________________
પ્રબુદ્ધ જીવન
૧૪
બનતું રહે, નિર્મળતા ગુમાવે નહીં, તેનો ક્ષય ન થાય તે માટે પુરુષાર્થ કરવો જોઇએ. વિષયકષાયની અનુકૂળતાના રાગે તેમ જ વિષયકષાયની પ્રતિકૂળતાના દ્વેષે આત્માની ખરેખરી પાયમાલી કરી નાંખી છે !
સાર સંક્ષેપ રૂપે જરા વિહંગાવલોકન કરીએ. નદીગોળપાષાણ ન્યાયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારપછી શુદ્ધ અધ્યવસાયાદિથી શુદ્ધયથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે અને તે પછી અનિવૃત્તિકરણ કરી શુદ્ધ આત્મ ધર્મસ્વરૂપ સમ્યકત્વ ગુણ પામે છે જેને વધુ ને વધુ સુનિર્મળ, ટકાઉ બનાવવા માટે યોગ્ય સુપુરુષાર્થ કરવો હિતાવહ છે.
સમ્યકત્વના પાંચ લક્ષણો છે તે તરફ વળીએ. સમ્યકત્વ ઘણું મહત્ત્વનું તેમ જ દુર્લભ પણ છે. સમ્યકત્વ પામ્યા પછી બધાં જીવો તેને ટકાવી શકે કે ભવના અંત સુધી જીરવી શકે તે શક્ય નથી તેથી તેને ટકાવવા તથા નિર્મળ બનાવવા ખૂબ જ કાળજી રાખવી જોઇએ. કેટલાંક જીવો નિમિત્તવશાત્ કે નિકાચિત કર્મોના ઉદયથી તેને ગુમાવી દે છે. છતાંય તેઓ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામશે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે; તે વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્રમોહનીયાદિના ઉદયે અસત્ ક્રિયાઓ સમ્યક્ ગુણને લીધે નિર્જરાનું કારણ બનાવી શકે છે.
શાસ્ત્રકાર મહર્ષિઓએ પાંચ લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આસ્તિકય,અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણના લક્ષણો બતાવ્યા છે. આત્માને સૌ પ્રથમ આસ્તિકય પ્રથમ થાય, પછી અનુકંપા, ત્યારપછી નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણના લક્ષણો બતાવ્યા છે. લાભનો ક્રમ આ પ્રમાણે હોવા છતાં પણ કેટલીક જગ્યાએ પશ્ચાનુક્રમથી વર્ણન કર્યું છે. પહેલા કરતા બીજાની, બીજા કરતાં ત્રીજાની અને ચોથા કરતાં છેલ્લાની મહત્તા વધુ છે.
સમ્યગ્દર્શન પામેલા પુણ્યાત્માનો સંવેગ અનુપમ કોટિનો હોય છે. એનું અંતર માત્ર મોક્ષ માટે પ્રાર્થના કરતું હોય છે, મોક્ષના સાધનો છોડી બીજી કોઈ વસ્તુ પ્રાર્થનાઈ લાગતી નથી. મોક્ષ સુખ સાચું છે અને તે સિવાયનું સુખ સુખાભાસ છે. દુઃખરૂપ છે.
તેનો નિર્વેદ એવો છે કે ચાર ગતિ પૈકી કોઇપણ ગતિમાં રહેવા ઇચ્છા હોતી નથી. સંસાર પ્રત્યે મમત્વ રહેતું નથી. પંચમ ગતિ સિવાય કશાની અપેક્ષા નથી.
આ પુણ્યાત્માઓની અનુકંપા અસાધારણ કક્ષાની હોય છે. સમ્યગ્દર્શન પામેલો પુણ્યાત્મા ભયંકર એવા ભવસાગરમાં દુઃખથી પીડાતા પ્રાણીઓ પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી અનુકંપા કરે છે. તેનું હૃદય તેઓ પ્રત્યે મૃદુ, કોમળ, દયાર્દ કંઇક કરી છૂટવા તત્પર હોય
છે.
આ પુણ્યાત્માઓનું આસ્તિકય એવું છે કે ‘તમેવ સચ્ચું જં જિણેહિં પવેઇઅં' તેમાં જરાપણ છૂટછાટ મૂકવા તૈયાર હોતા નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્મા કર્મોના તેવા પ્રકારના ક્ષયોપશમ ભાવના સુયોગે એવો ઉપશાંત, સંવેગયુક્ત, નિર્વેદવાળો, અનુકંપાશીલ અને આસ્તિયધારી બને છે જેથી મોહનીય કર્મના
તા. ૧૬-૪-૨૦૦૦
ઉદયે થતી વેદનાથી રહિત બને છે. તેઓ ભવદુઃખની વેદનાથી રહિત.બને છે. વળી આવા પ્રકારના ઉપશાંતાદિ ભાવોના પ્રગટીકરણ માટે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કષાયોના ઉદયાભાવની-અનુદયની અપેક્ષા રહેતી નથી; માત્ર અનંતાનુબંધી કષાયોના ઉદયાભાવની અપેક્ષા રહે છે.
આ પાંચ લક્ષણોમાં પ્રથમ આસ્તિકયનો લાભ, ત્યારપછી
અનુકંપા, નિર્વેદ, સંવેગ અને છેલ્લે શમ કે પ્રશમનો લાભ થાય છે. સર્વ સાવધ યોગો ત્યજી વ્યક્તિ સામાયિક કરવા બેસે છે. મુહપત્તિ, કટાસણું, ચરવળો જે પ્રતીકાત્મક છે તેનો ઉપયોગ કરી સામાયિકસ્થ વ્યક્તિનું ધ્યેય સમતા પ્રાપ્ત કરવાનું છે. સમતાથી શમ કે પ્રશમ મળે છે. સામાયિકનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા. સમતાધારી ક્ષમાશીલ હોય છે. તેથી જૈન સાધુને તપશ્રમણ, જ્ઞાનશ્રમણાદિ ન કહેતાં ક્ષમાશ્રમણ કહે છે. શમ એટલે શમવું, શાંત થઇ જવું. અનંતાનુબંધી કષાયોનો વિપાકોદય જોરદાર ન રહેતા મંદતમ બની જાય તેમ તેમ પ્રશમ ભાવ વૃદ્ધિને પામે છે. આ પાંચ લક્ષણોના સ્વરૂપને બરોબર સમજી વિચારાય, તેને આચરણમાં મૂકાય તો તે રીતે જીવ અપૂર્વકરણને અને તે દ્વારા રાગ-દ્વેષના પરિણામરૂપ ગ્રંથિને ભેદી અનિવૃત્તિકરણ અને પછી સમ્યગ્દર્સન પામી શકે છે.
જીવનું મોહનીય કર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. દર્શનમોહનીય અને ચરિત્રમોહનીય, સમ્યકત્વીને મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમાદિ થયેલા હોય, પરંતુ ચારિત્રમોહનીયનો થયેલો ન પણ હોય. મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ વગર વિરતિ નહીં અને તેથી ગ્રંથિભેદ નહીં અને સંવેગ સ્વસ્વરૂપમાં પ્રગટતો નથી. ચારિત્ર-મોહનીયાદિના ઉદય સામે સાવધ ન રહે તો સમ્યકત્વીનું પતન પણ થઇ જાય. મિથ્યાત્વ ગયા પછી સમ્યકત્વ પ્રગટે, ફરી પાછો મિથ્યાત્વનો ઉદય થઈ જાય તો પણ જીવ અર્થપુદ્ગલપરાવર્તકાળથી ઓછા કાળમાં મુક્તિ પામે જ.
(ક્રમશઃ)
સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક ‘પ્રબુદ્ધ જીવન’માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે
કે ૧૯૯૯ના વર્ષ માટેનું પારિતોષિક ડૉ. ગુલાબ દેઢિયાને એમના લેખો માટે આપવાનું નિર્ણાયક સમિતિએ નક્કી કરેલું છે. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી
ઘનશ્યામભાઇ દેસાઇ તથા શ્રી દીપકભાઇ દોશીએ સેવા આપી છે. જે બદલ અમે તેમના આભારી છીએ.
D નિરુબહેન એસ. શાહ
E ડૉ. ધનવંત ટી. શાહ
મંત્રીઓ