________________
તા. ૧૬-૧૧-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
શકાય.
સંસ્કૃત સાહિત્ય-નાટકો તરફ નજર નાખીએ તો સારા અમાત્યો ઉપર રાજ્યનો ભાર સોંપીને વિલાસી વાતાવરણમાં જીવતા રાજાઓની વાત રત્નાવલી-પ્રિયદર્શિકા વિગેરેમાં જોવા મળે છે. મુદ્રારાક્ષસ રાજકીય ખટપટોથી ભરપૂર નાટક છે. તેમાં ચાણક્યની બુદ્ધિથી અનેક પ્રસંગે ચંદ્રગુપ્તને ઉગારી લેવામાં આવે છે અને રાક્ષસ જેવા વફાદાર અમાત્યને ચંદ્રગુપ્તના પક્ષમાં લાવવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ કરેલી તેનું દર્શન છે. ચાણક્યનું પ્રસિદ્ધ વિધાન છે કે રોગ અને શત્રુને ઊગતો જ ડામી દેવો જોઇએ. મૃચ્છકટિકમાં ગોપાલક નામના દુષ્ટ રાજાને બદલે આર્યક રાજા થાય છે અને ચારુદત્ત જેવા સજ્જનને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભારવિ રચિત કિરાતાર્જુનીયમમાં દુર્યોધનની રાજનીતિ અંગે અને ભીમ અને દ્રૌપદીની દુશ્મનો સામે કેવી સજ્જતા કેળવવી જોઇએ તે અંગેની દલીલો ધ્યાનદાયી છે.
હિન્દી સાહિત્યમાં યશપાલની નવલકથાઓમાં સામ્યવાદી વિચારધારાની કલાત્મક અભિવ્યક્તિ થયેલી નજરે પડે છે. તેમની મુખ્ય નવલકથાઓ ઝૂઠા-સચ, દેશદ્રોહી, મનુષ્ય કે રૂપ વિગેરે છે. જ્યારે જેનેન્દ્ર, અજ્ઞેય, ઇલાચન્દ્ર જોષીની નવલકથાઓ-વાર્તાઓ મનોવિજ્ઞાન, જે પણ રાજ્યશાસ્ત્રના જેવો જ સામાજિક શાસ્ત્રનો એક ફાંટો છે, તેના પર આધારિત છે. હિન્દી ભાષાના સુખ્યાત કવિ છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતે ‘તાજ’ને એક નવી દૃષ્ટિએ જ નિરૂપ્યો છે. તેઓના લખાણોમાં કાવ્યોમાં પ્રગતિવાદી, સામ્યવાદી વિચારધારાની છાંટ જોવા મળે છે. નાગાર્જુનમાં જનવાદી લોકશાહીવાદી વિચારધારા પડેલી છે. પ્રેમચંદ મુનશીના લખાણામાં સામાજિક જીવનના તાણાવાણા સરસ રીતે રજૂ થયેલા છે.
અંગ્રેજી સાહિત્યમાં પણ મૂડીવાદ, સમાજવાદ, લોકશાહીના ખ્યાલો નિરૂપાયેલા છે. એરિક ફ્રોમનું પુસ્તક સેઇન સોસાયટીમાં ઉદાત્ત સમાજ કેવો હોય તેની સુંદર ચર્ચા કરી છે. અંગ્રેજી કાવ્યો, સાહિત્ય, નવલકથાઓ, નાટકો, નવલિકાઓમાં રાજ્યજીવન-સમાજજીવનની ચર્ચા પડેલી છે. અમેરિકામાં Black Literature એ રંગભેદની નીતિમાંથી ઉપસી આવેલું છે. ચાર્લ્સ ડિકન્સનાં લખાણોમાં તત્કાલીન રાજકિય જીવન-સામાજિક જીવનની છાંટ પડેલી જોઇ શકાય છે. અમેરિકાના કવિ રોબર્ટ ફ્રોસ્ટ જવાહરલાલ નહેરુના પ્રિય કવિ હતા. તેમણે ઉત્તમ કાવ્યો લખ્યાં છે. તેઓનાં કાવ્યોમાં ફિલસૂફીનાં તત્ત્વો પડેલાં છે. ઉપરાંત તેઓ ઉપદેશાત્મક કવિ છે. ઉપરાંત સારા પદ્યકાર છે. ખાસ કરીને એમની કૃતિઓ એ માસ્ક ઓફ મર્સીત્ત એ માસ્ક ઓફ રીઝનમાં નીતિમત્તા-નીતિની સમસ્યાઓ-જીવનની સમજ અંગેની માહિતી મળે છે. તાજેતરમાં સલમાન રશીદીના પુસ્તક સેતાનિક વર્સિસે ચર્ચા જગાવેલી તે સુવિદિત છે.
ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ૧૯મી સદીમાં ભારતમાં અંગ્રેજ સત્તા સ્થિર થઇ ત્યારે એ સમયના અગ્રણી કવિઓ દલપતરામ અને નર્મદે અંગ્રેજ રાજ્યને વખાણેલું. ‘હ૨ખ હવે તું હિંદુસ્તાન, દેખ વિચારી બકરીનો કોઈ ન પકડે જાતાં કાન’-દલપતરામે ગાયું હતું. જો કે નર્મદે લોકજાગૃતિ લાવવામાં પોતાના સાહિત્ય દ્વારા ઘણો ફાળો આપેલ હતો. ભાવનગરના મીરઝા મુરાદઅલી બેગ નામના લેખકની ‘ઓન ધ માઉન્ટન ટોપ' લેખમાળા પરથી ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ લખેલી ‘હિંદ અને બ્રિટાનીયા' નવલકથામાં ‘હિંદ અને બ્રિટન'ના સંબંધોની ચર્ચા થયેલી છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રખ્યાત નવલકથા ‘સરસ્વતીચંદ્ર' જે ચાર ભાગમાં લખાયેલ છે, પહેલો ભાગ ૧૮૮૭માં અને છેલ્લો ભાગ ૧૯૦૧માં બહાર પડચો તેમાં ઘણી જગ્યાએ તે સમયના દેશી રાજ્યો અને અંગ્રેજ શાસન વચ્ચેના સંબંધોનું નિરૂપણ
૭
છે. દેશી રાજ્યોની ખટપટ-કાવાદાવાની ઝાંખી થાય છે.
કવિ નર્મદના ‘જય જય ગરવી ગુજરાત' ગીતથી ગુજરાતીઓમાં ગૌરવની ભાવના જાગૃત થઇ એમ કહી શકાય. નર્મદે શૌર્ય પ્રેરક ગીતો લખ્યા છે. તેણે લખ્યું કે ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું, સહુ ચાલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ વિગેરે. ૧૮૫૭ના વિપ્લવ પછી અંગ્રેજોની ગુલામીમાંથી છૂટવાની જે ભાવના પ્રખર બની, બંગાળના ભાગલાએ સમસ્ત દેશને હચમચાવી નાખ્યો ને જાગૃતિ આણી; તેનો પ્રભાવ સાહિત્યકારો-સાહિત્ય પર પડ્યો. દેશપ્રેમને વ્યક્ત કરતાં કાવ્યો રચાવા લાગ્યાં. કવિ કાન્તે ‘ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ તમારાં' એ કાવ્ય રચ્યું. કવિ ન્હાનાલાલે રાષ્ટ્રભક્તિ પ્રેરક કાવ્યો લખ્યાં. કવિ ન્હાનાલાલ ઊર્મિ કવિ અને તેમના કાવ્યોની ડોલનશૈલી એ વખતના યુવાનોને કવિ ન્હાનાલાલના કાવ્યોનું ગજબ આકર્ષણ હતું. કનૈયાલાલ માણેકલાલ મુનશીની ગુજરાતના ઇતિહાસ વિશેની નવલકથાઓ-પાટણાની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ-વિગેરેએ આઝાદી પૂર્વેના સમયમાં યુવાનોમાં ગુજરાતના ગૌરવ-પ્રેમની ભાવના જગાડી. અસ્મિતા શબ્દના જનક મુનશી જ
હતા.
રમાલાલ વ. દેસાઇએ લખેલ, ગાંધીજીએ જાહેર જીવનમાં સત્ય, અહિંસા, સત્યાગ્રહ વિગેરેના જે પ્રયોગો કર્યા તેનો પ્રભાવ, તેમની ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ નવલકથાઓમાં ઝીલ્યો છે અને ગાંધીજીની ભાવનાઓને-વિચારને આમજનતા સુધી નવલકથા દ્વારા પહોંચાડ્યો છે. ગાંધીયુગના કવિઓ ઉમાશંકર જોષી, સુંદરમ્ અને અન્ય કવિઓએ રાષ્ટ્રભક્તિ-દેશપ્રેમ વર્ણવતાં કાવ્યો રચ્યાં છે. પનાલાલ પટેલની વાર્તાઓ, નવલકથાઓમાં પણ સમાજજીવનના તાણાવાણા વણાવેલા જોવા મળે છે. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોએ એ સમયના જુવાનોમાં જાગૃતિ લાવવામાં ઘણો ફાળો આપ્યો છે. દેશપ્રેમ-દેશદાઝ જગાડે તેવાં કાવ્યો તેમણે રચ્યાં છે. ગાંધીજીએ તેથી જ તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા છે. આઝાદી બાદ ભારતીય જાહેર જીવનમાં-રાજકારણમાં જે ભ્રષ્ટાચાર, ગંદવાડ, સગાવાદ, અનીતિ ફેલાયા તેનું પ્રતિબિંબ પણ સાહિત્યમાં ઝીલાયું. ચુનીલાલ મડિયાની ‘સધરા જેસંગનો સાળો' અને ‘સધરાનો સાળાનો સાળો—નવલકથાઓમાં આ બાબત જોવા મળે છે. વિષ્ણુ પંડ્યાની મુખ્યમંત્રી નવલકથામાં પણ ભ્રષ્ટ રાજકારણીઓની છબી પ્રતિબિંબિત થાય છે. હાસ્ય લેખકો વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, નિરંજન ત્રિવેદી વિગેરે પા રાજકારણની ભ્રષ્ટતા પર તીવ્ર કટાક્ષોભર્યા હાસ્યલેખો લખે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી જાહેર કરી ત્યારે તે અંગે સાહિત્યકારોએ પણ તેમના આ સરમુખત્યારી વલણ સામે ટીકાત્મક લખાણો લખ્યા હતા. વિનોદ ભટ્ટે સરસ લખેલ કે કટોકટી માટે જવાબદાર કોણ ! જવાબ આપ્યો રાજા રામ મોહનરાય. એવી જ રીતે ભજનો, શાયરી, દૂહા, છંદ કવિતા વિગેરેમાં પણ રાજ્ય વ્યવસ્થા અંગે એક યા બીજા પ્રકારે લખાયેલું છે. એક નાનકડું ઉદાહરણ-‘રામ રાજ્ય ને પ્રજા સુખી, બે હજાર પ્રજા ને પાંચ હજાર મુખી'-જેમાં દિવસે દિવસે વધતા જતા પક્ષો-નેતાઓ પર આકરો કટાક્ષ કરવામાં આવ્યો છે. અત્રે એ બાબત ખાસ નોંધવી રહી કે અંગ્રેજી ભાષાએ આપણી આઝાદી લડતમાં ઘણો ફાળો આપ્યો છે. આઝાદી પહેલાના ભારતીય રાષ્ટ્રીય સંગ્રામના લડવૈયાઓ પર તે સમયના ઇંગ્લાંડના વિચારોની અસરની સાથોસાથ અંગ્રેજી સાહિત્ય, લેખકો અને કવિઓની પણ અસર પડેલી હતી.
આ રીતે સાહિત્ય પછી તે કોઇપણ ભાષાનું હોય કે દેશનું હોય તે રાજ્યશાસ્ત્ર-રાજ્યવ્યવસ્થા પર એક યા બીજા પ્રકારે અસર પાડતું રહ્યું છે અને પાડતું રહેશે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.