________________
૧૬
પ્રબુદ્ધજીવન
સારું છે કે માનવીમાં મોડે મોડે પણ અક્કલ આવી !
I ડૉ. મહેરવાન ભમગરા
થોડાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના કેનબેરાના એક સમાચાર વાંચી હૃદય પુલકિત થઇ ગયું. સમાચાર એ હતા કે પહેલું વિશ્વ યુદ્ધ જે ૧૯૧૪થી ૧૯૧૮ ઈ. સ. વચ્ચે લડાયું હતું, તેમાં તુર્કિસ્તાનને લડાઇમાંથી દૂર કરવામાં ઓસ્ટ્રેલિઆ અને ન્યુઝીલેન્ડના પાયદળ સૈનિકોએ ગધેડાનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો હતો ! એમાં એક સૈનિક હતો જ્હોન સિમ્પસન, જેને ઘવાયેલા સૈનિકોને દુશ્મનના ગોળીબારથી બચાવીને સ્ટ્રેચર પર લાદીને રેડક્રોસ છાવણીમાં લઇ જવાનું કપરું કામ સોંપાયું હતું. આ સિમ્પસન પહેલો સૈનિક હતો જેને ઘાયલ સિપાઇઓને સ્ટ્રેચરને બદલે ગધેડાં પર સુવાડી, બાંધીને સારવારની છાવણી ભેગા કરવાનો વિચાર આવેલો. ગધેડાં તે વેળા મિડલ ઇસ્ટમાં માલ-વાહક એક માત્ર પ્રાણી હતાં. થોડી જ તાલીમ પછી ગધેડાં શીખી ગયા કે શત્રુના ગોળીબારથી પોતાના અને પોતાના પર બંધાયેલા ઘાયલ સૈનિકનો કઇ રીતે બચાવ કરી શકાય. સેંકડો ઘાયલ સિપાહીઓના જાન બચાવીને ગધેડાંઓએ લશ્કરના ઉપરી અધિકારીઓનો આદર સંપાદિત કરી લીધો. સિમ્પસનના ગધેડાનું નામ હતું મરફી, અને એણે ૧૯૧૫માં ગેલીપોલીની ટેકરીઓ આગળ થયેલા ઘમસાણ યુદ્ધમાં, આઠ મહિના સુધીમાં, યુદ્ધભૂમિથી રેડક્રોસની છાવણી સુધી લઇ જઇને ત્રણસો ઉપરાંત સૈનિકોને જીવતદાન બક્યું. મરફી જ નહિ, બધા જ ગધેડાઓ, થાકી ગયા હોય છતાં, દિવસ-રાત આ માનવસેવાનું કાર્ય કરતા રહ્યા. યુદ્ધની સમાપ્તિ સુધીમાં કેટલાંય પશુ મરણશરણ થયાં. છેવટે સિમ્પસન અને એનો મરફી પણ ખપી ગયા. આ બન્નેનું શિલ્પ કેનબેરાનાં યુદ્ધસંગ્રહસ્થાનમાં મૂકવામાં આવ્યું, તે વાતને પણ વર્ષો વીતી ગયા. સિમ્પસન ભૂલાઇ ગયો, પણ કેટલાક વેટરનની સ્મૃતિમાં મરફી કાયમ હતો; એ લોકોએ ગયે મહિને બહાદુર ગદર્ભ મરફીને એના મરણના ૮૨ વર્ષ પછી, પરપલ ક્રોસ નામનો એવોર્ડ એનાયત કર્યો !
આ સન્માન ખરેખર (મતલબ સાચે જ ખર યાને ગધેડાં જેવાં પ્રાણી માટે તો) શાબાશીને લાયક છે જ. માનવી માટે પણ એ ગૌરવની વાત છે કે, એણે જે પશુને ડીફા મારીને અને ગાળો દઇને અપમાનિત કર્યો છે, તેનું બહુમાન કર્યું. માનવસમાજે હંમેશ ગધેડાને હલકી નજરથી જોયો છે, અને એને બેવકૂફ, મૂર્ખ કે અક્કલનો દુશ્મન માન્યો છે. ગધેડાને પણ વધતે-ઓછે અંશે કૂતરા, હાથી, ઘોડાની જેમ તાલીમ આપીને અમુક કામ શીખવી શકાય છે, તે ઉપરાંત એને કુદરતી ‘સીક્ષ્ય સેન્સ’ પણ છે, જેથી એ પોતાનો બચાવ મોતનાં વાતાવરણમાં પણ કરી શકે છે, એ આ ૧૯૧૫નાં યુદ્ધમાં પુરવાર થઇ ગયું. ગધેડાં મંદ-અક્કલ નહિ, પરંતુ અકલમંદ હોય છે એવું પ્રામાણિક કુંભારો પાસ જાણવા મળે. કુંભાર કરતાં ગધેડો ડાહ્યો ન જ હોય એવી ભ્રમણામાં ન રહેવું | ‘ગધેડો' નામ આ સમજુ પ્રાણીને આપણે આપી જ દીધું છે, અને ‘ખર' કે ‘ગદર્ભ’ નામ હજી સામાન્ય માનવીની જીભે ચઢ્યું નથી, એટલે ગધેડાને ગધેડો કહેવું તો ચાલુ રાખવું પડશે. પરંતુ કોઇ મૂર્ખ માનવીને ‘ગધેડો’ ન કહીએ એટલી તકેદારી રાખીશું તો ય ચાલશે. માનવીની મૂર્ખાઇનો તો જોટો ન મળે; ‘ગધેડો’ મૂર્ખાઇનો પર્યાવવાયી નથી. એક ફિલસૂફે ઠીક કહ્યું હતું કે ‘ગધેડો એના માલિકને ઓળખે છે; માનવીને એના માલિકની કોઇ ઓળખ નથી’.
ગધેડું જ નહિ, પ્રકૃતિએ પેદા કરેલ દરેક પ્રાણી, એના કુદરતી માહોલમાં, એની આંતરિક સૂઝ કે પ્રેરણા પ્રમાણે, જરૂરી આહાર, નિદ્રા, મૈથુન, વ્યાયામ વગેરે મેળવી લે છે. પરંતુ જ્યાં પણ માનવીના સંસર્ગમાં એ પ્રાણીને લાવવામાં આવે છે, ત્યાં એક યા બીજે સ્વરૂપે એણે માનવી જેવી બૂરી કે ખોટી ખાસિયતો ગ્રહણ કરવાની મજબૂરી
તા. ૧૬-૧૧-૯૭
ભોગવવી પડે છે. છતાં પણ, માનવીએ જેટલી હદે પોતાની જન્મજાત માણસાઇ ગુમાવી દીધી છે, તેટલી હદે કોઇ પશુ પોતાની આંતરિક પ્રેરણાથી સાવ વેગળું જઇને વર્તન નથી કરતું, સિવાય ધાકધમકી હેઠળ! દરેક પશુ-પક્ષી, પોતાના સહજ સ્વભાવ પ્રમાણે વિકસે છે, અને વર્તે છે. માનવી એક જ પ્રાણી છે, જેનો ન તો જન્મ નૈસર્ગિક વાતાવરણમાં થાય છે, ન લાલન-પાલન, માનવી ખૂબ જ બુદ્ધિશાળી હોવા છતાં (કે બુદ્ધિશાળી હોવાને કારણે જ !) પોતાની સહજ માનવતાથી વિમુખ થઇને, અકુદરતી રહેણીકરણી, કૃત્રિમ ખાન-પાન વગેરે અપનાવીને, માનસિક સંતુલન અને સ્વાસ્થ્ય ગુમાવી બેઠો છે.
જેને ઘણી રીતે માનવું પડે કે સર્વોચ્ચ પ્રાણી છે, એવું માનવ-પ્રાણી એકદમ પતિત, બધી રીતે રુગ્ણ, અને શાન વિનાનું ઇન્સાન કેમ અને ક્યારથી બની ગયું તે સંશોધનનો વિષય છે. પણ સંશોધન શક્ય નથી, કારણ આપણી પાસે બહુ બહુ તો ૧૦,૦૦૦ વર્ષનો માનવ ઇતિહાસ છે, જેની સરખામણીમાં ગુફા-માનવ, આદિમાનવ અને તેની પહેલાંના પૂર્વજોનો ઇતિહાસ વીસથી ચાલીસ લાખ વર્ષ જૂનો અંદાજાયો છે ! પશુની કહેવાતી પાશવી વૃત્તિ અમસ્તી બદનામ છે; મૂઢતા અને ક્રૂરતા ઉભયમાં, માનવીની તોલે કોઈ પ્રાણીને મૂકી શકાય એમ નથી. જન્મજાત, દરેક ગધેડો મરફી તરીકે ખીલવા સર્જાયો છે, જેમ દરેક માનવ-બાળક ઇન્સાન થવાં સર્જાયું છે. ફરક ત્યાં પડે છે કે માનવીને બચપણથી જ ‘કેળવણી' એવી મળે છે જે એના પતનનું કારણ બને છે. પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠા મનને સ્વાર્થી અને પરગ્રહી બનવા તરફ વાળવામાં આવે છે. કેળવણી આ પ્રકારની હોવાથી ખીલવણી થતી જ નથી. પાંચ ઇન્દ્રિયોનો ક્યાં, કેમ અને કેટલો ઉપયોગ કરવો તેજ શીખવાડાતું ન હોય, ત્યાં છઠ્ઠી ઇન્દ્રિયનાં તો અંકુર પણ ન ફૂટે તેનો અફસોસ કેમ કરાય
કહેવાતી સભ્યતા યાને ‘સીવીલાઇઝેશન’નાં દૂષણોથી સદ્નસીબે બચી ગયેલા થોડાક આદિવાસીઓમાં ‘સીફ્થ સેન્સ' હજી થોડીક દેખાય છે, કારણ એ લોકોએ પોતાની પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા વ્યભિચાર
કે
અત્યાચાર ઓછા કર્યા છે. બાકી, કહેવાતા સભ્ય, ‘સુસંસ્કૃત’ માનવીએ તો પોતાનાં મનને પ્રદૂષિત, તનને અસાધ્ય રોગોનું ઘર અને પર્યાવરણને વિષાક્ત કરીને સર્વનાશને આરે આ પૃથ્વીને આણી દીધી છે. માનવીનો ઘમંડ એને એમ માનવા પ્રેરે છે કે પૃથ્વી પરનાં બધાં જ વનસ્પતિ, બધાં જ નાનાં મોટાં જીવ, જંતુ, પશુ, પક્ષી, ઉપરાંત પાણી હોય કે પહાડ, દરેક પર રાજ્ય કરવા એને, સર્જનહારે બનાવ્યો છે. આ ઈગોર્મેટ્રિક' ‘ ડૉક્ટરીન’ પૃથ્વી માટે આત્મઘાતક સાબિત થઇ રહી છે, તેવે સમયે એક હીણાયલાં પશુને, મરણોત્તર તો ભલે મરણોત્તર, ૮૨ વર્ષ પછી તો ભલે ૮૨ વર્ષ પછી, પારિતોષિક અર્પણ ક૨ાય એ માનવ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખવા જેવી અભૂતપૂર્વ ઘટના છે.
માનવી વિનમ્ર બને એ જગતની સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ અને સમગ્ર પ્રાણીસૃષ્ટિ, ઉભયનાં અસ્તિત્વ માટે – જેમાં માનવ-પ્રાણીનાં પોતાનાં અસ્તિત્વનો સમાવેશ તો ખરો જ -- પ્રાથમિક આવશ્યકતા છે. પર્યાવરણવિદો સાચું જ કહે છે કે માનવી નામનું રોગિષ્ટ જંતુ આખી પૃથ્વીને બીમાર અને બિસ્માર બનાવી રહ્યું છે. ECOLOGIST વૈજ્ઞાનિકો માનવીની ECOLOGYને સખ્ત શબ્દોમાં વખોડે છે. માનવીએ પોતાનાં જ કરતૂતોથી પોતાને બચાવવાનો સમય પાકી ગયો. છે.
સૂવા
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ હૈ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪, ૨ ફોનઃ ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન : રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮ લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,