________________
પ્રબુદ્ધજીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
— સ્વ. પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
(ગતાંકથી ચાલુ-૯) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અતીત કેવળજ્ઞાન
ભાવ એ મનની સ્થિતિ છે, હૃદય સ્પંદન છે, લાગણી છે, વેદન છે, અનુભૂતિ છે. આત્મા એની પરમાત્મ અવસ્થામાં, શુદ્ધાવસ્થામાં, સ્વભાવદશામાં હોય છે જે આત્માની સચ્ચિદાનંદ અવસ્થા છે, મસ્ત અવસ્થા છે, સહજાનંદ અવસ્થા છે, વીતરાગ દશા છે. જ્યારે વિભાવદશામાં, અશુદ્ધ દશામાં રાગ-દ્વેષ, સુખ-દુ:ખ, ગુણ-દોષ, પુણ્ય-પાપ, હર્ષ-શોક મિશ્રિત અવસ્થા હોય છે.
કેવળજ્ઞાન એકરૂપ એવું ને એવું જ છે. જ્યારે એક પછી બીજો ખવાતો કોળિયો એવો ને એવો ખરો પણ એ જ નહિ, નદીનો પ્રવાહ એજ પણ પાણી એનું એજ નહિ. જગતનું વહેણ અનાદિ અનંત, પણ જગત એનું એજ નહિ. એ તો પ્રતિપળ પલટાતું, બદલાતું સાદિ-સાન્ત દશ્ય જગત છે. અંદરમાં આપણી અપૂર્ણ અવસ્થાનું અદશ્ય જગત અર્થાત્ ભાવ જગત પણ બદલાતું અને પલટાતું જગત છે, જેને જૈન દર્શનમાં છદ્મસ્થતા-છદ્મસ્થ અવસ્થા કહેલ છે..
પરમાત્મ તત્ત્વ-કેવળજ્ઞાન એ દેશ-ક્ષેત્ર (Space) અને કાળસમય (Time)થી અતીત છે. ‘Soul is beyond time & Space’. જેમ અંતરીક્ષમાં છોડવામાં આવેલ-તરતો મૂકવામાં આવેલ ઉપગ્રહ Satelite ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય છે તેમ અહીં કેવળજ્ઞાની ભગવંત-૫૨માત્મ ભગવંત દેશ અને કાળના બંધનમાંથી મુક્ત થઇ જાય છે. પરંતુ દ્રવ્ય અને ભાવ રહે છે. આત્મપ્રદેશરૂપ દ્રવ્ય અને કેવળજ્ઞાનરૂપ-સ્વરૂપગુણ-ભાવ રહે છે, એટલે તેઓ દ્રવ્ય-ભાવ ઉભયાત્મક છે. એમના દ્રવ્ય અને ભાવ એક છે અને અભેદ છે. જ્યારે છદ્મસ્થ · સંસારી જીવોનું જીવદળ, આત્મદ્રવ્ય, જીવદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આશ્રિત છે, જેમાં ક્ષેત્ર-ક્ષેત્રાંતરતા અને રૂપ-રૂપાંતરતા અર્થાત્ પરિભ્રમણ અને પરિવર્તન હોવાથી દ્રવ્ય અને ભાવ પરિવર્તનશીલ છે, તે કારણથી એ ભેદરૂપ છે.
જે દ્રવ્યના પ્રદેશ સ્થાનાંતરગમન નહિ કરે તે ક્ષેત્રાતીત કહેવાય. જે દ્રવ્યના પ્રદેશ રૂપાંતરગમન નહિ કરે તે કાળાતીત કહેવાય. આપણા કર્તા-ભોક્તા ભાવ, અજ્ઞાનભાવ, મોહભાવ, દેહભાવ, દેહાધ્યાસ અંગે ક્ષેત્ર, કાળ અને ભાવ આપણે ઊભા કરેલ છે. એ પરમાર્થથી નથી. જો કર્તા-ભોક્તા ભાવ આદિ કાઢી નાંખીએ તો દ્રવ્ય અને ભાવ એક થઈ જાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો માત્ર દ્રવ્ય અને ભાવ રૂપ છે અને તેથી ક્ષેત્રાંતીત અને કાળાતીત થાય છે. આપણે આકાશાસ્તિકાયમાં અવગાહના લઇને રહ્યાં છીએ. આપણું કદ નાનું છે તેથી ક્ષેત્ર ભેદની કલ્પના કરીએ છીએ, જેને દેશાકાશ તરીકે ઓળખીએ છીએ. કદ નાનું મોટું થતું હોય છે માટે કલ્પના કરેલ છે. કલ્પ (અદ્વૈત) એક હોય અને કલ્પના અનેક હોય.
‘જેવું જ્ઞાન તેવું જ્ઞેય !' આપણું જ્ઞાન વિનાશી અને ક્રમિક છે તે જો અવિનાશી અને અક્રમિક બની જાય તો શેય પણ જ્ઞાન જેવું અવિનાશી બની જાય. શેય અનાદિ-અનંત એક અવિનાશી છે. ફિલ્મ પ્રોડ્યુસરને આખી ફિલ્મ અખંડ એક દેખાય. જોનાર પ્રેક્ષક પડદા ઉપર ક્રમથી જુએ છે તે તેની દશા છે. એ અપેક્ષાએ સંસાર અનિત્ય શું ? સંસાર અસાર શું ? માત્ર આપણી કલ્પના છે-સ્વપ્ન
તા. ૧૬-૪-૯૮
છે. જાગૃત થતાં-કેવળજ્ઞાન થતાં કેવળજ્ઞાનમાં બધું એક અખંડ નિત્ય બની રહે છે. હે ભગવાન ! જે તમારી દશા નથી, સંસાર જે તમને નથી, સંસાર તમારા જ્ઞાનમાં અસાર નથી-અનિત્ય નથી તેનો તમો અમોને ઉપદેશ આપો છો ? હા ! ભગવંત તે તમો ઉપકારી અમારી છદ્મસ્થ સંસારી જીવોની દશાની અપેક્ષાએ ઉપદેશ આપો છો ! માટે જ કેવળજ્ઞાનની વ્યાખ્યા અમારી છદ્મસ્થ સંસારી જીવોની દશાને અનુલક્ષીને કરેલ છે.
કેવળજ્ઞાની ભગવંતો કેવળજ્ઞાનને વેદે છે. એ સ્વસંવેદ્યરૂપ છે–સ્વસંવેદન છે. કેવળજ્ઞાની ભગવંત સ્વ સ્વરૂપને વેદે છે જ્યારે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો કેવળજ્ઞાનમાં જણાય છે. કેમકે સર્વ જ્ઞેય પદાર્થો કેવળજ્ઞાનમાં-ચિદાદર્શમાં ઝળહળે છે, પ્રતિબિંબિત થાય છે. ચાર જ્ઞાન શેયને જાણવા જાય છે. જ્યારે કેવળજ્ઞાનમાં સર્વ શેય જણાય છે. વળી એ સર્વ શેયો જેવડાં હોય છે તેવડાં જ દેખાય છે એ સિદ્ઘ જ્ઞાતા-દષ્ટા ભાવ છે. કેવળજ્ઞાન ઉપયોગવંત હોય છે જ્યારે બીજાં ચાર જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઉપયોગ મૂકવા રૂપ છે. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે છે તેમ કેવળજ્ઞાનમાં સર્વ પ્રતિબિંબિત થાય છે, જ્યારે બાકીના ચાર જ્ઞાનમાં ઉપયોગ મૂકવો પડતો હોવાથી તે ચિતારાના ચિત્રામણ જેવાં છે.
‘કૈવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારથી પ્રથમથી જ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવોને ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેને એક જ સમયે સારી રીતે જાણી શકે છે અને જોઇ શકે છે.’ કેવળજ્ઞાનની જે આ વ્યાખ્યા કરી છે તે છદ્મસ્થ સંસારી જીવોને સમજવા માટે અને છદ્મસ્થ સંસારી જીવો સમજી શકે તે અપેક્ષાએ કરવામાં આવેલી વ્યાખ્યા છે. પર વસ્તુના ભોક્તા એવા છદ્મસ્થ સંસારી જીવનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂપ છે. ‘એણે જાણ્યું', ‘એ જાણે છે' અને ‘એ જાણશે' એવાં ક્રિયાના કાળથી ત્રણ ભેદ ત્યાં પાડવા પડે છે. જ્યારે કેવળજ્ઞાની ભગવંતનું જ્ઞાન, જીવન અને વેદન ત્રણ એકરૂપ અને અભેદ છે. પર વસ્તુનું ભોક્તત્વ નીકળી જતાં કેવળજ્ઞાન થાય છે. ૫૨ વસ્તુના ભોક્તત્વના કારણે જ કાળના ત્રણ ભેદ, ભૂત-વર્તમાન-ભવિષ્ય પડી જાય છે. માટે જ છદ્મસ્થ સંસારી જીવોના જ્ઞાન, જીવન, અને ભોગવેદન ત્રણ કાળરૂપ-ભૂતભવિષ્ય-વર્તમાનરૂપ અર્થાત્ ભેદરૂપ બની જાય છે. માટે જ કેવળજ્ઞાન મન:પર્યવ એ ચાર શાન દેશ (ક્ષેત્ર) અને કાળ ક્રમના ભેદવાળા ક્ષેતાતીત અને કાળાતીત છે. જ્યારે છાન્નસ્થિક મતિ-શ્રુત-અવધિજ્ઞાન છે. આત્મા એના પરમાત્મ સ્વરૂપમાં દેશ અને કાળરૂપ નથી. આત્મા એના પરમાત્મ સ્વરૂપમાં માત્ર દ્રવ્ય અને ભાવ સ્વરૂપ છે. વળી દ્રવ્ય અને ભાવ પણ અભેદરૂપ છે. સંસારી છદ્મસ્થ આત્મામાં તો દ્રવ્ય અને ભાવની વચ્ચે ક્ષેત્ર અને કાળ ઘૂસી ગયાં છે. જેથી દ્રવ્ય અને ભાવ ભેદરૂપ થઇ અશુદ્ધ થયાં છે અર્થાત્ દેશકાળથી ” પરિચ્છિન્ન-ખંડિત થયા છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય છે તે જ કાળના બંધનમાં પણ હોય છે.
ત્રણે કાળમાં ધર્મમાં ‘ભાવ'નું પ્રધાનત્વ છે. જ્યારે સંસારમાં ત્રણે કાળમાં ‘દ્રવ્ય'નું પ્રધાનત્વ છે. પરમાત્મા કેવળ ભાવ સ્વરૂપ છે. ૫રમાત્મા અને કેવળજ્ઞાન દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત છે,
આત્માના શુદ્ધ સ્વ દ્રવ્ય, સ્વ ક્ષેત્ર, સ્વ કાળ, સ્વ ભાવનું જ્ઞાન અને ધ્યાન થાય તો આ કાળમાં પણ જીવ નિશ્ચયથી આત્મસુખની ઝલક મેળવી શકે છે-ઝાંખી કરી શકે છે. આત્મા સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભોક્તા બને તો સુખી થાય. આત્મા ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ભોક્તા બન્યો રહેશે તો દુઃખીનો દુઃખી રહેશે.