________________ 755 શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ સંવત 1953 ૐ નમઃ શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ આકુલવ્યાકુલ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તોપણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુ:ખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય છતાં તે દુઃખ ન મટવાથી દુ:ખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આવું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં, સ્વપ્નય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કોઈને મટતું જ નહીં હોય ? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે ? શું કોઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે ? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુ:ખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત તો દુ:ખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવોનું સફળ થાત, પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય