________________
પ્રબુદ્ધ જીવન
થતા અકસ્માતથી કેટલાક મૃત્યુ પામે છે, તો કેટલાકને અપંગ બનવાનો વારો આવે છે.
.
અપંગ થવાનું એક મોટું ક્ષેત્ર તે શસ્ત્રસંઘર્ષ છે. જ્યારે મોટાં યુદ્ધો થાય છે ત્યારે હજારો સૈનિકો મૃત્યુ પામે છે અને હજારો સેનિકો ઘાયલ થઇ બચી જાય છે. એવા બચી ગયેલા સૈનિકોમાં કેટલાયે જીવનભર અપંગ થઇ જાય છે. એક રીતે એમ કહી શકાય કે આમાં સરકારે પોતે કેટલાક માણસોને યુદ્ધ દ્વારા અપંગ બનાવ્યા છે. યુદ્ધ ભૂમિ ઉપર લડવા જતાં અપંગ બનવાનો વારો પણ કદાચ આવે એવી માનસિક તૈયારી સૈનિકોની પણ હોય છે અને અપંગ સૈનિકોના પુનર્વસનની વ્યવસ્થા પણ લશ્કરમાં હોય છે. પરંતુ યુદ્ધ વખતે બોમ્બમારાને કારણે કે ગોળીબારને કારણે જે નાગરિકોને અપંગ થવું પડે છે એમાં નાગરિકની અપંગ થવાની ઇચ્છા કે માનસિક તૈયારી હોતી નથી. કેટલાક તો અજાણતાં અચાનક આવી ઘટનાનો ભોગ થઇ પડે છે. એવા નારિકોની સમગ્ર જવાબદારી દરેક વખતે દરેક દેશની સરકાર લઇ શકતી નથી.
૨
મોટા ભાગના અપંગ માણસો શરીરથી અપંગ હોય છે, પણ મનથી સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. એમના શરીરનું એકાદ અંગ કે એકાદ ઇન્દ્રિય કામ ન કરતી હોય તો પણ આવા ઘણા કિસ્સાઓમાં તેમની બીજી ઇન્દ્રિયોની શક્તિ વધતી જાય છે. અંધ મનુષ્યની શ્રવણશક્તિ કે બહેરા માણસની પ્રાણેન્દ્રિય વધુ તીવ્ર બની હોય એવા દાખલા જોવા મળે છે. કેટલાક હાથનું કામ પગથી કરે છે અથવા પગનું કામ હાથથી કરે છે. બહેરા કે મૂંગા માણસને કે બે હાથે અપંગ હોય એવા માણસને ચિત્રકલામાં ચિત્રો દોરવામાં વધુ રસ પડે છે. કેટલાકની સંગીતમાં તો કેટલાકની શિલ્પ-સ્થાપત્યમાં શક્તિ ખીલે છે. વળી તેઓને સરખી કેળવણી કે સરખી તાલીમ આપવામાં આવે તો તેઓ ઘણા તેજસ્વી નીવડવાનો સંભવ છે. અંધ માણસો સારા ગવૈયા કે સારા વાજિંત્રકાર કે સંગીત નિર્દેશક બન્યાના ઘણાં ઉદાહરણો છે. કેટલાક તો પોતાની. પ્રતિભાથી સારી રીતે ગોઠવાઇ જાય છે. કેટલાકને માટે તો જાણે કુદરતનો કટાક્ષ હોય એમ અપંગ બનવાને લીધે જ વધુ સારી રીતે જીવવા મળે છે. અપંગપણું એ જાણે કે છૂપા આશીર્વાદ ન હોય ! અપંગ ન થયા હોત તો કદાચ સામાન્ય માનવી હોત અને પોતાની શકિત એટલી વિકસી ન હોત.
ભક્ત સુરદાસ, પંડિત સુખલાલજી, હેલન કેલર કે એવા બીજા અપંગ માણસોએ જીવનમાં ઘણી મોટી સિદ્ધિ મેળવી બતાવી છે. વર્તમાન સમયમાં દેશ-વિદેશમાં વિભિન્ન ક્ષેત્રે ઘણી વ્યક્તિઓએ અપંગ હોવા છતાં પોતાના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. અંદરનું સત્ત્વ જો બળવાન હોય તો શારીરિક મર્યાદા જીવન વિકાસમાં બાધારૂપ બનતી નથી.
આફ્રિકાના કેનિયાના એક શહેર પાસે એક મિત્ર એક અંધશાળા જોવા અમને લઇ ગયા હતા. અંધ વિદ્યાર્થીઓ મેદાનમાં પકડાપકડી રમી રહ્યા હતા. એમને રમતા જોઇને તથા બીજા કેટલાક વિદ્યાર્થીઓને ઝડપથી દાદરો ચડતા ઊતરતા જોઇને એમ લાગે નહિ કે આ બધા અંધ વિદ્યાર્થીઓ છે, પોતાના સ્થાનથી તેઓ રાત-દિવસ એટલા બધા પરિચિત થઇ ગયા હતા કે તેઓ ઝડપથી ગતિ કરી શકતા હતા. એમની આંતરસૂઝ અને શક્તિ એવાં વિકસ્યાં હતાં.
કેટલાક સમય પહેલાં એક નેત્રયજ્ઞ માટે ડૉ. રમણીકલાલ દોશી સાથે પંચમહાલ જિલ્લાના એક ગામની શાળામાં જવાનું થયું હતું ત્યારે શાળાના એક અંધ શિક્ષક જે રીતે શાળામાં હરતા ફરતા હતા અને વિદ્યાર્થીઓને સૂચના આપતા હતા તે જોતાં એમ લાગે નહિ કે તેઓ અંધ હશે !
હવે તો વિદેશોમાં અંધ તેજસ્વી વ્યક્તિઓ માટે Dog Eye Seeingની વ્યવસ્થા કરાય છે. સરકાર પણ એમાં આર્થિક સહાય કરે છે. ત્યાં અંધ વ્યક્તિ માટે કૂતરાઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ અપાય છે. એવી તાલીમ માટે કૂતરાઓની પણ ખાસ પદંસગી થાય છે. તાલીમ અપાયા પછી જે અંધ વ્યક્તિને એ કૂતરું સોંપાય તે પણ કૂતરાને જુદા જુદા ઇશારા શીખવાડે. આમ પોતાનું જોવાનું કામ કૂતરો કરે છે. રસ્તામાં જવું, રસ્તો ઓળંગવો, પગથિયાં આવતાં હોય, વગેરે ઘણી
તા. ૧૬-૩-૯૭
બાબત માટે હાથમાં દોરી રાખીને કૂતરાને લઇ જવામાં આવે. કૂતરાના ઇશારે માણસ ચાલે અને માણસના ઇશારા પ્રમાણે કૂતરો કામ કરે. આવા તાલીમબદ્ધ કૂતરાઓ અંધ મનુષ્ય માટે આશીર્વાદરૂપ બની જવા લાગ્યા છે.
દુનિયાના બધાં જ અપંગ માણસોને એક સરખી તકલીફ પડતી નથી. દેશ, સમાજ, સંજોગો, આર્થિક સ્થિતિ વગેરે પર ઘણો આધાર રહે છે. એક શ્રીમંત શ્રેષ્ઠી નાનપણથી બે પગે અપંગ છે. પરંતુ ઘરમાં એમને જોઇએ તે પ્રમાણે ખાસ કારીગરો દ્વારા બધી સગવડો કરાઇ છે. રોજ વ્હીલ ચે૨માં તેઓ બહાર જાય છે. નોકર ઊંચકીને એરકંડીશન્ડ ગાડીમાં બેસાડી દે છે, અને ઓફિસે પહોંચાડે છે. ઓફિસમાં બેસી તેઓ આખો દિવસ ટેલિફોન દ્વારા તથા સ્ટાફના સભ્યો દ્વારા પોતાનો વેપાર બરાબર ચલાવે છે. એમને પોતાની શારીરિક ખોડથી ખાસ કશું વેઠવું પડતું નથી.
બીજી બાજુ એક ગરીબ યુવાન બાળપણમાં બે પગે અપંગ થયો છે. ગામડામાં રહે છે. ઝૂપડાં જેવું ઘર છે. આજીવિકાનું કોઇ સાધન નથી. મોટા ભાઇઓ જેમ તેમ સાચવે છે. પોતાની શેરીમાં બેઠાં બેઠાં બે હાથે શરીર ઘસડતો જાય છે. ધૂળમાં શરીર રગદોળાય છે. ગામના લોકો તુચ્છકારથી બોલાવે છે. જેમ તેમ જિંદગીના દિવસો પૂરા કરવા સિવાય તેને માટે છૂટકો નથી. આવા કેટલાય નિરાધાર અપંગોનું આયુષ્ય પણ ટૂંકું થઇ જાય છે.
કેટલાક માણસોની ગણના વિકલાંગમાં ન થાય તો પણ તેઓને વિકલાંગ જેવી જ મુશ્કેલીઓ નડતી હોય છે. કદમાં ઠીંગણાં માણસોએ પોતાની કોઇ ઇન્દ્રિય કે હાથ કે પગ ગુમાવ્યા નથી હોતા, પરંતુ એમનું અતિશય નાનું કદ એમના જીવનવિકાસમાં મર્યાદારૂપ બની રહે છે. આવા વામન જેવા, કુંડક સંસ્થાનવાળા માણસો સમાજમાં ઉપહાસને પાત્ર બને છે. નાનાં છોકરાંઓ એમને ચીડવે છે. ક્યારે ધાંધલધમાલ પણ મચી જાય છે. તેઓને પોતાને લાયક જો સરખો વ્યવસાય મળી જાય તો એમનું કામ થઇ જાય છે. સરકસ કે ચલચિત્રોમાં એવા માણસોને કામ જલદી મળી જાય છે. બીજા અપંગો જેટલી હરવા ફરવાની મુશ્કેલી તેઓને પડતી નથી. તો પણ એવા લોકો અંગેની વિચારણા અપંગો વિશેની વિચારણમાં આવી જવી જોઇએ. જેમ ઠીંગણાં માણસો તેમ અતિશય બેહદ જાડા માણસોને પણ આવી તકલીફો પડે છે.
કેટલાક વર્ષ પહેલાં એવી એક દવા શોધાઇ હતી કે જે લેવાથી સ્ત્રીઓને પ્રસૂતિની વેદના ન થાય. પછી સંશોધનો થતાં જણાયું કે એ દવાની આડ અસર એવી થતી કે ટૂંકા હાથ કે પગવાળાં બાળકો જન્મતાં. એવી વ્યક્તિઓ મોટી થાય ત્યારે બીજી બધી રીતે તંદુરસ્ત હોય. તેઓનો વ્યવહાર પણ બરાબર ચાલતો હોય પણ તેમનાં હાથ કે પગ કે બંને ટૂંકાં હોય, આવી વ્યક્તિઓને બીજી કોઇ સહાયની જરૂર ન હોય, તેઓ પોતાની આજીવિકા મેળવી લેતી હોય છે. તો પણ સમાજમાં તેમને લગ્ન વગેરેની બાબતમાં કેટલીક મુશ્કેલી નડતી હોય છે. લધુતાગ્રંથિ તેમનામાં આવી ગઇ હોય છે. ક્યારેક તે ઉપહાસને પાત્ર બનતી હોય છે.
માણસ જન્મથી અપંગ હોય કે ગરીબી, રોગ, અકસ્માત વગેરેને કારણે અપંગ બને એટલે એના વ્યવહારનું જગત સીમિત થઇ જાય છે. એવી વ્યક્તિઓની હરવા ફરવાની પ્રવૃત્તિ પણ મર્યાદિત બની જાય છે. કેટલાક તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી, એમ છતાં આવી વ્યક્તિઓને તેમની મર્યાદાનો વિચાર કરીને તે પ્રમાણે તેમને સાચવીને ઘરની કે નગરની બહાર લઇ જવામાં આવે તો એમને અતિશય આનંદ થાય છે. પોતાના જેવી બીજી અપંગ વ્યક્તિઓની સાથે બહાર જવાનું જો તેમને મળે તો વળી એથી વધુ સારું લાગે છે. એટલે એમને આપણા સુખના સહભાગી બનાવવા હોય તો એમને બહાર લઇ જવાની જાતજાતની પ્રવૃત્તિઓ વિચારવી જોઇએ અને તેની યોજનાઓ કરવી જોઇએ, તેઓને બધે ફેરવવા જોઇએ. માણસ અંધ હોય તેથી શું ? એને પણ તાજમહાલ જોવા ત્યાં લઇ જઇ શકાય. ત્યાંના વાતાવરણને એ જરૂર માણી શકશે અને આંતરચક્ષુથી તાજમહાલને નિહાળી શકશે. અપંગો માટે નગ૨દર્શન, તીર્થયાત્રા, વગેરે જુદી જુદી જાતના કાર્યક્રમોનું આયોજન થઇ શકે. તેઓને મેળાવડાઓમાં, રમત-ગમતના