________________ પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેનું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે.