________________
શ્રુતજ્ઞાનની સુરક્ષા અંગે શાસ્ત્રો અને પરંપરા
આ સર્વ શ્રુત પણ ભવિષ્યની પેઢી માટે લખાવવું આવશ્ય હતું. તે લખાવવા માટે તાડપત્ર કાગળ ની આવશ્યકતા ઊભી થઇ. એ માટે ધનની જરૂરૂીયાત ઉભી થઇ. મુખ્યત્વે ધનની જરૂરીયાત અને શ્રાવકવર્ગને શ્રુતજ્ઞાનની મહત્તા સમજાવી, તેના સંરક્ષણ-વહન માટે તત્કાલીન ઉપાય રૂપ શ્રુતલેખનની મહત્તા સમજાય તે માટે વિક્રમની પ્રાયઃ ૧૨-૧૩ મી સદી પછીના કાળે પૂ.ગુરુભગવંતોએ શ્રુતલેખનના માહાત્મદર્શક શ્લોકો બનાવ્યા, તેનો પ્રચાર-પ્રસાર થયો. એ પૂર્વાચાર્યોની દીર્ઘદષ્ટિને કારણે જ આપણને આજે આવો ભવ્ય શ્રુતવારસો સાંપડયો છે. પ્રશ્ન :- સૌ પ્રથમ પૂ.દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના કાળે જ જે આગમો લખાયા તે તાડપત્ર પર જ શા માટે લખાવ્યા ? તાડપત્ર એટલે તો તાડ નામના વૃક્ષનું પત્ર-પાંદડું, જે વનસ્પતિ હોઇ તેની વિરાધનાનો દોષ ના લાગે?
ઉત્તર :- અહીં એક વાત બહુ સમજી રાખવા જેવી છે કે તાડપત્ર ઉપરનું લેખન એ કોઇ જૈનસંઘનું સંશોધન નથી જ્યારે આપણે આગમો નહોતા લખાવતા, તે પહેલાથી જ તાડપત્રનો ઉપયોગતો સમગ્ર ભારતવર્ષમાં લેખન સામગ્રી તરીકે થતો જ આવ્યો છે. આજેય બંગ વગેરે દેશોમાં લખાયેલ અન્ય દર્શનના પ્રાચીન તાડપત્રો ઉપલબ્ધ થાય જ છે. તત્કાલીન શ્રી જૈનસંઘ આગમો લખાવવા કોઇ સ્પેશીયલ તાડપત્રીય ઉધોગ શરૂ કર્યાં નથી કે કરાવ્યા નથી, પરંતુ જે તે કાળે લોકમાં લેખન સામગ્રી રૂપે તાડપત્રનો વિપુલ વપરાશ હતો એટલે શ્રી જૈનસંઘે જૈનાગમાદિના લેખન માટે તાડપત્રોને અપનાવી લીધા.
પ્રશ્ન:- પરંતુ તાડપત્રીય પ્રતો બહુ જ ઓછી જોવા મળે છે. મોટે ભાગે તો કાગળ ઉપર લખાયેલા પ્રત જ જોવાય છે ને?
ઉત્તર :- આ તમે લેખન માટેના બીજા વિકલ્પની વાત કરી. તાડપત્ર પરના ગ્રંથો ઓછી માત્રામાં લખાયેલા હોય અથવા નષ્ટ થઇ ગયા હોય માટે ઓછા જોવા મળે છે. હાલ કાગળ ઉપર લખાયેલા ગ્રંથો વધુ જોવા મળે છે. કોઇપણ સંસ્કૃતિ ક્યારેય એક સમાન ચીલે ચાલતી નથી, ક્રાંતિ એ સંસ્કૃતિ સાથે જોડાયેલું સામાયિક અભિન્ન અંગ છે, દર એકાદ-બે-ચાર સદીએ લોકજીવનમાં પ્રજા જીવનમાં ધરખમ ફેરફારો જોવા મળશે જ.
Necessity is the mother of invention જરૂરીયાત એ સંશોધનની માતા છે. લોકવ્યવહારમાં લેખનનો વ્યાપક પ્રચાર વધતાં તાડપત્રના આવશ્યક વિકલ્પની જરૂરીયાત ઉભી થઇ. જેના અનેક પ્રયોગોના સંશોધનના પરિપાકરૂપે કાગળનો જન્મ થયો. વિક્રમની ૧૨-૧૩ મી સદી પછી લોકવ્યવહારમાં લેખનસામગ્રી રૂપે કાગળ વધુ પ્રચલિત બનતો ગયો.
તાડપત્રમાં જેમ વનસ્પતિની વિરાધના હતી. તેમ કાગળની બનાવટ જોઇએ તો, તેમાંય ઘણી હિંસા છે. તે કાંઇ અહિંસક તો છે જ નહીં. તેમ છતાં લોકમાં તેનો વ્યાપક ઉપયોગ જોઇ શ્રી જૈનસંઘ, જે તે લોકવ્યવસ્થાનો શ્રીસંઘના હિતમાં ઉપયોગ શરૂ કર્યો, તત્કાલીન આચાર્યાદિ ગીતાર્થ ગુરુ ભગવંતોએ તે માન્ય કર્યો અને ગ્રંથો કાગળ પર લખાવા શરૂ થયા.
બસ, એ જ રીતે ૧૮-૧૯મી સદીમાં લોકવ્યવહારમાં મુદ્રણયુગ શરૂ થયો. તેનું ચલણ વ્યાપક બનતા શ્રી જૈનસંઘે શ્રી સંઘના ગીતાર્થ ગુરુ ભગવંતોએ શ્રીસંઘના હિતમાં તે પણ અપનાવ્યું અને આગમાદિ શ્રુત છપાવવાની પરંપરાનો ત્રીજો વિકલ્પ અમલમાં આવ્યો.
ક્મશઃ (વધુ આવતા અંકે)
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૯ ७