરિણામે કિલ્લાને શરણે આવવું જ પડે. ગામડાં-નગરોમાં અમુક વિસ્તારના લોકોના કૂવામાં મરેલું કૂતરું, બકરી કે બિલાડી નાખીને વેર લેનારા એના પાણીને અભડાવતા. ત્રણ-ચાર દિવસ સુધી કૂવો બંધ રહે. મરેલું પ્રાણી બહાર કઢાય. પછી કૂવો ગળાય, એમાં ચૂનો નખાય અને પછી કેટલેક દિવસે કૂવાનું પાણી પાછું પહેલાં ધોવામાં અને પછી પીવાના કામમાં આવે.
કૂવા ગયા ને નળ આવ્યા, પણ દુનિયાનાં કેટલાંયે શહેરોમાં નળમાં ચોવીસ કલાક પાણી આવતું નથી. ભારતના શહેરોમાં આ સ્થિતિ વધુ વિષમ છે કારણ કે શહેરોનો વિકાસ યોજનાબદ્ધ નહિ પણ આડેધડ થયો છે. ગઇ પેઢીના લેખક મંજુલાલ મઝમુદાર મજાકમાં કહેતા કે પ્રાચીન સમયમાં તો ફક્ત એક દમયંતી જંગલમાં પોતાના પતિ નળને શોધવા માટે ‘ઓ નળ ! ઓ નળ !' એમ બૂમ મારતી હતી, પણ વર્તમાન સમયમાં તો સવારના પહોરમાં ઠેર ઠેર અનેક દમયંતીઓ ‘ઓ નળ ! ઓ નળ ! બોલતી, બીજો નહિ ઉચ્ચાર' જોવા મળે છે.
એક કવિએ જળની પ્રશંસા કરતાં કહ્યું છે.
शैत्यं नाम गुणस्तवैव सहजः स्वाभाविकी स्वच्छता । किं ब्रुमः शुचितां भवन्ति शुचयः स्पर्शेन यस्यापरे ॥ किं वातः परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहीनाम् । त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोद्धुं क्षमः ॥
[હૈ જળ (પય) ! શીતળતા તારો સહજ ગુણ છે. તારામાં સ્વચ્છતા પણ સ્વાભાવિક છે. બીજા પવિત્ર પદાર્થો તારા સ્પર્શથી વળી પવિત્ર બને છે એ વિશે અમે શું કહીએ ? અમે તો એટલું જ કહીએ છીએ કે તું દેહધારીઓનું જીવન છે, માટે તું સ્તુતિપદને યોગ્ય છે. આમ છતાં નીચા માર્ગે તું જાય છે તો તને રોકી શકવા કોણ સમર્થ છે ?]
આ શ્લોકમાં અન્યોક્તિ છે. જળના બહાને કોઇક વ્યક્તિને સંબોધન છે. એ વ્યક્તિ બીજી રીતે ઘણી સારી છે, પણ અધઃપતનના માર્ગે ગઇ છે. એના અધઃપતનને કોઇ અટકાવી શકે એમ નથી.
પાણીમાં ગુણો ઘણાં છે, પરંતુ નીચે જવું, નીચે ધોધ થઇને પડતું મૂકવું-અધઃપતિત થવું એ એનો મોટો દુર્ગુણ છે, એવી એમ ન થાય તો નદીઓ વહે નહિ. એમાં આવેલાં પૂર ઓસરે કવિકલ્પના છે. વાસ્તવમાં પાણીનું નીચે જવું એ પણ સાર્થક ઠરે છે. નહિ. જલનું અધઃપતન વાસ્તવિક રીતે માનવજાત ઉપર ઉપકારક છે. એનું અધઃપતન છે તો વિદ્યુતનું ઉત્પાદન થઇ શકે છે.
પાણીની શુદ્ધિ અને અશુદ્ધિ એવી બે અંતિમ કોટિની કેવી મોટી ખાસિયતો છે ! ગમે તેવી ગંદી વસ્તુ પાણીથી સાફ, સ્વચ્છ થઇ જાય. અરે, પાણીની સાથે માત્ર શુદ્ધિ નહિ, પવિત્રતા પણ સંકળાયેલી છે. અભડાયેલી વસ્તુ કે વ્યક્તિ ઉપર પાણી છાંટી દીધું એટલે તે પવિત્ર થઇ જાય છે. ભગવાનની પૂજા ભક્તિ કરવી છે, દર્શન કરવા મંદિરમાં જવું છે, તો સ્નાન કરી લીધું કે પાત્રતા મળી ગઇ. પાણી ઔષધનું કામ કરી શકે છે. પાણીથી શરીરમાં રહેલા દોષ (toxins)નું ધોવાણ થઇ શકે. લોકોમાં ગંગામૈયાનું પવિત્ર પાણી ઔષધરૂપ મનાય છે. ઔષધ જ્ઞાનવી તોય । બીજી બાજુ જ્યાં