________________
.
પ્રબુદ્ધ જીવન
બદરી સર ઘડૉ. રણજિત એમ. પટેલ (અનામી)
કેટલાક સમય પહેલાં આકાશવાણી પર ‘બદરી સર’ નામનું એક પ્રહસન મેં સાંભળ્યું. એમાં બદ્રીપ્રસાદ નામના કામચોર, ઢોંગી, પ્રતારણા કરનાર એક શિક્ષકની એમના કેટલાક જૂના વિદ્યાર્થીઓ ભાતભાતની ટીકા કરી ઠેકડી ઉડાડે છે. આ પ્રહસન સાંભળતાં મને મારા અનુભવમાં આવેલા એવા બીજા બદ્રીપ્રસાદોનું સ્મરણ થયું. આમ તો મારે કહેવું જોઈએ કે અમારા જમાનાના પ્રાથમિક શાળાના શિક્ષકો અત્યારની માધ્યમિક શાળાના શિક્ષકો કરતાં પણ વિદ્યા ને નિષ્ઠાની બાબતમાં ચઢિયાતા હતા ને માધ્યમિક શાળાના કેટલાક અધ્યાપકો તો અત્યારની કૉલેજોના લેક્ચરરો ને પ્રોફેસરો કરતાં પણ વધુ સારા હતા...પણ દરેક જમાનામાં અમુક ‘નમૂના’ તો મળી રહેવાના.
(૧) અમારા જમાનાના, પ્રાથમિક શાળાના-‘કુમારાશાળા'ના એ બદ્રીપ્રસાદનું નામ આપી હું એમને ‘અમર’ કરવા માગતો નથી. પણ એમને છીંકણી સૂંઘવાની ને અફીણ ખાવાની બૂરી આદત. અફીણાનું ઘેન ચઢે ત્યારે મેજ પર ટાંટિયા લંબાવી નસકોરાંની ધમણા ચાલુ કરી દે. એ તો ઠીક, પણ દરેક પટેલ વિદ્યાર્થીને પૂછે : ‘તમારે ઘરે ડોબાં તો હશે.' ભેંસને એ ડોબું કહેતા. છ-સાત વિદ્યાર્થીઓના ઘરેથી દૂધના લોટા જાય. વગર ભેંસે વલોણું થાય ! એમના બે ખાસ વિદ્યાર્થીઓ
એવા હતા જેમને ગામની નદીએ કપડાં ધોવા માટે તેઓ મોકલે. એ
‘ખાસ વિદ્યાર્થીઓ’ને જતે દિવસે સમજાયું કે આ બધી ‘ગુરુસેવા’ એમના અભ્યાસને ભોગે થઈ રહી છે. એટલે એકવાર એ લોકોએ ધોતિયામાં
મડિયા ભરીને ઝીંકો મારી...જેથી ધોતિયામાં અનેક કાણાં પડી ગયાં..પરિણામે ફરજિયાત ગુરુસેવામાંથી મુક્તિ મળી ! સા વિદ્યા યા વિમુજ્તયે બીજી રીતે પણ ફળી !
(૨) આજથી અર્ધી સદી પૂર્વે, જે લોકો શિક્ષણશાસ્ત્રમાં બી.ટી.બી.એડ. ન કરી શકે તે ટી.ડી. કે એસ.ટી.સી. પણ કરતા. ટી.ડી. કરવા કેટલાક લંડન પણ જતા. ટી.ડી. એટલે ટીચિંગ ડિપ્લોમા. મેટ્રીક થયેલ પણ એ કરી શકે. એવા એક ટી.ડી.ના ઉમેદવારની આ ‘ગાથા’ છે. એમને કવિ નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક' એ કાવ્ય ધોરણ આઠમામાં શિખવવાનું હતું. કાવ્યમાં કવિ કહે છે : ‘યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી' ત્યાં સુધી તો ગાડી પાટે બરાબર ચાલી, પણ જ્યારે આ પંક્તિ આવી,-‘જીવતો છઉં હું દમથી’...ત્યારે શિક્ષકે કહ્યુંઃ ‘નર્મદ કહે છે : ‘મને ઘણા સમયથી દમનો વ્યાધિ થયો છે તો પણ હું જીવું છું ને સાહિત્યની સેવા કરું છું...તો મારા સાહિત્યના હે રસિકજનો ! તમો શોક કરશો નહીં.” શિક્ષકે તો બફાટ કર્યો પણ પાઠ-નિરીક્ષકે પણ એની નોંધમાં (જર્નલમાં) ટીકા કરી નહીં. ‘દમ' એટલે ‘સ્પીરીટ' નર્મદનો જ શબ્દ વાપરીએ તો ‘જોસ્સો’...લક્ષ્યાર્થની વાત કરીએ તો ‘સાહિત્યિક તત્ત્વ કે સત્ત્વ'થી.
બિચારા ‘દમ’નો દમ કાઢી નાખ્યો !
(૩) પંચાવન સાલ પૂર્વે હું બી.ટી.નો વિદ્યાર્થી હતો. આદિ-કવિ નરસિંહ મહેતાનું ‘નાગદમન' કાવ્ય મારે શિખવવાનું હતું. કાલીયનાગ અને કૃષ્ણના યુદ્ધના વર્ણનમાં આ પંક્તિઓ આવે છે :
બેઉ બળિયા બેથે વળગિયા,
કૃષ્ણે કાળી નાગ નાથિયો;
સહસ્ત્ર ફેણા ફુંકવે જેમ ગગન ગાજે હાથિયો.’
છેલ્લી પંક્તિની ઉપમા સમજાય નહીં, જેમ ગગન ગાજે હાથિયો’...એટલે શું ? તે કાળના કૉલેજના એક પ્રોફેસરને પૂછ્યું...તો કહે...આમાં શું નથી સમજાતું ? જેમ ગગનમાં હાથી ગર્જના કરે તેમ સહસ્ત્ર ફેણના ફૂંફવાટ ગર્જના કરવા લાગ્યા’. મેં શંકા-પ્રશ્ન કર્યો-‘પણ
ગગનમાં હાથી ક્યાંથી ?' તો કહે : ‘મહાભારતના યુદ્ધ વખતે ભીમની ગદાથી જે હાથીયો આકાશમાં ગયેલા...તેમની ગર્જના’, મેં કહ્યું: ‘તર્કની દૃષ્ટિએ આ બરાબર નથી.' પ્રોફેસર સાહેબને પડતા મૂકી મેં મારા એક શાસ્ત્રી–પંડિત મિત્રને વાત કરી...તો કહે : ‘અનામી ! તમને ખબર છે...હસ્તિ નામના નક્ષત્રની ? એ હસ્તિ (હાથિયો) નક્ષત્રમાં ગગનમાં મેઘગર્જના ભારે થાય.' પંડિતની વાત મને સત્યનારાયણના પ્રસાદની જેમ એકદમ ગળે ઊતરી ગઈ ને પ્રોફેસર સાહેબની તુક્કાબાજી પર હસવું પણ આવ્યું.
(૪) આ ચોથા ‘બદરીપ્રસાદ', મારા અનુભવ-વિશ્વના નથી. એક શિક્ષકને કાવ્ય શિખવવાનું હતું. કાવ્યની પ્રથમ પંક્તિ આ પ્રમાણેની છે : ‘ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં.’ કાવ્ય-પઠન પછી શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછ્યા: ‘શું બોલે છે ?’ વિદ્યાર્થી કહે ‘મોર બોલે છે’ શિક્ષક કહે : કેવા મોર બોલે છે ?' વિદ્યાર્થી કહે : ‘ઝીણા ઝીણા મોર બોલે છે.’ શિક્ષક કહે : ઝીણા ઝીણા મોર ક્યાં બોલે છે ?' વિદ્યાર્થી કહે : ‘લીલીના ઘરમાં ઝીણાં ઝીણાં મોર બોલે છે ?’ ‘લેશન' પતી ગયો. લીલી નાઘેરનો રળિયામણો પ્રદેશ લીલીનું ઘર બની ગયું ને ‘અભિનવ બદ્રીપ્રસાદ' 'ગુરુ' બની ગયા !-બી.ટી.ની ઉપાધિ પ્રાપ્ત કરીને !
(૫) પાંચમા ‘બદરીપ્રસાદ', ઉપર્યુક્ત ચારની જમાતમાં સમાસ પામી શકે તેમ નથી પણ એમનો જે મોભો હતો એને અનુરૂપ એમની સજ્જતા કે
વ્યુત્પત્તિ રજ માત્ર નહીં. કવિવર ન્હાનાલાલના એ પરમ અનુરાગી.
ન્હાનાલાલની નીચે દર્શાવેલી કવિતાઓ શિખવવાની આવે-દા.ત.:(૧) વિરાટનો હિંડોળો ઝાકમઝોળ
કે આભને મોભે બાંધ્યા દોર
(૨) ચન્દ્રીએ અમૃત મોકલ્યાં હો બહેન ! ફુલડાં-કટોરી ગૂંથી લાવ જગ માલણી હો બહેન !
તા. ૧૬-૧૧-૨૦૦૦
અમૃત અંજલિમાં નહીં ઝીલું હો બહેન ! (૩) રજનીની ચુંદડીના છેડાના હીરલા શા ઊગે છે તારલા આજ ધીમે ધીમે... તો તેઓ એક જ ધ્રુવપદ આલાપવાના:
‘અહાહા ! શું ભવ્ય છે ! શું સુંદર છે ! અતિ ભવ્ય છે, અતિ સુંદર છે...શું ભવ્ય-સુંદર છે !' એમાં શું ભવ્ય-સુંદર છે, શાથી ભવ્યસુંદર છે, ‘ભવ્ય’ ને ‘સુન્દર'ની વિભાવના શી ? અને એ ‘ભવ્યસુન્દર'નો કવિતામાં કેવોક કલાત્મક વિનિયોગ થયો છે...એ બધું જ અધ્યાહાર ! કેવળ એક જ ધ્રુવપદ ! અહાહા ! શું સુંદર છે ! શું ભવ્ય છે !' વિદ્યાર્થીઓએ એમનું ઉપનામ ‘સુંદર ભવ્ય સર’ પાડેલું.
‘બોલ મા, બોલ મા, બોલ મા રે રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’આ પંક્તિમાં ‘મા’ નકારવાચક શબ્દ છે. પણ એનો અર્થ શિક્ષક જનેતા કરતા. આવા ‘જનેતા'ના જનક પણ એક બદરીસર હતા.
શિક્ષાને ધર્મ કે કર્તવ્યને બદલે વેઠ કે સજારૂપ સમજનારા Sense of Purpose કે Feeling of involvement વિનાના, કશે જ ગોઠવાઈ શક્યા નહીં એટલે ‘ચકરડાના ચોરસ’ સમા આવા ‘બદરી સર' દરેક જમાનાને મળ્યા જ હશે ! આવા ‘બદરી સો' પાક્યા જ ન હોત તો સાચા, નિષ્ઠાવાન ગુરુઓની તુલના કોની સાથે કરત ? તુલનાથી ઐતિહાસિક દૃષ્ટિ ખીલતી હોય તો આવા ‘બદરી સરો' પણ વખારમાં નાખવા જેવા તો નહીં જ ! છેવટે જમાનાની સ્મૃતિમાં તો સચવાઈ રહ્યા છે ! વિદ્યા અને શીલથી-વિભૂષિત સાચા ‘બ્રાહ્મણ’ બન્યા સિવાય ‘અસલી બદરીપ્રસાદ સર' બની શકાય નહીં..