________________ પ્રથમથી જ જેને સત્સંગાદિક જોગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય, જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યપ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી તેઓ મોક્ષસાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય. વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે ? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. અલૌકિક દ્રષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દ્રષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય ? ઇંદ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચારજાગૃતિ થશે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું મુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે.