________________
તા. ૧૬-૧૦-૯૮
માનવભવ સિવાય દીક્ષા શક્ય નથી. પછીના ભવની તેમની સિદ્ધિ અને આશ્ચર્યજનક, અપાર શક્તિ જોતાં એમ લાગે કે માત્ર છેલ્લા દેવભવમાં જ નહિ પરંતુ એથીયે પહેલાંના ભવમાં તેમણે જ્ઞાનની અને તપની આરાધના કરી હશે.
બાળક વજ્રકુમારે માતાની સખીઓના મુખેથી દીક્ષા' શબ્દ સાંભળતાં જ મનમાં સંકલ્પ કરી લીધો કે પોતાને હવે જો મનુષ્ય ભવ મળ્યો જ છે, તો પોતે અવશ્ય જલદીમાં જલદી દીક્ષા ગ્રહણ કરવી, વળી પોતાની માતાને પણ દીક્ષા લેવાના ભાવ છે. જો પોતે દીક્ષા લેશે તો એથી દીક્ષા લેવા માટે માતાને પણ અનુકૂળતા મળી રહેશે. બાળક વજ્રકુમારે વિચાર્યું કે પોતે હજુ બાળક છે, માતાનો એક માત્ર આધાર છે. વત્સલ માતા પોતાને તરત જ દીક્ષા લેવા નહિ દે. પરંતુ બીજી બાજુ દીક્ષા લેવામાં જ માતા-પુત્ર બન્નેનું કલ્યાણ રહેલું છે. માટે માતા થોડી દુઃખી થાય તો પણ પોતે દીક્ષા તો લેવી જ. એ માટે માતાનો પોતાના પરનો વાત્સલ્યભાવ ઓછો કરવાનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. માતા એમને ખોળામાં લે કે તરત જ તેઓ રડવા લાગે. આમ રાત દિવસ તેઓ રડીને માતાને જાણી જોઇને સતાવવા લાગ્યા. માતાએ તેમને રાજી રાખવા રમકડાં, કપડાં, ખાદ્યપદાર્થો, મીઠાં હાલરડાં વગેરે દ્વારા અનેક ઉપાયો કર્યા, પણ તે બધા નિષ્ફળ ગયા. ક્યારેક બહુ કંટાળીને માતા જ્યારે તેમને ધમકી આપતી કે, ‘બસ હવે, બહુ રડીશ તો તને તારા પિતાને સોંપી દઇશ.' પરંતુ આટલું સાંભળતાં જ તેઓ તરત છાના રહી જતા. અને થોડી વાર પછી પાછું રડવાનું ચાલુ કરી દેતા. આ ત્રાસથી વજ્રકુમારની માતા બહુ થાકી ગઇ. તેમની સખીએ તેમને કહ્યું : ‘સુનંદા, આ આખો દિવસ રડતા બાળકને જોતાં અમારી તને સલાહ છે કે તારા સાધુ પતિ જ્યારે આ ગામમાં પધારે ત્યારે તું આ બાળક એમને સોંપી દેજે.' સુનંદાને પણ લાગ્યું કે આ સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એથી તે પોતાના સાધુ થયેલા પતિના
આગમનની રાહ જોવા લાગી.
પ્રબુદ્ધજીવન
થોડા સમય પછી સાધુ આર્ય ધનગિરિ અને સાધુ આર્યસમિત પોતાના ગુરુ મહારાજ સાથે વિહાર કરતા તે નગરમાં પધાર્યા. ગુરુની રજા લઇ બંને સુનંદાના ઘરે વહોરવા પધાર્યા. સુનંદાને આર્ય ધગિરિના આગમનના સમાચાર મળ્યા હતા, તેથી તે બાળકને વહોરાવવા ઉત્સુક હતી. ધનિગિર સુનંદાના ઘરે વહોરવા પધાર્યા તે વખતે સુનંદાએ બાળક માટે ફરિયાદ કરતાં કહ્યું, ‘આપણા પુત્રનું મેં અત્યાર સુધી કાળજીપૂર્વક પાલણ-પોષણ કર્યું છે, પરંતુ તે દિવસરાત રડ્યા જ કરે છે. તેથી હું બહુ કંટાળી ગઈ છું. એ તમારો પણ પુત્ર છે. તમે એના પિતા છો. માટે તમે જો એને લઇ જાવ તો હું ત્રાસમાંથી છૂટું.'
તે દિવસે મુનિ ધનગિરિ જ્યારે વહોરવા નીકળતા હતા ત્યારે ભાવિના જાણકાર તેમના ગુરુએ કહ્યું, ધનગિરિ, આજે તમને જે કોઇ અચિત કે સચિત વસ્તુ વહોરાવે તે લઇ લેજો.’
સુનંદાએ બાળકને વહોરાવવાની વાત કરી ત્યારે ધનિગિર વિમાસણમાં પડી ગયા, પરંતુ ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા. બાળક સચિત કહેવાય. એટલે ધનગિરિએ બાળકને વહોરવા માટે સુનંદાને સંમતિ આપી, પણ કહ્યું, ‘તમે બાળકને વહોરાવો ભલે, પણ એ માટે ચાર-પાંચ વ્યક્તિને સાક્ષી તરીકે રાખીને મને વહોરાવો કે જેથી પાછળથી કોઇ પ્રશ્ન ઊભો ન થાય.' સુનંદાએ પોતાની સખીઓને સાક્ષી તરીકે રાખી. પછી ખૂબ દુઃખ સાથે રડતા બાળકને વહોરાવી દીધું. મુનિ ધનગિરિએ જેવું બાળકને પોતાની ઝોળીમાં મૂક્યું કે તરત જ એ શાંત થઇ ગયું. સુનંદા આશ્ચર્યથી તે જોઇ રહી. મુનિ ધનગિરિએ ઝોળી ઊંચકી તો બાળક બહુ જ વજનવાળું લાગ્યું. આટલા નાના બાળકના વજનથી ધનગિરિના હાથ નીચા નમી ગયા. બાળકને વહોરીને તેઓ ઉપાશ્રયે પહોંચ્યા. જે બન્યું તે વિશે ગુરુ મહારાજને વાત કરી અને તેમના હાથમાં બાળક આપ્યું. બાળકને
૧૧
હાથમાં લેતાં જ ગુરુ મહારાજના હાથ પણ ભારથી નમી ગયા. તેમનાથી બોલાઇ ગયું કે ‘અરે આ તે બાળક છે કે વજ્ર છે ?'
બાળકની અત્યંત તેજસ્વી મુખમુદ્રાને જોઇને આર્ય સિંહગિરિએ તેનું ભવિષ્ય ભાખતાં પોતાના શિષ્યોને કહ્યું, ‘આ કાંતિમાન બાળક મોટો થઇને મહાન ધર્મપ્રવર્તક થશે. જૈન શાસનનો શણગાર થશે, સિદ્ધગિરિ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધારક પણ થશે. માટે એનું ખૂબ જતન કરજો.'
બાળક વજ્ર જેવું બળવાન અને વજનદાર હતું એટલે આર્ય સિંહગિરિએ એનું નામ ‘વજ્રકુમાર' રાખ્યું. તે બહુ નાનો હોવાથી તેની સંભાળની વ્યવસ્થાની જવાબદારી પોતાના સમુદાયની સાધ્વીઓને સોંપી. સાધ્વીઓ બાળકને સ્પર્શી ન શકે એટલે તેઓએ નગરની કેટલીક શ્રાવિકાને બોલાવીને એની સાર-સંભાળ રાખવાનું કહ્યું. સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ આ રીતે બાળક વજ્રકુમારની ખૂબ વાત્સલ્યપૂર્વક સંભાળ લેવી શરૂ કરી. પૂર્વજન્મના સંસ્કારને લીધે વજ્રકુમારમાં કેટલીક વિશિષ્ટ સંજ્ઞાઓ જન્મથી જોવા મળતી હતી. તેઓ જાણે સંયમી સાધુઓના આચારને જાણતા હોય એમ દેખાતું. તેઓ પોતાના શરીરના નિર્વાહ પૂરતાં આહારપાણી લેતા. આહારપાણી પણ અચિત હોય તો જ લેતા. તેઓ મળ-મૂત્ર વિસર્જન માટે સંજ્ઞા કરી જણાવતા. તેઓ ક્યારેય પોતાનાં કે અન્યનાં કપડાં કશું બગાડતા નહિ. રમકડે રમવાને બદલે સાધુઓનાં નાનાં નાનાં ઉપકરણોથી તેઓ રમતા. બાળકની આવી સરસ ચેષ્ટાઓ જોઇને સાધ્વીઓને અને શ્રાવિકાઓને આશ્ચર્ય સહિત આનંદ થતો. લાખો કરોડોમાં કોઇક જ જોવા મળે તેવું આ બાળક હતું.
કે
આ બાજુ બાળક વજ્રકુમારની આવી સરસ સરસ વાતો સુનંદાના
કાને આવી. આવું અણમોલ રત્ન જેવું બાળક આપી દેવા માટે એને ખૂબ પશ્ચાત્તાપ થયો. પોતે મોટી ભૂલ કરી છે એમ એને લાગ્યું. બાળકને પાછું મેળવવા એણે શ્રાવિકાઓ પાસે જઇને વિનંતી કરી. પરંતુ શ્રાવિકાઓએ બાળક આપ્યું નહિ અને કહ્યું કે ‘આ તો અમારા ગુરુ મહારાજે અમને સોંપેલી જવાબદારી છે. ગુરુ મહારાજે અમને બાળક સાચવવા આપ્યું છે. તેથી અમે તમને એ આપી શકીએ નહિ. પરંતુ મા તરીકે તમારે અહીં આવીને બાળકની સંભાળ લેવી હોય તો જરૂર લઇ શકો.' સુનંદાને વજ્રકુમારને મળવાની છૂટ મળી તેથી શ્રાવિકાની સાથે રોજ જઇને વજ્રકુમારને સ્તનપાન કરાવતી, રમાડતી, જમાડતી અને આનંદ પામતી, વજ્રકુમાર પણ પોતે માતાને હેતુપૂર્વક ત્રાસ આપ્યો હતો તેનો બદલો વાળવા ઇચ્છતા હોય તેમ સુનંદા સાથે આનંદથી રહેવા લાગ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં સાધુસાધ્વીઓ બીજે વિહાર કરી ગયા.
તે
આમ કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયા. વજ્રકુમાર ત્રણ વર્ષના થયા. વિહાર કરતાં કરતાં મુનિ ધનગિરિ અન્ય સાધુ સમુદાય સાથે પાછાં એ જ નગરમાં આવી પહોંચ્યા. તે વખતે સુનંદાએ પુત્રને પોતાને પાછો આપવા હકપૂર્વક અને હઠપૂર્વક માગણી કરી. આર્ય ધનગિરિએ કહ્યું, ‘હવે બાળક તમને પાછું આપી શકાય નહિ . સખીઓની સાક્ષીએ વજ્રકુમારને તમે મને સોંપ્યો છે, હવે તેના પર તમારો કોઇ હક રહેતો નથી. તમે એને સાધુ બનાવવા વહોરાવ્યો છે. અમે તેને હવે સાધુ બનાવીશું.’
આ સાંભળી સુનંદા નિરાશ થઇ ગઇ. તે હઠે ભરાઇ. બાળકના માલિકીપણા અંગે બન્ને વચ્ચે વિવાદ થયો. એ દિવસોમાં આવા પ્રશ્નોમાં જો કંઇ સમાધાન ન થાય તો છેવટે રાજદરબારમાં વાત લઇ જવી પડતી. અંતે બન્ને વચ્ચે નક્કી થયું કે આ બાળક અંગે રાજા જે નિર્ણય કરે તે બન્નેએ સ્વીકારવો.
બંને પક્ષ રાજસભામાં ગયા. રાજાએ મંત્રીઓની સલાહ અનુસાર એક કસોટી મૂકી કે રાજસભામાં એક બાજુ સુનંદા હોય, બીજી બાજુ આર્ય ઘનગિરિ હોય. બંને બાજુ બન્ને પક્ષના માણસો બેઠાં હોય.