________________ 704 લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે રાળજ, ભાદરવા સુદ 8, 1952 લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દ્રષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દ્રષ્ટિનો છે. જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગ-પરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મોક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનનો હેતુ કર્યો કહેવાય. વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે. વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો તો કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું ? જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો; તથારૂપ સત્સંગ સદ્ગુરૂનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી; તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવો મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી.