________________ 25 સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુહર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. 26 કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. 27 જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્ભાવસ્થામાં મૂર્ત એવો જીવ છે. 28 કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્ધ્વ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે. 29 પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. 30 બળ, ઇન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતો હતો, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે ‘જીવ'. 31 અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. કોઈક જીવો લોકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. 32 કોઈક જીવો તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને યોગસહિત અનંત એવા સંસારી જીવો છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. 33 જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. 34 એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર-અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. 35 જેમને પ્રાણધારણપણું નથી, તેનો જેમને સર્વથા અભાવ થયો છે, તે - દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા - ‘સિદ્ધ’ છે. 36 વસ્તુદ્રષ્ટિથી જોઈએ તો સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. 37 શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય ? 38 કોઈએક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈએક જીવો કર્મબંધકર્તુત્વ વેદે છે, અને કોઈએક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે.