________________
તા. ૧૬-૧૧-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
સ્થિર રહેવાનું જેને ન પરવડે તે ગ્રાફ
C ગુલાબ દેઢિયા
દૂધમાં મેળવા ભળે ત્યારથી બે પ્રક્રિયાઓ શરૂ થાય છે. આપણને તો નરી આંખે દેખાય નહિ એવી સૂક્ષ્મ રીતે દૂધ પોતાનું દૂધપણું સંકેલતું જાય છે અને મેળવા પોતાનું દહીંપણું વિસ્તારતું જાય છે. એક એવી ઉત્તમ કક્ષા આવે છે જ્યારે દૂધ મટી ગયું હોય છે અને પૂર્ણ દહીં જામી ગયું હોય છે. જો લાંબો વખત દહીં પણ એમ જ પડી રહે તો એનાંય વળતાં પાણી થાય છે. ખટાશ વધે છે, દહીં તરડાય છે, ફાટે છે, પાણી છોડે છે.
આખો ખેલ બીજી રીતે નિહાળીએ તો ગ્રાફમાં ગતિ કરે છે. દૂધનો ગ્રાફ નીચે જતો જાય છે. દહીંનો ગ્રાફ ચડતો જાય છે. પછી દહીં થોડો વખત સમ પર આવે છે. પછી ગ્રાફ ઝૂકતો જાય છે.
છોડની ડાળીએ કળી દેખા દે છે. વિકસતી જાય છે. પુષ્પ રૂપે પાંગરે છે. પુષ્પ આદર્શ સ્થિતિએ પૂર્ણરૂપે પ્રફુલ્લિત થાય છે અને તે સાથે જ ખરવાની પ્રક્રિયાનો આરંભ થાય છે.
અહીં પણ એક રમણીય ગ્રાફ રૂપ, રંગ, ગંધ, આકારથી ગતિમાન હોય છે. આ ગ્રાફમાં ઉબડખાબડ ગતિ નથી. ચંદ્રની કળાની પેઠે માફકસરની વધઘટ છે. એકમથી પૂનમ અને એકમથી અમાસની ચાલ છે.
ઘણી ખરી વસ્તુઓ એક મથાળાની સ્થિતિએ પહોંચે છે. એ એની પરાકાષ્ઠા હોય છે. ઉપર ચડતાં ચડતાં એક ટોચ આવે છે. પછી સ્વાભાવિક રીતે જ આરોહ પછી અવરોહ શરૂ થાય છે.
ગ્રાફ સર્વત્ર છે. પરંતુ બધા ગ્રાફની ગતિ એક સરખી નથી. નિરનિરાળી છે. ટેકરી જેવા ગ્રાફ, મહાનગરની ઊંચી નીચી પહોળી સાંકડી ઇમારતો જેવા ગ્રાફ, કરવતના દાંતા જેવા ગ્રાફ, દાદર કે વાવના પગથિયા જેવા ગ્રાફ, રેતીના ટૂવા જેવા ગ્રાફ, દરિયાઈ મોજાં જેવા ભરતી ઓટના ગ્રાફ, વીજળીના ચમકારા જેવા ગ્રાફ, શ્વાસોચ્છવાસના અને રક્તાભિસરણના ગ્રાફ, આપણે જોઇએ છીએ અને અનુભવીએ પણ છીએ.
આપણા મન જેવું વ્યસ્ત ફલક કોઇ નથી. અહીં સદાય આલેખોનો મેળો જામે છે. મનનો ગ્રાફ સાતમે આસમાને ચડે તો બીજી ક્ષણે સાતમા પાતળે પડે એવા વીજળી જેવા આંચકા આ ગ્રાફમાં હોય છે. મનનો ગ્રાફ સમથળ ચાલે એ તો ઊંઘમાંયે ભાગ્યે બને છે.
ભૂખ લાગે છે, વધે છે, ફાડી ખાય છે. પછી ભોજન લઇએ છીએ. થોડુંક ખાતાં તૃપ્તિનો એક વિસામો આવે છે. પછી ખાતાં જ રહીએ છીએ. ભૂખ અને તૃપ્તિ બન્ને અવસ્થાઓ વટાવી જઇએ છીએ. ઓડકાર એ તૃપ્તિના ગ્રાફનું શિખર હશે. ત્યાં પણ ન અટકીએ તો ગ્રાફ લાચાર બની જાય છે.
પ્રવચન સાંભળતાં કે પ્રવચન દેતાં એક ઉત્કૃષ્ટ ક્ષણ આવે છે. એક કળશ આવે છે. પછી નાનાં મોટાં શિખરો આવે છે, જેમ કોઈ મંદિરનાં ઘણાં નાનાં મોટાં દેરી-શિખર હોય. ખોડંગાતો ગ્રાફ પ્રવચનને નીરસતાના કીચડમાં ખૂંપવી દે છે.
ગ્રાફ વિમાનની ગતિએ ઊંચે ચડે ને પછી ધીરે ધીરે ઢોળાવની ગતિએ નીચે ઊતરે એવું ય બને. સૂર્યોદય જોતી વખતે એવો અનુભવ થાય છે. બાલ રવિના લાલકેસરી ગોળાને જોતાં પ્રથમ જે ઊર્મિ પરાકાષ્ઠાએ ચડે છે તે સૂર્યના ચડતાં ચડતાં ઊતરતી જાય છે.
ગ્રાફ પરાકાષ્ઠાએ હોય ત્યારે જ ડાયરો અને ડેલી છોડી નીકળી જઇએ તો સારું નહિ તો પછી તો વાતોનો રસ ખૂટતો જાય, ભેરુઓ
૯
ઊઠતા જાય અને છેલ્લે તો ગ્રાફ ચોળાયેલા પાથરણા સુધી બગાસાંના ઢેબા ખાતો આવી ગયો હોય.
ટૂંકી વાર્તા, નાટક કે ફિલ્મ માણતાં જણાય છે કે પરાકાષ્ઠાની ક્ષણ આરંભે નથી હોતી પણ અંતની નજીક હોય છે. ગ્રાફ પગથિયાં ચડતો ચડતો ટોચ પર પહોંચે છે. બસ ત્યાં જ પૂરું થવું એ ગ્રાફની ધન્યતા !
આમ તો આપણે ભાતભાતના ગ્રાફને ગજવે ઘાલીને ફરીએ છીએ પણ વાસ્તવમાં તો જોરાવર ગ્રાફ આપણને મુઠ્ઠીમાં લઇને ફરે છે.
અજાણ્યા સ્થળે અપરિચિતતાનો ગ્રાફ, મૂંઝવણનો ગ્રાફ, ભયનો ગ્રાફ તો આપણને ઘસડી જતો લાલચનો ગ્રાફ, ક્રોધનો ગ્રાફ, માન અને લોભનો ગ્રાફ આપણા તો કેવા હાલ કરી દે છે!
આરામનો પણ ગ્રાફ હશે ને ! ચાલતાં ચાલતાં થાકીએ, બેસીએ, એ ક્ષણ ટોચ પર હોય. પછી આરામ જમા થતો રહે. પછી તો આરામનો ય થાક લાગે. આપણી પ્રિય નિદ્રામાંય એક આરોહ આવે ગાઢ નિદ્રાનો, પછી ઉતરાણ શરૂ થાય.
પ્રતીક્ષા ચડતાં ચડતાં બહાવરાપા સુધી લઈ જાય. વિહ્વળ કરી દે પણ ટોચ અને સમ ગતિ ગ્રાફમાં કેટલી વાર ! પ્રતીક્ષા લંબાતી જ જાય તો રાહ જોવાનું ભૂલી ય જઇએ. પ્રતીક્ષાનો ગ્રાફ તૂટતો હોય અને નિરાશાનો ગ્રાફ માથું ઊંચકતો હોય ત્યાં જ જો મિલન રચાય તો તો પૂછવું જ શું ? એ આલેખ અનાલેખ બની રહે.
રાત વધતી જાય, કૌતુક્રિયા ચાલ્યા જાય, ખરા શ્રોતાઓ આતુરઉત્કંઠ અડ્ડો જમાવી નિરાંતે બેઠા હોય. ભજનિક ઊંચા આલાપ લે, પંચમ સ્વરમાં ગાય, હવામાં એનો સ્વર ઊઠતો ને ઊડતો દેખાય. શ્રોતાઓના મુખમાંથી અનાયાસ ઉદ્ગાર આવી જ જાય ‘મથે વિન’, ‘મથે વિન’ ઉપર જા, ઉપર જા, હજી ઉપર જા.
ખરી કટોકટીની ક્ષણો હોય, ખરાખરીનો ખેલ હોય, સૂર અને સ્વરની માત્રા ઉપર ઉપર ઊડતી જાય. ગાયક શ્વાસનો સંગ્રામ ખેલે. ક્ષણો એ સંગીતથી રંગાઈ જાય. ગાયકના મનમાં શું ચાલતું હશે ! મને હજી સમજાતું નથી. એ અનુભવ વિરહ શબ્દાતીત. ગ્રાફને આવી ખરાખરીમાં શિખર પર રાખવો કેટલું દુષ્કર કામ !
શેર બજારમાં જીવતા શેરોનો ગ્રાફ લાંબો વખત એકધારો સ્થિર ન રહી શકે. તેમ આપણા જીવતરમાંય બહારથી સ્થિરતા દેખાતી હોય તેમાંય અંદરખાને ચડઊતર અવિરત ચાલુ જ હોય છે. કેટલાક એવા બનાવો હોય છે જે ગ્રાફની સરહદમાં સમાતા નથી.
જેને આપણે અચાનક, એકાએક કે અકસ્માતે કહીએ છીએ એ તો આપણી મર્યાદા છતી કરે છે. તીર ગતિથી ચડાતું પણ નથી અને પડાતું પણ નથી. એ પહેલાં સૂક્ષ્મ આંતરિક તૈયારી તો થઇ જતી હોય છે.
આપણને એક નહિ અનેક ગ્રાફ સાથે પનારા પડે છે. એક ગ્રાફ ચડતો હોય ત્યારે બીજો પડતો હોય અને ત્રીજો વંકાતો હોય, આંટી દેતો હોય તો ચોથો કૂદકા મારતો હોય. આરોગ્ય, સંબંધ, સિદ્ધિ-કીર્તિ, વ્યવહાર, સમજા, વય, અર્થવત્તા, કુટુંબ, સમાજ, વાતાવરણા, સમયકેટકેટલા ગ્રાફ એકબીજા પર પ્રભાવ પાડતા, પ્રભાવ ઝીલતા આપણી સાથે જ ચાલે છે.
ગ્રાફ અને હું એકમેક પર પ્રભાવ પાડતા લેખાંજોખાં કરતા રહીએ છીએ. લોકો એને જીવનના નામથી ઓળખે છે.
܀܀܀