________________ 71-72 એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગ પણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે. 73 પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. 74 સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો. 75 સકળ સમસ્ત તે ‘સ્કંધ’, તેનું અર્ધ તે ‘દેશ’, તેનું વળી અર્ધ તે ‘પ્રદેશ’ અને અવિભાગી તે ‘પરમાણુ’. 76 બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાનો), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો) સ્વભાવ જેનો છે તે પુદગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી કૈલોક્ય ઉત્પન્ન થાય છે. 77 સર્વ સ્કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ત હોય છે. 78 વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે. 79 સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ'. તે સ્કંધો પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે. 80 તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે - સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણના)નો હેતુ છે. 81 એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો. 82 ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદગલદ્રવ્ય જાણવું. 83 ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, ગંધ, અશબ્દ અને અસ્પર્શ છે; સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. 84 અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.