________________
પ્રબુદ્ધ જીવન
રાણકી વાવ એટલે વાવના શિલ્પ સ્થાપત્યમાં ઉત્કૃષ્ટતાએ પહોંચેલી કલા. રાણકી વાવની લંબાઇ ઉપરના તોરણયુક્ત પ્રવેશદ્વારથી કૂવાના થાળા સુધી આશરે ૨૧૩ ફુટ જેટલી છે. વાવનો કૂવો ઉપરથી સાત માળ જેટલો ઊંડો છે. આથી પ્રવેશદ્વારથી પાણી સુધી પહોંચતાં મે ક્રમે માળ વધતા જાય છે અને પાણી પાસે તે સાત માળની રચના બને છે. આટલી રચનામાં અંદાજે ૨૯૨ જેટલા સ્તંભ ઊભા કરવામાં આવ્યા હતા. એમાંથી સાતમો માળ તો હવે નષ્ટ થઈ ગયો છે અને બીજા કેટલાક માળ આંશિક રીતે નષ્ટ થઇ ગયા છે. તો પણ જે બધા સ્તંભો છે તેની કોતરણી કલાત્મક છે. સરસ્વતી નદીમાં આવેલા પૂર દરમિયાન વાવમાં પાણી અને માટી ઘસી જતાં કેટલાક સ્તંભ ઢળી પડ્યા હતા. ઓગણીસમા સૈકાના આરંભમાં આ જગ્યાના માલિક બહાદુરસિંહ બારોટ અહીંથી કેટલાક સ્તંભ લઈ ગયા હતા. એમણે પાટણમાં બંધાવેલી વાવ ‘બારોટની વાવ’ તરીકે ઓળખાય છે. એમાં બાંધકામમાં રાણકી વાવના ઘણા સ્તંભોનો ઉપયોગ થયો છે.
४
સામાન્ય બીજી વાવ કરતાં રાણકી વાવનાં પગથિયાંની રચના વિશિષ્ટ છે. સામાન્ય રીતે ઉપરના છેડેથી પગથિયાંઓની રચના સીધી કૂવાના પાણી સુધી પહોંચતી હોય છે. પાંચ-દસ પગથિયાં પછી સપાટ જગ્યા આવે ત્યાં મંડપ બાંધવામાં આવે છે, વધુ માળ હોય તો મંડપ ઉપર મંડપ બાંધવામાં આવે છે. વટેમાર્ગુઓ આવા મંડપનો ઉપયોગ આરામ માટે કરતા હતા. રાણકી વાવમાં બધાં જ પગથિયાંની રચના એક દીવાલથી સામી બીજી દીવાલ સુધી સળંગ કરવામાં આવી નથી. વચમાં અને બંને છેડે કરેલાં કેટલાંક નાનાં નાનાં પગથિયાં અંતરાયરૂપ બનતાં નથી. વળી પગથિયાં એવી રીતે કરવામાં આવ્યાં છે કે ઉપરથી જોઇએ તો તે બધાં દેખાય નહિ. એથી વાવના દશ્યમાં પગથિયાં એવી રીતે ઊતરવાં પડે છે કે જેથી મુખ કૂવા તરફ સતત ન રહેતાં વખતોવખત દીવાલ તરફ પણ નજર કરવાની અનુકૂળતા રહે છે. એથી વાવમાં ઊતરતાં ઊતરતાં દીવાલ પરનાં શિલ્પો ઉપર સ્વાભાવિક નજ૨ જાય
છે.
રાણકી વાવના શિલ્પવિધાનમાં ચૈવ મત અને વૈષ્ણવ મત એ બંનેનો સમન્વય થયો છે. એ બંને પ્રકારનાં શિલ્પો એક બીજાનાં પૂરક જેવાં બની રહે છે. રાણી ઉદયમતીને પાર્વતી તરીકે, પ્રતીક રૂપે આ શિલ્પમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વાવના કૂવાના વર્તુળાકારમાં જુદા જુદા માળની કક્ષાએ કરવામાં આવેલી શિલ્પાકૃતિઓમાં સૌથી મહત્ત્વની તે શેષશય્યા પર સૂતેલાં ભગવાન વિષ્ણુની છે. ભગવાન વિષ્ણુની આવી શિલ્પાકૃતિઓ કૂવાની વર્તુળાકાર દીવાલમાં એક ઉપર એક એમ ત્રણ છે. ચોમાસામાં કૂવામાં પાણીની ઊંચાઇ વધે ત્યારે નીચેની એક અથવા બે હાર પાણીમાં ડૂબી જતી. વસ્તુતઃ પાણી લેવા વાવમાં નીચે ઊતરનારને ઊભા ઊભા ત્યાં જ સામે ભગવાન વિષ્ણુનાં દર્શન થાય. એને ઊંચે જોવું ન પડે. એવી રીતે. શેષશાયી વિષ્ણુ ભગવાનની એક ઉપર એક એમ ત્રણ શિલ્પાકૃતિઓ કરવામાં આવી છે. આખી વાવનું સૌથી મહત્વનું પ્રયોજનભૂત ઔચિત્યપૂર્ણ શિલ્પ તે આ છે.
.
વાવના ગોખલાઓમાં અને અન્યત્ર મૂકવામાં આવેલી નાની મોટી અઢીસોથી વધુ શિલ્પાકૃતિઓ છે. ગોખલાઓમાં મૂકવામાં આવેલી મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુ અને એમના અવતારો-રામાવતાર, વરાહાવતાર, વામનાવતાર, કઅિવતાર વગેરેની મૂર્તિઓ વિશેષ ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે કલ્કિ તરીકે ભગવાન બુદ્ધની એક આખી ઊભી મૂર્તિ તથા એક ઘોડા ઉપર બેઠેલી પણ અહીં જોવા મળે છે. પાર્વતીની પંદરેક જુદી જુદી મૂર્તિ જોવા મળે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ ઉપરાંત નાગકન્યાઓ, યોગિનીઓ, અપ્સરાઓ વગેરે પણ અહીં
તા. ૧૬-૧-૯
જોઇ શકાય છે. બ્રાહ્મણી, માહેશ્વરી, કુમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, ભૈરવી, મહિષાસુરમર્દિની, અનિરુદ્ધ, નારાયણ, શ્રીધર, હરિ, કેશવ, ત્રિવિક્રમ, ગોવિંદ, પુરુષોત્તમ, નરસિંહ, મહાલક્ષ્મી, કુબેર, દામોદર, પદ્મનાભ, ભૈરવ, સૂર્ય, અગ્નિ, ઇશાન, હનુમાન વગેરેની મૂર્તિઓ અહીં જોવા મળે છે. એની વચ્ચેનો લાક્ષણિક ભેદ કોઇ ન સમજાવે ત્યાં સુધી ખબર ન પડે કે અમુક બે મૂર્તિમાં શો ફરક છે.
કેટલીક શિલ્પાકૃતિઓમાં પુરુષોનાં અને સ્ત્રીઓનાં ઊંચે કરેલાં મસ્તક, તથા સહેજ લાંબા અને અણિયાળાં નાક, નાની હડપચી, શરીરની ત્રિભંગી વગેરે આ વાવની લાક્ષણિકતા છે. કેટલીક શિલ્પાકૃતિઓમાં વસ્ત્રાલાંકા૨ની બહુ ઝીણવટભરી કોતરણી છે તો કેટલીક શિલ્પાકૃતિઓની, ખાસ કરીને મુખ્ય નાયક કે નાયિકાની આસપાસની નાની શિલ્પાકૃતિઓની કોતરણીમાં એવી ઝીણવટ દાખવવામાં આવી નથી.
શિલ્પાકૃતિઓમાં સારી હાલતમાં જળવાઇ રહેલું એક સુરેખ અને રમણીય શિલ્પ તે ભગવાન વિષ્ણુના અંતિમ ભાવિ કલ્કી અવતારનું છે. કલ્કી ઘોડા ઉપર સવારી કરે છે. એમને ભવિષ્યમાં હજુ ઘણી ગતિ કરવાની છે એટલે એમની આ કાળસફરમાં થાક ન લાગે એટલે એમને જલપાત્રમાં જલદેવતા જલ આપે છે. એની બંને બાજુની પેનલમાં ભારે મોટા અંબોડાવાળી, કાનમાં, ગળામાં, હાથમાં તથા કમરે ભારે ઘરેણાં પહેરેલી અપ્સરાઓ વિવિધ મુદ્રામાં બતાવી છે.
વાવની શિલ્પાકૃતિઓમાં એક સર્વશ્રેષ્ઠ શિલ્પાકૃતિ તે ભગવાન વિષ્ણુના વામનવતારની છે. એક જાડા ઠીંગણા બ્રહ્મચારી લંગોટધારી છોકરા તરીકેની વામનની મૂર્તિનાં સૌષ્ઠવ અને પ્રસન્નતા મનમાં વસી જાય એવાં છે. એનું જાડાપણું કઠે એવું નથી, કારણ કે તે સપ્રમાણ છે અને ત્રિભંગીને કારણે લાવણ્યયુક્ત છે. એના એક હાથમાં માળા છે અને એક હાથમાં છત્ર છે. એની છાતીમાં કોતરેલા ‘શ્રીવત્સ’ના ચિહ્ન પરથી ખબર પડે છે કે તે વિષ્ણુ છે અને આકૃતિ ઉપરથી જોઇ શકાય છે તે વામન અવતારની છે. એવી જ બીજી નોંધપાત્ર શિલ્પાકૃતિ તે એક પગ ઉપર ઊભા રહીને તપસ્યા કરતી પાર્વતીની છે.
કે
એ યુગના શિલ્પવિધાનની એક ખાસિયત એ છે કે કેટલીક નગ્ન તથા કામભોગની મૂર્તિઓ કોતરવામાં આવતી. ક્યાંક તો પશુઓ સાથેના કામભોગની મૂર્તિઓ પણ જોવા મળે છે. રાણકી વાવમાં પણ એવી કેટલીક નગ્ન મૂર્તિ જોવા મળે છે, પરંતુ કામભોગની મૂર્તિ જોવા મળતી નથી. રાજા ભીમદેવે બંધાવેલા મોઢેરાના સૂર્ય મંદિરમાં કેટલાંક ભોગશિલ્પ જોવા મળે છે તેના પ્રમાણમાં એમની રાણીએ બંધાવેલી આ વાવમાં વિશેષ સંયમ જોઇ શકાય છે.
પોતાનું કટિવસ્ત્ર ખેંચવાનું અડપલું કરનાર વાનરને ધમકાવતી યુવતીનું, કટિવસ્ત્ર ૫૨ચડી ગયેલા વીંછીને ખંખેરવા માટે વસ્ત્ર ઉતારતી લલનાનું કે રાતને વખતે (ત્રણ ઘુવડની આકૃતિ દ્વારા સૂચિત) પોતાના હાથમાં રાખેલા વાસણના પાણીમાં રહેલી માછલીને ખાવા આવનાર નાગને તર્જની વડે ડરાવતી નાગકન્યા (અથવા જલકન્યા) વગેરે કેટલીક શિલ્પાકૃતિઓમાં શૃંગારરસની અભિવ્યક્તિ નિહાળી શકાય છે. શિલ્પ સ્થાપત્યની આ લાક્ષણિકતા તે એ કાળની લાક્ષણિકતા હતી.
રાણકી વાવમાં અભ્યાસ અને સંશોધનની દૃષ્ટિએ ઘણી બધી સામગ્રી છે. શિલ્પ સ્થાપત્યની દષ્ટિએ ગુજરાતનું એ ગૌરવ છે. સોલંકી યુગના સુવર્ણકાળનો એ પ્રત્યક્ષ પુરાવો છે. માનવ જીવનની વિકાસ-સમૃદ્ધિની સાક્ષી પૂરતા આ સ્થાપત્યમાંથી અનેકને પ્રેરણા મળતી રહેશે !
] રમણલાલ ચી. શાહ